દેશભરમાં ઇન્કમટેક્સના દરોડા જારીઃ બેંગલુરુમાં રૂ.૧.૦૭ કરોડની કેશ જપ્ત

નવી દિલ્હી: નોટબંધીના ૪૩ દિવસ બાદ પણ સામાન્ય લોકોને કેશની તીવ્ર અછતનો સામનો કરવો પડી રહ્યો છે તો બીજી બાજુ કેટલાક લોકો એવા પણ છે કે જેમની પાસે લાખો-કરોડોની કેશ રોકટોક વગર પહોંચી ગઇ છે, જોકે ઇન્કમટેકસ સહિત અન્ય તમામ એજન્સીઓ આવા લોકોને રોજ પકડી રહી છે. બેંગલુરુમાં સાત શરાફી વેપારીઓને ત્યાં ઇન્કમટેક્સ વિભાગે સર્ચ ઓપરેેશન હાથ ધરીને રૂ.૪૮ કરોડની અઘોષિત આવક પકડી પાડી હતી. આ ઉપરાંત દેશના અન્ય શહેરોમાં પણ મોટા પાયે નવી નોટો ઝડપી પાડી છે.

ઇન્કમટેક્સ વિભાગની ઇન્વેસ્ટિગેશન વિંગે કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંં સાત જવેલર્સ દ્વારા જૂૂની નોટો સામે સોનું વહેંચવાના મામલામાં સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. ઇન્કમટેક્સ વિભાગને એવી બાતમી મળી હતી કે જૂની નોટો દ્વારા સોનાની મોટા પાયે લે-વેચ ચાલી રહી છે. આઇટી વિભાગે આ સંદર્ભમાં એક શખ્સ પાસેથી રૂ.૧.૪ર કરોડની કેશ જપ્ત કરી હતી, જેમાં ૧.૦૭ કરોડ નવી નોટોમાં હતા.

ઇન્કમટેક્સ વિભાગના જણાવ્યા અનુસાર જૂની નોટો સામે સોનાની મોટા પાયે ખરીદી થઇ હતી અને આટલી ખરીદી માટે આરટીજીએસ પેમેન્ટથી લઇને કેશ પેમેન્ટ કરવામાં આવ્યું હતું. કેટલાક ઝવેરીઓએ જૂની તારીખના બિલ બનાવ્યા હતા અને તેના વેટની પણ ચૂકવણી કરી હતી કે જેની ટ્રાન્ઝેકશન કાનૂની લાગે.

કુરુક્ષેત્રના પ્રતાપગઢ ગામની નજીક એક બિનવારસી સ્વિફ્ટ કારની તલાસી લેતાં નોટો ભરેલી બેગ હાથ લાગી હતી. કારની સીટની નીચેની આ બેગમાં રૂ.૬.૩૦ લાખની નવી નોટો અનેે બાકીની જૂની નોટો સાથે કુલ રૂ.૮.પ લાખની કેશ જપ્ત કરી હતી. એ જ રીતે કર્ણાટકના ‌બીદરમાં પોલીસને ર૦૦૦ની નવી નોટો અને રૂ.૧૦૦ની નોટોના બંડલ હાથ લાગ્યા હતા. કુલ અાઠ લોકો પાસે રૂ.ર,૦૦૦ની નવી નોટોમાં રૂ.ચાર લાખ ઝડપાયા હતા. જયપુરમાં પણ પોલીસે બે લોકો પાસેેથી રૂ.૩૪ લાખની કેશ જપ્ત કરી હતી.

નોઈડામાં રૂપિયા ૧૪૦ કરોડનું કાળું નાણું ૪૩૦ કિલો સોના સામે એડ્જસ્ટ કરાયું
નોઈડા: નોઈડામાં એસઈઝેડની શ્રીલાલ મહલ લિમિટેડ કંપનીએ નોટબંધી બાદ રૂ. ૧૪૦ કરોડનું કાળું નાણું ૪૩૦ કિલો સોનામાં એડ્જસ્ટ કરી લીધું હોવાનો ચોંકાવનારો પર્દાફાશ થયો છે. નિકાસ માટે મંગાવવામાં આવેલા સોનાને કંપનીએ ગેરકાયદે ભારતીય બજારમાં વેચી માર્યું હતું. નોટબંધી બાદ કાળાં નાણાંને સફેદ કરવાના આ સૌથી મોટા ખેલનો પર્દાફાશ ડાયરેક્ટર ઓફ રેવન્યૂ ઈન્ટેલિજન્સ (ડીઆરઆઈ) નોઈડાના દરોડા બાદ થયો હતો.

અહેવાલો અનુસાર ડીઆરઆઈની ટીમે ૨૨ અને ૨૩ ડિસેમ્બરના રોજ કંપનીના નોઈડા અને દિલ્હી સ્થિત સ્થળો પર દરોડા દરમિયાન ૧૫ કિલો સોનાના દાગીના, ૮૦ કિ.ગ્રા. ચાંદીની ઈંટો અને રૂ. ૨.૬૦ કરોડની કેશ જપ્ત કરી હતી. ડીઆરઆઈ દ્વારા જપ્ત કરાયેલ કેશમાં રૂ. ૨.૪૮ કરોડ રૂ. ૧૦૦૦ અને રૂ. ૫૦૦ની જૂની નોટોમાં હતાં. રૂ. ૧૨ લાખ રૂ. ૨૦૦૦ અને રૂ. ૫૦૦ની નવી નોટોમાં હતા.

દરોડાની કાર્યવાહી બાદ કંપનીના તમામ ડાયરેક્ટરો સ્વયંને બીમાર બતાવીને હોસ્પિટલમાં દાખલ થઈ ગયા છે નોઈડામાં ડીઆરઆઈએ પાંચ શખસોને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી દીધી છે. ડીઆરઆઈ અધિકારીએ જણાવ્યું હતું કે નોઈડા એસઈઝેડના ફેઝ-૨માં શ્રીલાલ મહલ લિમિટેડ કંપની વિદેશથી શૂન્ય એકસાઈઝ પર સોનું મંગાવીને દાગીના તૈયાર કરે છે.
http://sambhaavnews.com/

You might also like