નોટબંધી બાદ નિકાસબંધીએ ટામેટાંના ભાવ ગગડ્યા

અમદાવાદ: છેલ્લાં ત્રણ સપ્તાહથી નોટબંધીના કાગારોળને કારણે બજારમાં રોકડની અછત પ્રવર્તી રહી છે. ખાસ કરીને નાના વેપારી અને માર્કેટ યાર્ડના કારોબારમાં મોટાભાગે રોકડનો જ વ્યવહાર થાય છે. ત્યાં પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હજુ આ મુશ્કેલીમાંથી વેપારીઓ બહાર આવતા નથી ત્યાં પાકિસ્તાને ભારતમાંથી આવતાં ટામેટાંની નિકાસબંધી કરતાં ટામેટાંના વેપારીઓ વધુ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ટામેટાંના જથ્થાબંધ ભાવમાં પાછલા બે સપ્તાહમાં ૨૦થી ૪૦નો ઘટાડો જોવાઈ ચૂક્યો છે.

સ્થાનિક માર્કેટ યાર્ડમાં વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન દ્વારા ભારતનાં ટામેટાંની નિકાસબંધી કરવાને કારણે મહારાષ્ટ્ર બાજુથી આવતાં ટામેટાના માલનો ભરાવો વધ્યો છે તો બીજી બાજુ તારાપુર બાજુથી પણ ટામેટાંના માલની આવક શરૂ થઈ ગઈ છે. જેના પરિણામે ટામેટાંના ભાવમાં ગાબડાં પડ્યાં છે.

સ્થાનિક માર્કેટ યાર્ડના વેપારીઓના જણાવ્યા પ્રમાણે પાકિસ્તાન વાર્ષિક ૨ લાખ ટન કરતા વધુ ટામેટાંનું સૌથી મોટું આયાતકાર છે. પાછલા સપ્તાહથી પાકિસ્તાને ભારતમાંથી આયાત થતા ટામેટાં ઉપર સંપૂર્ણ બંધી જાહેર કરતાં મહારાષ્ટ્ર, િદલ્હી, અમૃતસરમાં ટામેટાંની નિકાસબંધી થતા ભાવ ઘટ્યા છે. નોંધનીય છે કે બે સપ્તાહમાં ભાવમાં ઘટાડાની ચાલ નોંધાઈ છે. બે સપ્તાહ પૂર્વે ૧૮થી ૨૭ રૂપિયે કિલો વેચાતાં ટામેટાં ઘટીને ૧૨થી ૧૫ની સપાટીએ પહોંચી ગયા છે.
http://sambhaavnews.com/

You might also like