શ્રમિકો માટે નોટબંધી રોજગારબંધી બની

“માલિકે ડિસેમ્બરમાં  બે મહિનાનો પગાર એક સાથે કરી દીધો હતો. એ રકમથી બે માસ સુધી ઘર ચાલ્યું. બે માસ પછી શેઠે કહી દીધું કે એક માસનો સાથે જ પગાર ચેકથી મળશે.  હવે અમારી પાસે રહેવા માટે મકાન જ નથી તો બેંકમાં ખાતાં ખોલાવવા પૈસા અને જરૂરી ડોક્યુમેન્ટ ક્યાંથી હોય? આ કારણે કારખાનામાંથી  છૂટા કરાયા. કામ વગર નાણાં પૂરાં થતાં માસીના દીકરા પાસેથી રૂ.પાંચ હજાર ઉધાર લઈને અત્યારે ઘર ચલાવું છું. છૂટક મજૂરી કરું છું તો ક્યારેક ઘરે બેસી રહેવું પડે છે. ભૂખ્યા સૂવાનો પણ વારો આવે છે.” આ શબ્દો છે વટવાની એક ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લાં રપ વર્ષથી  સંકળાયેલા એક શ્રમિકના.

વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નોટબંધીના પગલાંથી બીજા બધાનું તો રામ જાણે પણ શ્રમિકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. ગરીબો નિરાંતે ઊંઘી શકતા નથી. રોજેરોજનું કમાઈને ખાનારા મજૂરોની હાલત વધુ ખરાબ થઈ છે. લાખો શ્રમિકોની હાલત કફોડી થઈ છે. શ્રમિકોને બે ટંકનું ભેગું કરવા ધોળા દિવસે તારા દેખાઈ ગયા છે. પરપ્રાંતના મજૂરો તો ‘ન ઘરના ન ઘાટના’ એવી સ્થિતિમાં મુકાઈ ગયા છે.  રોજગારીના અભાવે ઘરનું ગુજરાન ચલાવવું કઠિન બની રહ્યંું છે. તેમની પાસે  કોઈ કામ ધંધો નથી એથી અહીં રહેવું પોસાય તેમ નથી અને વતન જવા માટે ટિકિટના પૈસા નથી. ઘણા મજૂરો વ્યાજના ચક્કરમાં ફસાઈ રહ્યા છે તો અસંખ્ય કારીગરો શહેર છોડી હિજરત કરી ગયા છે જે હજુ  શહેરમાં પરત ફર્યા જ નથી ! જે મજૂરો દિવાળીની રજા લઈને વતન ગયા હતા તે નોટબંધી પછી આજદિન સુધી પરત ફર્યા નથી. ટેક્સ્ટાઈલ, ડાયમંડ, રિયલ એસ્ટેટ, બંગાળી સુવર્ણકારો, હીરાના કારીગરો અને ખેતરોમાં મજૂરી કરતા દાહોદ, ગોધરા અને રાજસ્થાનના શ્રમજીવીઓ બેકારીમાં સપડાયા છે.

છૂટક મજૂરી કરી ઘર ચલાવતાં વિધવા કંચનબહેન કહે છે , “મારા એક બાળકને તાવ આવે છે. છતાં તેને સરકારી હોસ્પિટલે લઈ જઈ શકી નથી, કારણ કે જો તેને હોસ્પિટલમાં લઈ જાઉં  તો મજૂરી ન થઈ શકે, અને જો કામે ન જાઉં તો મારાં છોકરાં ભૂખે મરે. આ પરિવાર નારણપુરા રેલવે ક્રોસિંગ પાસે ઝૂંપડામાં રહે છે. આવી જ સ્થિતિ અનેક મજૂરોની છે.

શ્રમિકો અડધી કિંમતે કામ કરવા તૈયાર

એક અંદાજ મુજબ વિવિધ બજારોમાં ૧૦૦માંથી ૩૦-૩પ ટકા કારીગરો પાસે જ કામ છે. બાકીના ૭૦ ટકા બેકાર છે. તેમાંના પ૦ ટકા તો હિજરત કરી ગયા છે ! લાખો શ્રમિકો શહેરના મોંઘા જીવનનિર્વાહના કારણે  વતનથી પરત આવ્યા નથી. ભારે ભીંસમાં મુકાયેલો શ્રમજીવી વર્ગ પોતાનું અસ્તિત્વ ટકાવવા અને ગુજરાન ચલાવવા હવે સામાન્ય દિવસની તુલનાએ પ૦ ટકા ઓછા દરે પણ કામ કરવા તૈયાર છે. શહેરના જુદા જુદા વિસ્તારમાં ઊભા રહેતા શ્રમિકોની ભીડ પણ ઓછી જોવા મળે છે.

છૂટક મજૂરી કરતાં મોહનભાઈ કોળી કહે છે કે, “ખર્ચમાં કાપ મૂકવાના પ્રયાસમાં અનેક ઉદ્યોગોએ છટણી ચાલુ કરી છે. મજૂરોની હાલત કફોડી થઈ  છે. હાલ  ટેક્સ્ટાઈલ, રિયલ એસ્ટેટ, સ્ટીલ અને જ્વેલરી સહિતનાં ક્ષેત્રોમાં કામદારો અને કેટલાક કર્મચારીઓ માટે કપરા દિવસો આવ્યા છે.”

૮૦થી ૮પ હજાર શ્રમિકોની ઘરવાપસી

લેબર કમિશનર એમ.એસ.પટેલ કહે છે કે, “સૌથી વધુ અસર ઔદ્યોગિક એકમોમાં અને ખાસ કરીને નાના અને મધ્યમ ઉદ્યોગો પર વર્તાઈ છે. અમદાવાદ શહેરમાં દરરોજ છૂટક મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવતા પરપ્રાંતના ૮૦-૮પ હજાર મજૂરો પોતાના વતન ઉત્તરપ્રદેશ, રાજસ્થાન, મધ્યપ્રદેશ જતા રહ્યા છે. હવે ક્યારે આવશે તે નક્કી નથી. તો કેટલાક શ્રમિકો બીજાં ક્ષેત્રમાં મજૂરી કરે છે. સૌથી વધુ છટણી ટેક્સ્ટાઈલ, પ્રોસેસિંગ, કેમિકલ, ઈજનેરી, રિયલ એસ્ટેટ ઉદ્યોગમાંથી થઈ છે. તેની સીધી અસર ઉત્પાદન સહિત અન્ય આર્થિક બાબતો પર પડી છે. અનેક ઉદ્યોગોમાં સ્ટેગરિંગના દિવસો પણ વધી ગયા છે. ૮ નવેમ્બર પહેલાં સપ્તાહમાં એક વખત સ્ટેગરિંગ હતું, છેલ્લા દોઢ માસમાં સપ્તાહમાં સ્ટેગરિંગની સંખ્યા ૩થી ૪ દિવસ થઈ  છે.”

સિંગરવા ખાતે ઈંટોના ભઠ્ઠામાં ઉત્તરપ્રદેશથી મજૂરી માટે આવેલા રામકુમારને નોટબંધીને કારણે જીવનનિર્વાહ કપરો થયો હતો. જે અંગે માલિકને સમજાવીને રામકુમારના રૂ.૧૪ હજાર પરત અપાવી તેમને વતન મોકલ્યા હતા. રામ કુમાર જેવા અનેક શ્રમિકોને તેના માલિક પાસેથી મજૂરીનાં બાકીનાં નાણાં કઢાવીને વતન મોકલ્યા હોવાનું પટેલે ઉમેર્યું હતું.

પરપ્રાંતથી કે આંતરરાજ્યમાંથી અમદાવાદ રોજીરોટી માટે આવતા મજૂરો પછી અહીં જ કાયમ માટે વસી જાય છે, પરંતુ નોટબંધી પછી ઔદ્યોગિક એકમોમાં મજૂરી કરતાં મજૂરો દોઢ માસમાં અકળાઈ ઊઠ્યા છે. શહેર નજીક ૧ હજાર જેટલી કેમિકલ ફેક્ટરી કે કારખાનાંમાં કામ કરતા અંદાજે ર૦ હજાર જેટલા મજૂરો બેકાર બની ગયા છે.

મસ્કતી ક્લોથ મહાજન માર્કેટ જેવાં બજારો પણ કરોડોનું નુકસાન વેઠી રહ્યાં છે. આ બજાર સાથે મૂળ રાજસ્થાની શ્રમિકોની રોજગારી જોડાયેલી છે. મસ્કતી ક્લોથ મહાજનના પ્રમુખ ગૌરાંગ ભગત કહે છે કે, “બજારમાં રોકડની તરલતા નહીં આવે ત્યાં સુધી ધંધો ફરી વેગ નહીં પકડે. આ માર્કેટમાં ૧ લાખથી વધુ કર્મચારીઓને રોજગારી મળે છે. શરૂઆતમાં મહાજનોએ શ્રમિકોને મદદ કરી હતી. બેંકમાં ખાતાં પણ ખોલાવી આપ્યાં હતા, પરંતુ બજારમાં માગ જ નથી તો પછી વેપાર-ધંધો કેવી રીતે ઊંચકાશે તે પ્રશ્ન છે.

આવી જ સ્થિતિ અમદાવાદ સોની બજારની છે. નોટબંધી પછી સોનીબજારની ચમક ઝાંખી પડી છે. સોનીબજારમાં ૩૦ ટકા જેટલા બંગાળી કારીગરો છે. બાકીના સ્થાનિક સુવર્ણકારો છે. નોટબંધીના કારણે ધંધો ભાંગી પડતા દિવાળી કરવા વતન ગયેલા પ૦થી ૬૦ ટકા બંગાળી કારીગરો અત્યાર સુધી પરત આવ્યા નથી. અમુક વેપારીઓએ તો સામેથી ફોન કરીને કારીગરોને હાલ પૂરતા નહીં  આવવાનું જણાવી દીધું છે તેમ એક મોટા સોની વેપારીએ કહ્યું હતું.

ટેક્સ્ટાઈલના ૧૦ હજાર મજૂરોનાં બેંકમાં ખાતાં ખોલાયાં

નોટબંધીની સૌથી વ્યાપક અસર આ ઉદ્યોગ ઉપર પડી છે. અમદાવાદના નારોલમાં ૪૦૦ જેટલાં પ્રોસેસિંગ હાઉસ છે. ૧૭ હજારથી વધુ ગાર્મેન્ટ મેન્યુફેક્ચરિંગ યુનિટ છે.ગુજરાતમાં અડધાથી વધુ યુનિટો બે માસથી ઠપ  છે. જે કારણે આ ધંધા સાથે સંકળાયેલા અંદાજે પાંચ લાખથી વધુ લોકોને તેની નોકરી ગુમાવવાનો વારો આવ્યો છે. અમદાવાદ ટેક્સ્ટાઈલ પ્રોસેસર્સ એસોસિયેશનના હોદ્દેદારે જણાવ્યું હતું કે પ્રોસેસિંગ યુનિટો લગભગ ૧.પ૦ લાખ કારીગરોને રોજગારી આપે છે, પરંતુ નોટબંધી બાદ માત્ર ર૦ ટકા જ કામ છે અને અઠવાડિયામાં માત્ર બે કે ત્રણ દિવસ જ યુનિટ ચાલે છે. ઘણા યુનિટોએ છેલ્લા ૬૦ દિવસમાં પોતાના રપ ટકા કારીગરોને છૂટા કરી દીધા છે. નવેમ્બર પછી નવા ઑર્ડરનો સદંતર અભાવ છે. જો સ્થિતિ સામાન્ય થશે તો છૂટા કરેલા કારીગરોને ફરીથી લેવામાં આવશે. એસોસિયેશને જે કારીગરોનાં બેંકમાં ખાતાં ન હોય તેમના માટે કેમ્પ કરી અંદાજે ૧૦ હજારથી વધુ કારીગરોનાં ખાતાં ખોલાવી આપ્યાં છે.

વિવિંગ, પ્રોસેસિંગ અને એમ્બ્રોઇડરી સહિતના એકમોના કારીગરોને પાછા લાવવા મુશ્કેલ બનશે. કારખાનેદારો પાસે બીમ ભરવાની મજૂરી ચૂકવવાના પૈસા નથી. ઉધારની ડાયરીઓ બનાવવી પડી છે.  એમ્બ્રોઇડરીમાં અંદાજે  બે લાખ કારીગરો છે જે પૈકી  એક લાખ  કારીગરો વતન જતા રહ્યા છે. બાકીનામાંથી ૩૦ ટકા કારીગરોનેે મજૂરી જેટલું કામ મળી રહે છે. કારીગરોને સાચવવા અઠવાડિયામાં ત્રણ દિવસ મિલો ચાલે છે.

ટેક્સ્ટાઈલ મજૂર મહાજનના પ્રમુખ અમર બારોટના મતે “છૂટક મજૂરી કરતા  શ્રમિકો પોતાના વતન જતા રહેતા ધંધા ભાંગી પડ્યા છે. માણસો વગર ઉત્પાદન ઘટ્યું છે. સામે માગ પણ નથી. ધંધા વગર કારખાનેદારો પણ મજૂરોને તેની મજૂરી આપવામાં વિલંબ કરવા લાગ્યા છે. સામે શ્રમિકોને ૪-પ લોકોના પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ થતા પોતાના વતન ગયા છે. સ્થાનિક મજૂરો રોડકામ, ઈંટોના ભઠ્ઠામાં કે અન્ય ધંધામાં માઈગ્રેટ થઈ બે છેડા ભેગા કરે છે.”

એક ઉદ્યોગપતિ જણાવે છે કે, “મશીન, બીમ, પેકિંગ સહિત વિવિંગ ક્ષેત્રે લાખો કારીગરો જોડાયેલા છે. તે પૈકી હાલ માંડ ૩૦ ટકા કારીગરો જ છે. બાાકીના વતન જતા રહ્યા છે. કારખાનેદારો શ્રમિકોને  સાચવવા માટે કારખાનાં ચલાવી રહ્યાં છે.

ફેડરેશન ઓફ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના (એફઆઈએ) પ્રમુખ જગદીશ રામાણીએ જણાવ્યું કે, “ગુજરાતમાં યાર્ન મેન્યુફેક્ચરિંગ, વિવિંગ, પ્રોસેસ અને ટ્રેડિંગ યુનિટોમાં ૧પ-ર૦ લાખ લોકો કામ કરતા હતા. જેમાંથી પ૦ ટકા કામદારો બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઓરિસા, રાજસ્થાનના હતા. રોકડા વગર ૭૦ ટકા યુનિટ બંધ થઈ જતા ૧૦-૧ર લાખ મજૂરો બેકાર થઈ ગયા છે. જે યુનિટો કાર્યરત છે તે અઠવાડિયામાં ત્રણ દિવસ જ ચાલે છે. એ પણ ૬-૮ કલાક જ. નોટબંધી પહેલાં આ તમામ યુનિટો ત્રણ-ત્રણ પાળી ૩૬પ દિવસ ધમધમતા હતા. આ ધંધા સાથે સંકળાયેલા  સ્થાનિક લોકો પોતાના ગામડે જઈ પોતાના બાપદાદાનો વારસો સંભાળી ખેતીમાં લાગી ગયા છે. તો અમુક ફરી હીરામાં જોડાયા છે.”

૮૦ ટકા કારખાનાં ફરી શરૂ થયાં નથી

હીરા ઉદ્યોગમાં ઊલટી ગંગા છે. દિવાળીથી જ આ ધંધાને મંદીએ ઘેરી લેતા રત્ન કલાકારોની માઠી બેઠી છે. ૮૦ ટકા જેટલાં કારખાનાં ફરી શરૂ થયાં નથી. કારખાનેદારો યુનિટ ચલાવવા સક્ષમ નથી. રોકડેથી પગાર નહીં મળતા હીરામાં હવે કસ રહ્યો નથી એમ માની રત્ન કલાકારો વતનની વાટ પકડીને ખેતીમાં જોડાયા છે. કેટલાક લોકો વતનથી પૈસા મગાવી ઘર ચલાવે છે. સાથે રોકડ મજૂરી કરે છે. એક સમયે યુવાનો ખેતી છોડીને હીરામાં આવતા હતા. નોટબંધી પહેલાં બાપુનગરમાં ૬૦ હજારથી વધુ રત્ન કલાકારો હતા. જેમાં ર૦ હજારથી વધુ કારીગરોએ આ ધંધો છોડી દીધો છે. એથી કારખાનાંના મેનેજરો ઉપર કામનું ભારણ વધ્યું છે. ઘણા કારખાનેદારોના બે યુનિટ ચાલતા તે હવે એક જ ચાલે છે. હીરાના કારીગરોની મુશ્કેલી એ છે કે તે અન્ય ધંધામાં કામ કરી શકતા નથી એટલે હીરા ઘસીને પરિવારનું ગુજરાન ચલાવવું પડે છે. પ૦ ટકા અર્ધશિક્ષિત લોકો ચેકથી પેમેન્ટ સ્વીકારવા પણ તૈયાર થયા છે. તે જિંદગીમાં પહેલી વાર બેંક ગયા હતા તેમ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પરસોતમ સુતરિયાએ જણાવ્યું હતું.

રિયલ એસ્ટેટઃ ૮૦ ટકા મજૂરો ૫ાસે હાલ કોઈ કામ નથી

રિયલ એસ્ટેટમાં તેજી પત્તાંના મહેલની જેમ કડડભૂસ થઈ નીચે પટકાઈ છે. ટૂંકા ગાળા માટે આ ક્ષેત્રમાં મજૂરો માટે બહુ ઉજળો સમય નથી. શહેરમાં ૧૦૦૦થી વધુ સક્રિય ડેવલપરો છે. જેમાંથી ૪૦૦ જેટલા નાના ડેવલપર છે. ૩૦૦ મધ્યમ સ્તરના છે. કેટલીક કંપનીઓએ સ્ટાફ ઘટાડ્યો છે. કામ પણ રોકાયાં છે.  આ ક્ષેત્ર સાથે સંકળાયેલા ગોધરા, દાહોદ, પંચમહાલ, બનાસકાંઠા, ડુંગરપુર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનના ૮૦ ટકા મજૂરો પાસે હાલ કોઈ કામ નથી. મોટાભાગના પોતાના વતન પરત જતા રહ્યા છે. ૮૦ હજારમાંથી અત્યારે ૧પ હજાર જ અહીં છે તેમ અમદાવાદ રિયલટોર્સ એસોસિયેશનના પ્રમુખ પ્રવીણ બાવળિયાએ કહ્યું હતું.

બિહારથી મજૂરી કરવા અમદાવાદ આવેલા દંપતી રાકેશ અને શારદાની  પરિસ્થિતિ પણ આવી જ છે. તેમના કોન્ટ્રાક્ટરે ડિસેમ્બરમાં તેમને પ૦૦ રૂપિયા મજૂરી આપી હતી. જ્યારે તેમાંથી સામાન લેવા ગયા ત્યારે ખબર પડી કે આ નોટ તો બંધ થઈ ગઈ છે. આખરે એક દુકાનદારે રહેમરાહે પ૦૦ રૂપિયામાં ૪૦૦ રૂપિયાનો સામાન આપવાની શરતે રૂ.પ૦૦ની નોટ લીધી હતી.

કડિયાકામ કરતા સુનીલ દરબારની સ્થિતિ પણ હાલના દિવસોમાં ખરાબ છે. મંદીના લીધે છૂટક કામ પણ નથી. જે લોકોએ પોતાનાં મકાન રિનોવેશન કરવાનાં કામ આપ્યાં હતાં તે હાલપૂરતાં બંધ રાખવા જણાવી દીધું છે. કામ ન મળતાં સ્થિતિ દિવસે ને દિવસે કપરી થઈ રહી છે.

બાંધકામ ઉદ્યોગ ધીમો પડી રહ્યો હોવાથી અમારી રોજની મજૂરીનું હવે નક્કી રહેતું નથી. અઠવાડિયે ક્યારેક બે દાડી મળે છે. મારા ઘરમાં હવે પૈસા ન આવે તો આગામી દિવસોમાં ખાવાનાં પણ ફાંફાં પડે તેમ છે તેમ  મજૂર છગન ભીમાણીએ કહ્યું હતું.

રોજ દાડીની શોધમાં નીકળતા શ્રમજીવીઓ  વહેલી સવારે અમદાવાદના ગુરુકુળ રોડ, કડિયાનાકા પર, શ્યામલ પાસે રેલવે ફાટક સહિત અનેક જગ્યાએ છૂટક મજૂરી, કડિયાકામ માટે માણસો એકત્ર થાય છે. અહીંથી લોકો કામ માટે લઈ જાય છે. હાલ મંદીના કારણે શ્રમિકોને અઠવાડિયે માંડ બે દનૈયાની રોજગારી મળી રહી છે. અસંગઠિત વર્ગ વધુ મુશ્કેલીમાં છે. રોજનું લાવીને રોજ ખાવાવાળો વર્ગ પરેશાન થતા ઘરનાં બૈરાં, બાળકોને પણ ફરજિયાતપણે છૂટક કામમાં જોતરાવું પડે છે. કુટુંબના બે ટંકના રોટલા રળાવ બધા દોડધામ કરી રહ્યા છે.

એસોચેમના અનુમાન મુજબ નોટબંધીની સૌથી ખરાબ અસર લઘુ, નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો પર પડી છે. જે કારણે અસંગઠિત ક્ષેત્રમાં રોજગારીની તકોમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. અત્યાર સુધીમાં ૭૦ ટકાથી વધુ છૂટક મજૂરો બેકાર બન્યા છે.  મોટાભાગના મજૂરોને છેલ્લા ૧ મહિનાથી કોઈ જ પ્રકારની ચુકવણી થઈ નથી. વેપારીઓ પાસે નાણાં નથી. જ્યારે મજૂરો પાસે બેંક એકાઉન્ટ ન હોવાથી ચેકમાં પણ ચુકવણી થઈ શકતી નથી.

અસંગઠિત મજૂરો બેકાર બનતા રોજગારી મેળવવા ઠેરઠેર ભટકી રહ્યા છે

વટવા જીઆઈડીસીમાં રહી છૂટક મજૂરી કરતા રમેશભાઈ કહે  છે કે, “એક સમયે અમે ઓવરટાઈમ કરતા હતા પરંંતુ નોટબંધીના અમલ પછી ૮ કલાક કામ પણ મળતું નથી. હવે પ્રશ્ન એ છે કે ત્રણ સભ્યોનું ગુજરાન કેમ કરવું? પૈસા પૂરા થતા રૂ.૧૦૦૦ વ્યાજે લઈને ઘર ચાલે છે. અહીં કોઈ ઓળખતું નથી એટલે ઉધાર આપવા કોઈ તૈયાર નથી. બિહારના આરા ગામમાં અમારે જમીન કે અન્ય ધંધો પણ નથી. ત્યારે વતન જવાનો કોઈ ફાયદો નથી. અહીં રહેવા સિવાય છૂટકો નથી. જે દિવસે કોઈ કામ ન મળે ત્યારે માત્ર રોટલી અને અથાણું ખાઈને પેટ ભરી લઈએ છીએ. ક્યારેક એક સમય જ જમવાનું નસીબ થાય છે.”

ગામડાંમાં પણ સ્થિતિ આવી જ છે. ખેડૂતો હવે મજૂરો પર નિર્ભર રહેવા લાગ્યા છે. રોકડની તંગીમાં ખેડૂતોનો માલ વેચાતો નથી. કેટલાકનો વેચાય છે તો ચેકથી પેેમેન્ટ આવે છે. મોટાભાગના ખેડૂતોનાં ખાતાં કો.ઓપરેટિવ બેંકમાં છે. કો.ઓપ. બેંક પાસે રોકડ નથી. જેની સીધી અસર મજૂરો ઉપર પડે છે. મજૂરોને મજૂરી મળતી નથી. ઘર ચલાવવું કઠિન બન્યું છે. જે કારણે ઘણા મજૂરો વતન જતા રહ્યા છે. અમુક ખેડૂતો-મજૂરોને મજૂરીના બદલામાં અનાજ કરિયાણું, દૂધ, છાસ અને શાકભાજી આપીને ચલાવે છે.

રોકડની તંગીથી ઉદ્ભવેલી મંદીનો માર શ્રમિકોને સહન કરવાનો વારો આવ્યો છે. ગરીબોના ઘરમાં એક સમયે ચૂલો પણ સળગતો નથી.આવી સ્થિતિમાં બેઘર થયેલા શ્રમિકો પાસે પોતાના વતન જવા સિવાય છૂટકો નથી. હિજરત કરી ગયેલા કામદારોને પરત લાવવા અને જે વતન જવાનું વિચારી રહ્યા છે તે અહીં જ રહે તે માટે સરકારે મોટી માત્રામાં રોકડનો પુરવઠો બજારમાં મૂકવો પડશે. દેશને કૅશલેસ કરવો તે સારી વાત છે પરંતુ દેશમાં અમુક વ્યવહારને કૅશલેસ કરવા શક્ય નથી. એ રીતે જ મજૂરોને કૅશલેસ તરફ વાળવા કઠિન છે. તેને તો રોજનું કમાઈને રોજનું ખાવાનું છે ત્યારે તેને દરરોજ બેંક કે એટીએમ જવું પોસાય નહીં.

બે માસ બાદ મજૂરો ધીમેધીમે પરત ફરી રહ્યા છે
સરકારે ચલણી નોટ ઉપરના આઠ નવેમ્બરે મૂકેલા પ્રતિબંધને બે મહિના કરતાં પણ વધુ સમય થઇ ગયો છે. નોટબંધી બાદ શરૂઆતના સપ્તાહમાં ઔદ્યોગિક એકમોમાં માઠી અસર જોવા મળી હતી. એક બાજુ રોકડની અછત વચ્ચે મજૂરોને રોજ-બ-રોજનું મહેનતાણું ચૂકવવું મુશ્કેલ રૂપ હતું, તો બીજી તરફ અનિશ્ચિતતાભર્યા માહોલ વચ્ચે કારોબારીઓએ જરૂર પૂરતાં કામકાજ જ ચાલુ રાખ્યાં હતાં. નાના અને મધ્યમ કદના એકમો પર તેની સીધી અસર જોવા મળી હતી. એક અંદાજ મુજબ શહેરની આજુબાજુ નાના અને મધ્યમ કદ સહિત ઔદ્યોગિક એકમોમાં પાંચથી સાત લાખ મજૂરો સીધી કે આડકતરી રીતે રોજબરોજના મજૂરીકામ સાથે સંકળાયેલા છેે. મોટાભાગના મજૂરો પરપ્રાંતીય હોઈ નોટબંધી બાદની પરિસ્થિતિમાં તેઓ વતન ચાલ્યા ગયા હતા.

ટેક્સ્ટાઇલ, પ્રોસેસિંગ, કેમિકલ્સ સાથે સંકળાયેલી નાનીમોટી ફેક્ટરી અને કારખાનાંમાં તેની વધુ અસર જોવા મળી હતી. આ વાતને સમર્થન આપતાં ગુજરાત ચેમ્બર ઓફ કૉમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટ બિપીનભાઇ પટેલ કહે છે, “નોટબંધી બાદ રોકડ ક્રાઇસીસ અને કામકાજના અભાવમાં ફેક્ટરી-કારખાનાંઓમાં કામ કરતા મોટાભાગના મજૂરો વતન ચાલ્યા ગયા હતા. જોકે હવે બે મહિના બાદ પરિસ્થિતિમાં સુધારો આવી રહ્યો છે. તેની સાથેસાથે કામ મળતાં મજૂરો પણ ધીમેધીમે પાછા ફરી રહ્યા છે. એ જ પ્રમાણે મસ્કતી કાપડ માર્કેટ મહાજનના  પ્રેસિડેન્ટ ગૌરાંગ ભગતના કહેવા પ્રમાણે નોટબંધી બાદ ટેક્સ્ટાઇલ બજારનાં કામકાજ માત્ર ૨૦ ટકા જ થઇ ગયાં હતાં તેથી કામના અભાવ વચ્ચે મજૂરો વતન ભણી ચાલ્યા ગયા હતા.પરંતુ હવે કારોબાર વધી રહ્યો છે. ૬૦ ટકાથી ૭૦ ટકા કામકાજ રૂટિન થઇ ગયાં છે ત્યારે મજૂરો પણ પરત ફરી રહ્યા છે.”
– ધ્રુવ ચૌહાણ
http://sambhaavnews.com/

You might also like