નોટબંધીઃ જિલ્લા સહકારી બેન્કોના ઘા રૂઝાવાને બદલે ઊંડા…

નોટબંધીની હેરાનગતિને લઈને લોકોમાં રોષ ઠંડો પડી રહ્યો છે. રાષ્ટ્રીયકૃત અને અર્બન બેન્કોમાં હવે કતારો જોવા મળતી નથી. સ્થિતિ સામાન્ય થઈ રહી છે પણ જિલ્લા સહકારી બેન્કોને નોટબંધીના પડેલા ઘા રૂઝાવાને બદલે ઊંડા થઈ રહ્યા છે. નોટબંધીના નિર્ણયને ત્રણ મહિના કરતાં વધુ સમય થઈ ગયો છતાં ડિસ્ટ્રીક્ટ અને રાજ્ય સહકારી બેન્કો પર જે નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં તે હજુ ઉઠાવાયાં નથી એટલું જ નહીં આ બેન્કો પાસે જમા પડેલી કરોડોની નોટો હજુ રિઝર્વ બેન્કે પરત લીધી નથી. ગુજરાતમાં આ પ્રકારની બેન્કોનું માળખું જોઈએ તો દરેક જિલ્લામાં એક ડિસ્ટ્રીક્ટ બેન્ક અને એક સ્ટેટ કો-ઓપરેટિવ બેન્ક છે. દેશમાં ૩ર૮ જેટલી જિલ્લા બેન્કો આવેલી છે.

નોટબંધીના નિર્ણયના થોડા દિવસોમાં જ જિલ્લા બેન્કોમાં જૂની નોટો જમા નહીં કરવા સહિતનાં નિયંત્રણો લદાતા તેના ઘેરા પડઘા ગ્રામ્ય વિસ્તારો સુધી પડ્યા હતા, કારણ કે મોટા ભાગના ખેડૂતોનાં બેન્ક ખાતાં જિલ્લા બેન્કોમાં હોય છે. આ મુદ્દે જિલ્લા બેન્કો પરથી નિયંત્રણો ઉઠાવી લેવા સહકારી આગેવાનો વિઠ્ઠલ રાદડિયા, દિલીપ સંઘાણી સહિતના સહકારી આગેવાનો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પણ મળ્યા હતા છતાં કોઈ ફેર પડ્યો ન હતો. બેન્કના અધિકારીઓ કહે છે અમારી બેન્કની હાલત તો સુધરવાને બદલે બગડી છે. કરોડો રૂપિયાની જૂની નોટો પડી છે તે રિઝર્વ બેન્કે પરત લીધી નથી તો બીજી તરફ ગ્રાહકોને નવી નોટો સાથેની રકમ આપવા અને બેન્કિંગ વ્યવહારો સાચવવા નવ ટકા જેટલા ઊંચા વ્યાજે ઓવરડ્રાફટ લઈ રહ્યા છીએ. આમ, નોટબંધીના ઘા પર કોઈ મલમના બદલે વ્યાજખાધનું મીઠું ભભરાવવા જેવો ઘાટ થયો છે!

http://sambhaavnews.com/

You might also like