નોટબંધીના બે મહિના બાદ પણ હીરા બજારનાં ૮૦ ટકા કારખાનાં બંધ હાલતમાં

અમદાવાદ: નોટબંધીને બે મહિનાનો સમય પૂરો થવાને હવે ગણતરીના દિવસો બાકી છે. દિવાળી બાદ કેન્દ્ર સરકારે ૮ નવેમ્બરે નોટબંધીની જાહેરાત કરી હતી, જેનો કારમો ફટકો હીરા બજાર પર જોવા મળ્યો હતો. ૮૦થી ૯૦ ટકા જેટલો કારોબાર રોકડ ઉપર જ ચાલે છે. આવા સંજોગોમાં નોટબંધીના કારણે શહેરના ડાયમંડ બજારના મોટા ભાગના કારખાનાંઓમાં તાળાબંધી જોવા મળી હતી.

ડાયમંડ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે ક્રિસમસના જૂના ઓર્ડરો પૂરા થઇ જતાં મોટા ભાગનાં કારખાનાં હાલ બંધ જેવી હાલતમાં છે અને જેમની પાસે જૂનો રફ માલ પડ્યો છે તેવા પાંચ ટકા કારખાનાં જ હાલ ચાલુ જોવા મળે છે.

ઊભી થયેલી પરિસ્થિતિના કારણે કારખાનેદારો નવું કોઇ સાહસ કરવા તૈયાર નથી અને તેના કારણે આ કારખાનાં હજુ ત્રણથી છ મહિનામાં શરૂ થાય તેવી કોઇ હાલ સ્થિતિ જોવા મળતી નથી. ડાયમંડ બજારના બંધ કારખાનાંના કારણે રત્ન કલાકારોને દિવાળી બાદ પણ વેકેશન લંબાવવાની ફરજ પડી છે.

સ્થાનિક ડાયમંડ એસોસિયેશનના અગ્રણીઓના જણાવ્યા પ્રમાણે એક અંદાજ મુજબ શહેરમાં ૫,૦૦૦થી વધુ નાનાં-મોટાં ડાયમંડ યુનિટો ચાલી રહ્યા છે. નવા રફ માલની ખરીદી સંચાલકો દ્વારા બંધ થઇ જવાના કારણે  આ કારખાનાઓ પણ હાલ બંધ હાલતમાં છે.

આ અંગે અમદાવાદ ડાયમંડ એસોસિયેશનના પ્રમુખ પરસોત્તમભાઇ સુતરિયાના જણાવ્યા પ્રમાણે નોટબંધી બાદ ડાયમંડ બજાર ઉપર પણ તેની અસર જોવા મળી હતી. રફ માલની નવી ખરીદીના અભાવ વચ્ચે આજે કારખાનાંઓ બંધ જેવી હાલતમાં છે, જોકે હવે પરિસ્થિતિમાં ધીમે ધીમે સુધારો થાય તેવા એંધાણ વરતાઇ રહ્યાં છે.
http://sambhaavnews.com/

You might also like