નોટબંધીથી ભાજપના સાંસદોમાં ગભરાટઃ લોકોની નારાજગી સતત વધી રહી છે

નવી દિલ્હી: નોટબંધીના નિર્ણય બાદ કેન્દ્ર સરકારનાં તેના ઉદ્દેશ્યને લઇને બદલાતાં નિવેદનો વચ્ચે ભાજપના કેટલાય સાંસદોમાં ગભરાટ વ્યાપી ગયો છે. કેશની અછતને લઇને લોકોમાં પ્રવર્તતી નારાજગી અને સરકાર સામેના આક્રોશને લઇને ભાજપના સાંસદો હવે ઘેરી ચિંતામાં છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ભાજપના પાંચ સાંસદોઅે પોતાનું નામ જાહેર નહીં કરવાની શરતે જણાવ્યું હતું કે રૂ.પ૦૦ અને ૧,૦૦૦ની નોટ બંધ કરવાના નિર્ણય પર લોકોનો પ્રારંભિક ઉત્સાહ હવે ઓસરી રહ્યો છે અને હવે લોકોમાં સરકાર પ્રત્યેની નારાજગી સ્પષ્ટ વર્તાઇ રહી છે. તેમનું કહેવું છે કે રોકડ રકમની અછત, એટીએમ બહાર લાઇન, સ્થાનિક અર્થતંત્ર પર ખરાબ અસરોને લઇને લોકોનો ગુસ્સો હવે વધી રહ્યો છે.

આ સાંસદનું માનવું છે કે મજૂરો, વણકરો, શાકભાજી વેચનારાઓ, નાના દુકાનદારો અને નાના-મોટા ઉદ્યોગ-ધંધાને કેશની અછતના મામલે ઘેરી ચિંતા છે અને તેમની પ્રવૃત્તિઓ ઠપ થઇ ગઇ છે અને અન્ય સેકટરમાં પણ રોજગારીની અછત સૌથી મોટા ખતરા સમાન છે. ભાજપનાં સૂત્રોના જણાવ્યા અનુસાર અલગ અલગ રાજ્યના પક્ષના નેતાઓએ નોટબંધીની પ્રક્રિયાને લઇને આંતરિક બેઠકમાં ચિંતા વ્યકત કરી છે. ખાસ કરીને ઉત્તર પ્રદેશના ભાજપ નેતાઓમાં ભારે ખળભળાટ મચી ગયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશમાં ર૦૧૭માં ચૂ્ંંટણી યોજાનાર છે. આ સંદર્ભમાં એક સાંસદે જણાવ્યું હતું કે નોટબંધીથી ડિજિટલ ઇકોનોમીનો માર્ગ મોકળો થશે એ મુદ્દો ચૂંટણીમાં ચાલશે નહીં જ્યારે વીજળી અને મોબાઇલ નેટવર્ક જેવા મુદાઓ વણઉકલ્યા છે ત્યારે દુકાનદારો કે નાના વેપારીઓને ડિજિટલ થવાનું કહી શકાય.

જોકે ભાજપના સાંસદ એવી આશા રાખીને બેઠા છે કે વડા પ્રધાનની વિશ્વસનીયતા અને લોકોના મનમાં તેમના પ્રત્યેના વિશ્વાસનો મુદ્દો ભાજપને મદદ કરી શકે છે. બિહારના ભાજપના એક વરિષ્ઠ સાંસદે જણાવ્યું હતું કે પક્ષના એક જૂથનું માનવું છે કે નોટબંધીની પ્રક્રિયાથી અપે‌િક્ષત પરિણામ મળ્યું્ નથી અને તેમણે ટોચના નેતાઓને આ અંગેે જણાવી દીધું છે.
http://sambhaavnews.com/

You might also like