કાશ્મીરમાં બકરી ઇદનાં દિવસે પણ કર્ફ્યુ અને હિંસા : 2નાં મોત

શ્રીનગર : બકરી ઇદનાં દિવસે પણ ખીણમાં હિંસાની આગ શાંત નહોતી થઇ. બાંદીપોરા અને શોપિયામાં પ્રદર્શનકર્તાઓ અને સુરક્ષાદળોની વચ્ચે ધર્ષણમાં બે પ્રદર્શનકર્તાઓનાં મોત થયા હતા. બાંદીપોરા ઉપરાંત શ્રીનગરમાં કેટલાક સ્થળો પર પણ હિંસા જોવા મળી હતી. ઘણા લાંબા સમય બાદ આ પહેલો પ્રસંગ છે જ્યારે ખીણમાં ઇદનાં દિવસે પણ 10 જિલ્લાઓમાં કર્ફ્યુ લાગેલો હોય. ખીણમાં નજર રાખવા માટે હેલિકોપ્ટર અને ડ્રોન ગોઠવવામાં આવ્યા હોય.

અધિકારીઓએ જણાવ્યું કે સેનાને તૈયાર રહેવા માટેનાં નિર્દેશો આપવામાં આવ્યા છે. જો ખીણમાં જો ફરીથી હિંસા ભડકશે તો સેના હસ્તક્ષેપ કરશે. ખીણમાં છેલ્લા બે મહિના કરતા પણ વધારે સમયથી પરિસ્થિતી વણસેલી છે. અત્યાર સુધીમાં 80 કરતા પણ વધારે લોકોનાં મોત નિપજ્પયા છે. ગ્રામીણ વિસ્તારોનાં કેટલાક મહત્વનાં સ્થળો પર સેના જવાનોને ગોઠવવામાં આવ્યા છે.

1990માં રાજ્યમાં આતંકવાદ ફેલાયા બાદ આ પહેલી ઘટનાં છે જ્યારે ઇદનાં પ્રસંગે પણ ખીણમાં કર્ફ્યું રહ્યો હોય. હેલિકોપ્ટર અને ડ્રોનની મદદથી બંદોબસ્ત જડબેસલાક ગોઠવવામાં આવ્યો હોય. કેટલાક વિસ્તારોમાં જો કોઇ પણ પ્રકારની ગતિવિધિ થશે તો સુરક્ષાદળોને ડ્રોન દ્વારા તુરંત જ માહિતી મળી જશે. અલગતાવાદીઓની તરફથી હિંસાની આશંકા વચ્ચે સુરક્ષા દળોને તકેદારીનાં ભાગ રૂપે મોટાભાગનાં વિસ્તારોમાં ગોઠવી દેવાયા છે. વિરોધ પ્રદર્શનો દરમિયાન અલગતાવાદી મહિલાઓ અને બાળકોનો ઉપયોગ ઢાલ તરીકે કરે છે. જેનાં કારણે આ રેલીઓમાં મોટા પ્રમાણમાં ખુંવારી થાય છે.

You might also like