કુવિચાર માનવીને માનસિક બીમાર બનાવી દે છે

સારા વિચાર ધરાવનાર વ્યક્તિ જલદી વિચલિત થતી નથી. તેમને સૌથી ખરાબ પરિસ્થિતિ પણ કદીયે ઝુકાવી શકતી નથી. શ્રેષ્ઠ વિચારોની શક્તિ આપણને દરેક પીડા અને પરેશાનીમાંથી ઉગારી લે છે. નકારાત્મક આંતરિક તત્ત્વો વ્યક્તિને ચિંતિત, તણાવગ્રસ્ત અને નિષ્ફળ બનાવવાની સાથોસાથ અનિદ્રા, ઉદાસી, બ્લડપ્રેશર, ડાયાબિટિસ, હૃદયરોગ વગેરે બીમારીઓનું ગોડાઉન બનાવી દે છે. સકારાત્મક વિચારથી શરીરમાં ઘણાં ગુણકારી હાર્મોન ઉત્પન્ન થાય છે.

બાહ્ય અવાંછિત તત્ત્વ વ્યક્તિને બીમાર કરે જ છે, પણ આંતરિક તત્ત્વો શરીરને બાહ્ય તત્ત્વો કરતાં વધુ નુકસાન કરે છે. આપણું શરીર બાહ્ય પદાર્થોમાંથી અવશોષિત કરેલા પદાર્થો વડે બને છે. જો આ પદાર્થ અશુદ્ધ હોય તો આપણે પણ અશુદ્ધ બનીશું. જો આ પદાર્થ હાનિકારક હોય તો આપણે પણ બીમાર પડીશું. આ કુદરતનો નિયમ છે. માત્ર ભૌતિક સ્તરે જ નહીં, પણ માનસિક અને આધ્યાત્મિક બાબતોમાં પણ આ જ નિયમ લાગુ પડે છે. દરેક વ્યક્તિ પોતાના ભોજન માટે સાવચેત રહે છે, દરેકને ભોજન સારી રીતે પકવેલું, સ્વચ્છ અને સ્વાદિષ્ટ જોઈએ છે. આવી જ રીતે વિચાર અને ભાવના પણ ઉચ્ચ કોટિના હોવા જોઈએ. ખરાબ વિચાર અને ભાવના માણસને નિષ્ક્રિય બનાવવાની સાથોસાથ તેને નિસ્તેજ અને બીમાર બનાવી દે છે.

એક માણસને અવારનવાર અપચો થઈ જતો હતો. તેણે અનેક ડોક્ટરોને બતાડ્યું. દરેક ડોક્ટર તેને પોષક તત્ત્વો વડે ભરપૂર તાજું ભોજન ખાવાની સલાહ આપતો હતો અને વાસી કે તળેલાં ખોરાકથી દૂર રહેવા કહેતો. તેણે પોષક તત્ત્વો વડે ભરપૂર ભોજન ખાવાનું શરૂ કરી દીધું, પણ તેની સમસ્યા યથાવત્‌ રહી. એક દિવસ તે કોઈ પ્રસિદ્ધ સંત પાસે ગયો અને કહ્યું કે, “મહારાજ, મેં બધા ઉપાય કર્યા પણ મારું શરીર અપચાથી પીડાતું રહે છે. આખરે મારું શરીર કેવી રીતે સ્વસ્થ રહી શકશે?”

સંત બોલ્યા, “તું એક સપ્તાહ સુધી કોઈની પણ સાથે ગુસ્સામાં વાત ન કરતો. કોઈની ખુશી કે પ્રગતિ જોઈને ઈર્ષ્યા ન કરતો. પોતાના ધન પર અહંકાર ન કરતો. બસ, તારી સમસ્યા આપોઆપ દૂર થઈ જશે.” પેલા માણસને સંતની વાત પર ભરોસો તો ન થયો, પણ તેણે સંતે કહ્યા પ્રમાણે એક સપ્તાહ સુધી સંતની વાત માનવાનો નિર્ણય કર્યો અને એવું કર્યું પણ ખરું. સાતમાં દિવસે તેનું ચિત્ત એકદમ પ્રફુલ્લિત હતું. તે પોતાને સ્વસ્થ અને ખુશ અનુભવી રહ્યો હતો. આ જોઈને તે પોતાના અપચાનું કારણ જાતે જ સમજી ગયો. તેણે મનોમન સંત પ્રત્યે આદરભાવ વ્યક્ત કર્યો અને હંમેશાં માટે અસત્ય, ઇર્ષ્યા, ક્રોધ અને અહમ્‌ને છોડી દેવાનો ફેંસલો કર્યો.

You might also like