ક્રિપ્ટો કરન્સી ફર્મના સીઈઓનાં મોત સાથે 9.82 અબજ રૂપિયાનો પાસવર્ડ પણ દફન

(એજન્સી) ટોરન્ટો, બુધવાર
કેનેડાની ક્રિપ્ટો કરન્સી એક્સચેન્જ બહુ વિકટ સંકટમાં ફસાઈ ગઈ છે. ક્રિપ્ટો કરન્સી ફર્મ ક્વાડ્રિગાના ફાઉન્ડર અને સીઈઓ ગેરાલ્ડ કોટેનનાં અચાનક મોત બાદ તેમની સાથે જોડાયેલી અબજો રૂપિયાની ડિજિટલ કરન્સી સુધી પહોંચવું હવે લગભગ અશક્ય બની ગયું છે.

ક્વાડ્રિગાએ ક્રેડિટર પ્રોટેક્શનની માગણી કરી છે અને અનુમાન લગાવ્યું છે કે, ૧૩૭ મિલિયન ડોલર (અંદાજે રૂપિયા ૯,૮૨,૮૭,૨૨,૫૦૦)ની ક્રિપ્ટો કરન્સી ગાયબ થઈ ગઈ છે. આ કરન્સી અનલોક કરવાનો પાસવર્ડ ફક્ત કોટેન પાસે જ હતો.

ઉલ્લેખનીય છે કે, ગત ડિસેમ્બર મહિનામાં ગેરાલ્ડ કોટેનનું આંતરડાની બીમારીને કારણે ભારતમાં મોત થયું હતું. કોટેનના મોત બાદ ક્રિપ્ટો કરન્સી સુધી પહોંચવાના તમામ પ્રયાસો નિષ્ફળ નિવડ્યા છે. આ સમાચારથી લાખો રોકાણકારોના શ્વાસ અધ્ધર થઈ ગયા છે.

ગત સપ્તાહે ક્વાડ્રિગા ફર્મે કેનેડાની કોર્ટમાં ક્રેડિટ પ્રોટેક્શનની અરજી દાખલ કરી ત્યારે અબજો રૂપિયાની ક્રિપ્ટો કરન્સી લોક થઈ ગઈ હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી હતી. આ કરન્સી સંભાળવાની જવાબદારી ૩૦ વર્ષના કોટેન પર જ હતી. કોર્ટમાં રજૂ કરવામાં આવેલા દસ્તાવેજોમાં કોટેનની પત્ની જેનીફર રોબર્ટસને જણાવ્યું છે કે, જે લેપટોપનો ક્વાડ્રિગા કંપનીના કામ માટે ઉપયોગ કરવામાં આવતો હતો તે એન્ક્રિપ્ટેડ છે અને જેનીફરને તેનો પાસવર્ડ કે રિકવરી બેકઅપ વિશે કોઈ જાણકારી નથી.

જેનીફરે પોતાની એફિડેવિટમાં જણાવ્યું છે કે, સતત પ્રયત્નો કર્યા બાદ અને ઘણી જગ્યાઓએ શોધ્યા પછી પણ હું પાસવર્ડ સુધી પહોંચવામાં સફળ રહી નથી. ઉલ્લેખનીય છે કે, ક્વાડ્રિગા ફર્મ દ્વારા બિટકોઈન, લાઈટકોઈન અને ઈથ્રીરિયમ કોઈન જેવી ક્રિપ્ટો કરન્સીમાં ટ્રેડિંગ કરી શકાય છે. તે લોક થઈ જવાથી હવે કંપનીના ૧.૧૫ લાખ યુઝર્સ પર તેની સીધી અસર થઈ છે. કંપનીના ૩.૬૩લાખ રજિસ્ટર્ડ યુઝર્સ છે. કોટેનની પત્ની જેનીફરે કોર્ટ સમક્ષ આ તમામ માહિતી આપી છે.

જેનીફરે વિસ્તૃત માહિતી આપતા કોર્ટને જણાવ્યું છે કે, કોટેનના લેપટોપમાં ક્રિપ્ટો કરન્સીનું કોલ્ડ વોલેટ છે, જેને ફક્ત ફિઝિકલી એક્સેસ કરી શકાય છે. આ લેપટોપનો પાસવર્ડ ફક્ત કોટેન જાણતા હતા. હવે કોલ્ડ વોલેટમાં ક્રિપ્ટો કરન્સી ફસાઈ ગઈ છે. દુનિયાભરના જાણીતા સાયબર સિક્યોરિટી એક્સપર્ટ પણ આ ક્રિપ્ટો કરન્સીને અનલોક કરી શક્યા નથી.

ઉલ્લેખનીય છે કે, ક્રોનિક ડિસીઝના કારણે ડિસેમ્બર મહિનામાં કોટેનનું મોત થયું હતું. એ વખતે તે ભારતના પ્રવાસે હતા. કોટેન ભારતમાં અનાથ અને નિરાધાર બાળકો માટે કામ કરતા હતા. કંપનીના સોશિયલ મીડિયા પેજ પર જાણકારી આપવામાં આવી છે કે, ગેરાલ્ડ કોટેન ભારતમાં એક અનાથઆશ્રમ ખોલવા ઈચ્છતા હતા અને આ માટે જ તેઓ ભારતના પ્રવાસે આવ્યા હતા.

૩૧ જાન્યુઆરીના રોજ ક્વાડ્રિગા સીએક્સએ પોતાની વેબસાઈટના માધ્યમથી નોવા સ્કોટિયા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી કે, તેમને મંજૂરી આપવામાં આવે, જેનાથી તેઓ તેમની આર્થિક સમસ્યાઓ હલ કરી શકે. કંપનીએ જણાવ્યું હતું કે, છેલ્લા કેટલાંક સપ્તાહોથી અને કંપનીની આર્થિક સમસ્યાઓ હલ કરવાના પ્રયાસો કર્યા છે. કંપનીએ તેના કસ્ટમર્સને તેમના ડિપોઝિટના હિસાબના પૈસા આપવાના છે, પરંતુ એકાઉન્ટનું એક્સેસ ન હોવાથી આમ કરવું શક્ય બન્યું નથી.

You might also like