જેહાદી ષડયંત્રમાં હથિયારો સપ્લાય કરનાર બે વોન્ટેડ અારોપી ઝડપાયા

અમદાવાદ: ગુજરાતમાં ફાટી નીકળેલાં કોમી તોફાનોનો બદલો લેવા માટે વર્ષ 2003માં વીએચપીના જગદીશ તિવારી તથા જયદીપ પટેલ પર થયેલા જીવલેણ હુમલા કેસમાં હ‌િથયારો પૂરાં પાડનાર બે શખ્સોની એટીએસએ મધ્ય પ્રદેશના બુરહાનપુરથી ધરપકડ કરી છે. વર્ષ 2003માં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે જેહાદી ષડ્યંત્રના બે અલગ અલગ કેસ દાખલ કર્યા હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર બાપુનગરમાં દવાની દુકાન ચલાવતા અને વિશ્વ હિન્દુ પરિષદના નેતા જગદીશ તિવારી પર 11 માર્ચ, 2003ના રોજ ફાય‌િરંગ કરીને હુમલો કરવામાં આવ્યો હતો. આ સિવાય નરોડા ગેલેકસી સિનેમા પાસે વિશ્વ હિન્દુ પરિષદના નેતા જયદીપ પટેલ પર પણ હુમલો કરવામાં આવ્યો હતો. આ કેસમાં ક્રાઇમ બ્રાંચે ગોધરાકાંડનો બદલો લેવા માટે રસુલ પાટી, મુફતી સૂફિયાન, સોહેલ ખાન અને કરીમ ઉર્ફે મુલ્લા કરીમ તથા અન્ય આરોપીઓએ આઇએસઆઇ તથા આંતકી સંગઠનોના ઇશારે અમદાવાદ શહેરમાં ટ‌િફિન બોમ્બ મૂકવાનું તથા કાવતરું ઘડ્યું હતું ત્યારે વીએચપીની ટોચના નેતો પર હુમલા કરવાનું પણ આયોજન કર્યું હતું. જગદીશ તિવારી હુમલા કેસ અને રાજ્યના તત્કાલીન ગૃહ રાજ્યપ્રધાન હરેન પંડ્યા હત્યા કેસમાં સીબીઆઇએ એક જ ચાર્જશીટ રજૂ કરી હતી.

આ કેસમાં ક્રાઇમ બ્રાંચે જેહાડી ષડ્યંત્રના બે અલગ અલગ કેસ કર્યા હતા. આઈએસઆઈના ઈશારે ભારતમાં જેહાદી આતંકવાદ ફેલાવવા માટે ગેરકાયદે હથિયારો, વિસ્ફોટકો એકઠા કરી જે તે જગ્યાએ પહોંચાડવાનું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ કેસની તપાસમાં કુલ ૮૨ આરોપીનાં નામ ખૂલ્યાં હતાં, જેમાંના કેટલાક આરોપીઓએ કાલુપુરમાં ભેગા મળીને એએમટીએસની બસોમાં એક જ સમયે ટિ‌િફન બોમ્બ મૂકીને બ્લાસ્ટ કરવાનું કાવતરું ઘડયું હતું. તે સિવાય રસુલ પાટીની મદદ લઈને મુસ્લિમ યુવાનોને પાકિસ્તાનમાં મોકલી જૈસ-એ-મહંમદ, લશ્કર-એ-તોઈબા અને આઈએસઆઈ દ્વારા આતંકવાદની તાલીમ અપાવી ગુજરાતમાં આતંક ફેલાવવાનું કાવતરું ઘડાયું હતું, જેમાં કેટલાક આરોપીઓને જુદા જુદા રસ્તે ગેરકાયદે બોર્ડર ક્રોસ કરાવીને પાકિસ્તાન સ્થિત ઉપરોક્ત આતંકવાદી સંગઠ્ઠનોના તાલીમ કેમ્પમાં બોમ્બ બનાવવાની તથા બ્લાસ્ટ કરવાની અને ઈન્ટેલિજન્સ ટ્રેનિંગ આપવામાં આવી હતી.

ત્યારબાદ તેમને હૈદરાબાદથી વિસ્ફોટકો તથા શસ્ત્રો પૂરાં પાડવામાં આવ્યા હતા. કુલ ૮૨ આરોપીમાંથી ૫૮ આરોપી ઝડપાઈ ગયા હતા. તેમની પાસેથી દેશી-વિદેશી બનાવટનાં ૨૩ હથિયારો, ૨૬૫ કારતૂસો કબજે કરવામાં આવી હતી.

જગદીશ તિવારી અને જયદીપ પટેલના હુમલા કેસમાં આરોપીએ ઉપયોગ કરેલાં હથિયારને પૂરાં પાડનાર મધ્યપ્રદેશના બુરહાનપુરથી મોહંમદ શ‌િકલ, મોતીઉલ્લ શેખ અને અબ્દુલ રઝાક અબ્દુલ કરીમ શેખની એટીએસએ મધ્યપ્રદેશથી ધરપકડ કરી છે. વર્ષ 2003માં ક્રાઇમ બ્રાંચે જેહાદી ષડ્યંત્રના નોંધેલા આ કેસમાં બન્ને આરોપીઓ પકડાય છે. આ સિવાય ગત વર્ષે ઓક્ટોબર મહિનામાં એટીએસની ટીમે હૈદરાબાદથી ગુલામ જાફર ગુલામ હુસેન શેખની ધરપકડ કરી હતી, જેણે ટ‌િફિન બોમ્બ પ્લાન્ટ કરવામાં કાવતરું ઘડ્યુ હતું.

You might also like