ત્રણ મહિનામાં યુએસ ક્રૂડ ૩૮ ડોલર પ્રતિબેરલની સપાટીએ જવાનો અંદાજ

મુંબઇ: વિવિધ કોમિડિટીના ભાવમાં હજુ વધુ ઘટાડો આવશે. ગોલ્ડમેન સાશના રિપોર્ટ મુજબ ચીનની માગમાં ઘટાડો જોવાતાં વિવિધ કોમડિટીના ભાવ સતત તૂટી રહ્યા છે. ધીમા વૈશ્વિક આર્થિક વિકાસ અને ચીનમાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરના ઘટતા વૃદ્ધિદરે કાચામાલની નબળી માગે કિંમતોમાં સતત ઘટાડાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ૧૯ કોમોડિટીવાળો થોમસન રોઇટર્સ જેફ્રીઝ સીઆરબી સૂચકઆંક આ વર્ષે ૨૦ ટકા ઘટ્યો છે, જે વર્ષ ૨૦૦૮ બાદ સૌથી મોટો વાર્ષિક ઘટાડો છે.

ગોલ્ડમેન સાશના એક રિપોર્ટ મુજબ કોમોડિટી ભાવમાં ઘટાડાનું સ્તર શરૂઆતમાં કરેલા અનુમાન કરતાં ઘણું વધુ છે. આના કારણે એવા સંકેતો મળી રહ્યા છે કે અમેરિકા અને ઓપેકના ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરી શકે છે, જેના કારણે વર્ષ ૨૦૧૬ના અંત સુધીમાં બજારમાં સંતુલન જાળવવામાં મદદ મળી શકે.

જાણકારોના જણાવ્યા પ્રમાણે વિવિધ કોમોડિટીની કિંમતોમાં વધુ ભાવઘટાડો અટકાવવા સપ્લાયમાં ઘટાડો જ સંતુલનને રાખી શકે છે. ક્રૂડનો સપ્લાય અત્યાર સુધીના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયો છે. જો સપ્લાય હજુ વધુ જોવાશે તો ક્રૂડના ભાવ પડતર કિંમતની બરાબર આવી જશે. આગામી ત્રણ મહિનામાં યુએસ ક્રૂડ ૩૮ ડોલર પ્રતિબેરલ અને બ્રેન્ટ ક્રૂડ ૪૩ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવાવાનો અંદાજ વ્યક્ત કર્યો છે એટલું જ નહીં રિપોર્ટમાં વર્ષ ૨૦૧૬ના અંત સુધી કોપરની કિંમત ઘટીને ૪૫૦૦ ડોલર પ્રતિ ટનની સપાટીએ આવવાની શક્યતા રિપોર્ટમાં વ્યક્ત કરાઇ છે.

You might also like