વાસણામાં પરિવાર પર ધાતકી હુમલોઃ એકનું મોત, છ ગંભીર

અમદાવાદ: વાસણા વિસ્તારમાં મુખ્યમંત્રી ગરીબ આવાસ યોજનાના મકાનોની ફાળવણીમાં ઘરનાં પરિવારજનો દ્વારા મદદ કરવા બાબતે એક પરિવાર પર છ લોકોએ ઘાતકી હુમલો કર્યાની ઘટના બનવા પામી છે. આ ઘાતકી હુમલામાં છ લોકોને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા, જ્યાં ગત રાત્રે એક વ્યકિતનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપવા તજવીજ હાથ ધરી છે.

પોલીસસૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ વાસણા-ગામમાં ગણેશનગર ઔડાના મકાનો આવેલા છે. આ મકાનમાં ઉમિયાબહેન નિકુંજભાઇ ચુનારા (ઉ.વ.ર૮), તેઓના પતિ, ‌બે દિયર અને પુત્ર સાથે રહે છે. ગણેશનગર ઔડાના મકાનમાં જ રહેતા વિઠ્ઠલભાઇ ચુનારા, સુરેશ વિઠ્ઠલભાઇ ચુનારા, વિજય વિઠ્ઠલભાઇ ચુનારા, રણ‌િજત ઉર્ફે રંજો, ગૌતમ ચી‌િનયો અને મુકેશ નામના શખસો લાકડી, તલવાર, પાઇપો જેવા ઘાતક હથિયારો સાથે ગઇ કાલે ભરબપોરે તેઓના ઘરમાં ઘૂસી આવ્યા હતા અને ઘરના તમામ સભ્યો પર હુમલ કરી માર માર્યો હતો.

તમામ શખસોએ ઉમિયાબહેન, તેમના પતિ નિકુંજભાઇ, દિયર અમિતભાઇ અને મુકેશભાઇ તેમજ તેમના પુત્રને લાકડીઓ અને તલવાર વડે માર મારી ગંભીર ઇજાઓ પહોંચાડી હતી. ઘટના બનતાં આસપાસના રહીશો ભેગા થઇ ગયા હતા. બીજી તરફ તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં અમિતભાઇ ચુનારાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.

બીજી તરફ આ અંગે પોલીસને જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ તપાસમાં વાસણાના મંગલ તળાવ પાસે આવેલા ઔડાના મકાનોની ફાળવણી બાબતે ઉમિયાબહેન અને તેમના પતિ, તેમના બંને દિયર, જમાઇ વગેરેએ મકાન ફાળવણીમાં મદદ કરી હોવાનો વહેમ રાખી તમામ શખસોએ ઘાતકી હુમલો કર્યો હતો. હાલમાં વેજલપુર પોલીસે ગુનો નોંધી આરોપીઓને પકડવા પ્રયાસો તેજ કર્યા છે.

You might also like