ક્રૂડ અઢી વર્ષની ઊંચાઈએઃ પેટ્રોલ-ડીઝલના ભાવ વર્ષમાં ઘટ્યા

અમદાવાદ: આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ૩૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયું છે. બ્રેન્ટ ક્રૂડમાં એક ટકાનો ઉછાળો નોંધાઇ ૬૫ ડોલરની સપાટી વટાવી દીધી છે, જોકે રૂપિયામાં મજબૂતાઇના પગલે સ્થાનિક બજારમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ખાસ કોઇ મોટી વધ ઘટ નોંધાઇ નથી.

આજે શહેરમાં પેટ્રોલ ૬૭.૭૪ રૂપિયે પ્રતિ લિટર, જ્યારે ડીઝલ ૬૧.૯૫ રૂપિયે પ્રતિ લિટરે વેચાણમાં છે. એક મહિનામાં પેટ્રોલના ભાવમાં પ્રતિ લિટર ૭૧ પૈસાનો ઘટાડો નોંધાયો છે, જ્યારે ડીઝલના ભાવમાં પ્રતિ લિટરે બે પૈસા વધ્યા છે.

ક્રૂડના ભાવમાં છેલ્લા કેટલાક સમયથી તેજી જોવા મળી છે. નોર્થ સીની પાઇપ લાઇનમાં ભંગાણ પડતાં વૈશ્વિક ક્રૂડના બજાર ઉપર તેની અસર નોંધાઇ હતી અને ક્રૂડ અઢી વર્ષની ઊંચી સપાટીએ પહોંચી ગયું હતું.

જોકે ડોલર સામે રૂપિયાની મજબૂતાઇ તથા સપ્ટેમ્બરમાં કેન્દ્ર સરકારે એક્સાઇઝ, ત્યાર બાદ ઓક્ટોબર મહિનામાં રાજ્ય સરકાર દ્વારા વેટમાં ઘટાડો કરતા પેટ્રોલ અને ડીઝલના ભાવ પાછલા એક વર્ષમાં નીચા જોવા મળી રહ્યા છે.

જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પેટ્રોલના ભાવ ૭૨.૪૮ રૂપિયા પ્રતિ લિટર હતા. આમ, એક વર્ષમાં પેટ્રોલના ભાવ પ્રતિ લિટર ૪.૭૪ નીચા જોવા મળી રહ્યા છે, જ્યારે ડીઝલના ભાવ પ્રતિ લિટર ૨.૩૬ નીચા છે. કેલેન્ડર વર્ષની શરૂઆતમાં ડીઝલના ભાવ ૬૪.૩૧ પૈસા પ્રતિ લિટર હતા.

You might also like