ક્રૂડમાં સુધારાથી શેરબજારમાં પણ આગેકૂચ જોવાઈ

અમદાવાદ: વૈશ્વિક બજારમાં ક્રૂડમાં સુધારા તરફી ચાલ જોવા મળી છે અને તેની અસરે સ્થાનિક બજારમાં પણ ઘટાડો અટક્યો છે. આજે શરૂઆતે બીએસઇ સેન્સેક્સ ૨૦૫ પોઇન્ટને સુધારે ૨૪,૪૨૮ની સપાટીએ, જ્યારે એનએસઇ નિફ્ટી ૬૪ પોઇન્ટને સુધારે ૭,૪૦૦ની સપાટી ક્રોસ કરી ૭,૪૨૫ની સપાટીએ ટ્રેડિંગમાં જોવા મળી હતી.

આજે શરૂઆતે મેટલ, કેપિટલ ગુડ્સ સેક્ટર સહિત તમામ સેક્ટોરિયલ ઇન્ડેક્સ શરૂઆતે ગ્રીન ઝોનમાં ખૂલ્યાં હતાં. મિડકેપ અને સ્મોલકેપ સેક્ટરમાં પણ એક ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો. ક્રેઇન ઇન્ડિયા કંપનીના સ્ટોકમાં ૪ ટકા, જ્યારે વેદાન્તા કંપનીના શેરમાં ત્રણ ટકાનો સુધારો જોવા મળ્યો હતો. હિંદાલ્કો અને ઓએનજીસી કંપનીના શેરમાં પણ ૨.૫૦ ટકા સુધીનો સુધારો જોવા મળ્યો હતો.

બીજી બાજુ એનટીપીસી, ટાટા સ્ટીલ તથા ગેઇલ કંપનીના શેરમાં નરમાઇ તરફી ચાલ જોવા મળી હતી. બજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે વૈશ્વિક શેરબજારની વધઘટની ચાલની અસર સ્થાનિક બજાર પર પણ જોવા મળી રહી છે અને તેને કારણે સ્થાનિક બજારમાં અફરાતફરીનો માહોલ જોવા મળી રહ્યો છે.

રૂપિયામાં અફરાતફરીઃ આજે રૂપિયો ૨૨ પૈસા મજબૂત ખૂલ્યો
ગઈ કાલે રૂપિયામાં નરમાઈ જોવાયા બાદ આજે શરૂઆતે ૨૨ પૈસા મજબૂત ૬૭.૮૫ની સપાટીએ ખૂલ્યો હતો. નોંધનીય છે કે છેલ્લે રૂપિયો ૬૮.૦૭ની સપાટીએ બંધ થયો હતો.

You might also like