ક્રૂડ એક વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યું

અમદાવાદ: ગુજરાતની ચૂંટણીનું બ્યૂગલ ફુંકાઇ ગયું છે. સરકાર અને વિરોધ પક્ષ ચૂંટણી જીતવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે ત્યારે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં જોવા મળી રહેલી સુધારાની ચાલ રાજ્યની ચૂંટણી ઉપર સીધી અસર કરી શકે છે. ઉલ્લેખનીય છે કે વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ ૬૦ ડોલર પ્રતિ બેરલની સપાટીની નજીક ૫૯.૩૦ પર પહોંચી ચૂક્યા છે.

સ્થાનિક બજારમાં આજે પેટ્રોલનો ભાવ રૂ.૬૮, જ્યારે ડીઝલનો ભાવ રૂ.૬૧.૪૪ પ્રતિ લિટરની સપાટીએ જોવા મળ્યો છે. પાછલા કેટલાક સમયથી વૈશ્વિકબજારમાં ક્રૂડના ભાવમાં જોવા મળેલા ઉછાળાના પગલે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં સ્થાનિક લેવલે સુધારો જોવા મળ્યો હતો, જોકે ત્યાર બાદ સરકાર દ્વારા વધતા ભાવના પગલે એક્સાઇઝ ડ્યૂટીમાં ઘટાડો પણ કરાયો હતો. દરમિયાન વધતા ભાવને અંકુશમાં લેવા સરકાર પેટ્રોલિયમ પ્રોડક્ટને જીએસટીના દાયરામાં લાવવા પણ તરફેણ કરી ચૂકી છે, જોકે કેટલાક રાજ્યોના વાંધાના પગલે આ નિર્ણય ઘોંચમાં પડ્યો છે. જુલાઇ-૨૦૧૫ બાદ વૈશ્વિકબજારમાં ક્રૂડના ભાવ સૌથી ઊંચી સપાટીએ પહોંચી ચૂક્યા છે.

You might also like