ક્રૂડમાં ભાવ વધારોઃ ઓઈલ કંપનીઓને સીધો ફાયદો

અમદાવાદ: ક્રૂડે ૫૦ ડોલરની સપાટી પાર કરી છે. બ્રેન્ટ ક્રૂડ ૫૨.૫ ડોલરની સપાટીએ કારોબારમાં છે, જ્યારે નાયમેક્સ ક્રૂડ ૫૧.૫ ડોલરની સપાટીએ છે. નાઇજિરિયા દ્વારા ક્રૂડમાં સપ્લાય ઘટતાં ક્રૂડ આઠ મહિનાની ઊંચાઇ પર પહોંચી ગયું છે. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ક્રૂડના ઊંચા ભાવના કારણે ઓઇલ માર્કેટિંગ કંપનીઓને તેનો સીધો ફાયદો થશે. નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ઓઇલ માર્કેટિંગ કંપનીઓની બેલેન્સશીટમાં સુધારો જોવાવાની શક્યતા પણ એનાલિસ્ટ દ્વારા વ્યક્ત કરાઇ છે. નોંધનીય છે કે ક્રૂડના ભાવ કેલેન્ડર વર્ષ ૨૦૧૬માં બમણા થઇ ગયા છે.

ક્રૂડ ઓઇલના ભાવમાં સતત ઘટાડો થયા પછી જાહેર ક્ષેત્રની ઓઇલ કંપનીઓની ક્રૂડની ઇન્વેન્ટરીમાં ખોટ નોંધાઇ હતી. શેરબજારના જાણકારોના જણાવ્યા પ્રમાણે ચીનમાં સુધરતી જતી માગને લઇને ક્રૂડના ભાવને સપોર્ટ મળ્યો છે તથા વૈશ્વિક બજારમાં ક્રૂડ ૫૨ ડોલર પ્રતિબેરલની સપાટીએ પહોંચી ગયું છે. ક્રૂડના ભાવમાં વધારો થવાના કારણે દેશમાં ફુગાવો વધવાની ભીતિ નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઇ છે, જોકે ઓઇલ કંપનીઓ માટે સારા સંકેત ગણાવ્યા છે.

આજે ઓઈલ કંપનીના શેરમાં જોવાયેલો સુધારો
આઇઓસી            ૦.૧૦ ટકા
બીપીસીએલ         ૧.૪૨ ટકા
એચપીસીએલ       ૦.૫૧ ટકા
ઓએનજીસી          ૦.૯૦ ટકા

You might also like