એક એવું હેલ્થ સેન્ટર જ્યાં પાણી નહીં, ક્રૂડ ઓઈલથી લોકો કરાવે છે ઇલાજ

(એજન્સી)બાકુ: ઇરાન પાસે આવેલા એક દેશ અજરબૈઝાનના નાફ્ટલાન શહેરમાં એક એવું હેલ્થ સેન્ટર છે કે જ્યાં ક્રૂડ ઓઇલથી ઇલાજ કરાય છે. આ હેલ્થ સેન્ટરમાં તમામ લોકો ક્રૂડ ઓઇલ ભરેલા બાથ ટબમાં નહાય છે. આ સેન્ટરના નિષ્ણાતોનો દાવો છે કે ક્રૂડ ઓઇલ ન્યૂરોલોજિકલ અને સ્ક્રીન પ્રોબ્લેમ સહિત ૭૦થી વધુુ બીમારી દૂર કરે છે.

આ ખાસ ચિકિત્સા લેવા અહીં રશિયા, કઝાકિસ્તાન અને જર્મની સહિત અન્ય દેશોમાંથી લોકો પહોંચે છે. દર્દી લગભગ ૪૦ ડિગ્રી તાપમાનમાં ૧૩૦ લિટર તેલમાં નહાય છે. આ તેેલમાં નહાયા બાદ કેટલાક લોકોએ કહ્યું કે ગરમ તેલથી તેમને હાડકાં અને સાંધામાં રાહત અનુભવાઇ એટલું જ નહીં, કેટલાક લોકોએ તો નક્કી સમયથી વધુ સમય તેલમાં બેસવાની ઇચ્છા પણ વ્યક્ત કરી.

તેલમાં અલગ અલગ પ્રકારનાં કેમિકલ હોય છે, જેમાં વધુ સમય નહાવાથી શરીર પર ખરાબ અસર પડી શકે છે. તેલમાં વધુ સમય નહાવાથી વ્યકિતનું મૃત્યુ પણ થઇ શકે છે. આ હેલ્થ સેન્ટરના ડોક્ટરોએ જણાવ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષમાં અહીં હજારો લોકો પોતાનો ઇલાજ કરાવી ચૂક્યા છે અને તેમને રોગમાં ખૂબ આરામ પણ મળ્યો છે.

ડોક્ટરોનું કહેવું છે કે દર્દીને દિવસમાં માત્ર એક જ વાર નહાવાની પરવાનગી અપાય છે અને તે પણ માત્ર ૧૦ મિનિટ માટે. તેનો કોરસ માત્ર ૧૦ દિવસનો હોય છે. ઉલ્લેખનીય છે કે અજરબૈજાન દુનિયામાં તેલની નિકાસ કરનાર મુખ્ય દેશોમાંથી એક છે.

You might also like