વૈશ્વિક બજારમાં ક્રૂડ સાત વર્ષની નીચી સપાટી નજીક

અમદાવાદ: પાછલા સપ્તાહે ઓપેકની બેઠક બાદ ઉત્પાદનમાં કાપ ન મૂકવાના નિર્ણયે ક્રૂડના ભાવ વૈશ્વિક બજારમાં સતત તૂટી રહ્યા છે. વૈશ્વિક બજારમાં ક્રૂડ સાત વર્ષની નીચી સપાટીની નજીક પહોંચી ગયું છે. નાયમેક્સ ક્રૂડનો ભાવ વૈશ્વિક બજારમાં ૦.૮૩ ટકા ઘટીને ૩૭ ડોલર પ્રતિબેરલની સપાટીએ આવી ગયો છે, જ્યારે બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૦.૨૧ ટકા ઘટીને ૪૦ ડોલર પ્રતિબેરલની નીચી સપાટીએ પહોંચી ગયો છે.

ડોલરમાં જોવા મળેલી મજબૂતાઇની અસર પણ વૈશ્વિક બજાર ઉપર જોવા મળી રહી છે. દરમિયાન વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં જે રીતે ગાબડાં પડી રહ્યાં છે તે જોતાં સ્થાનિક બજારમાં પણ ક્રૂડની ખરીદ પડતર નીચી આવવાની શક્યતાઓ પાછળ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો જોવાઇ શકે છે. ચીનનો આર્થિક વિકાસ મંદ પડી રહ્યો છે તો બીજી બાજુ ઓછી માગના પગલે ક્રૂડનો ભાવ ૨૦ ડોલરની સપાટીએ પહોંચી શકે છે તેવો મત ઇન્વેસ્ટમેન્ટ બેન્ક ગોલ્ડમેન સાશ દ્વારા વ્યક્ત કરાયો છે.

તો બીજી બાજુ વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવ સાત વર્ષની નીચી સપાટીની નજીક પહોંચતાં સ્થાનિક ઓઇલ કંપનીઓની ક્રૂડની બાસ્કેટ ખરીદ પડતર નીચી આવી શકે છે, જેના પગલે આગામી સપ્તાહે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિલિટરે એક રૂપિયાથી બે રૂપિયા સુધીનો ભાવ ઘટાડો આવી શકે છે.

You might also like