ઉત્પાદન ઘટાડવાની સંમતિ નહીં સધાતાં ક્રૂડ પાંચ ટકા તૂટ્યું

મુંબઇ: ક્રૂડનું ઉત્પાદન કરતા ઓપેક દેશ સહિત નોન ઓપેક દેશો વચ્ચે ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવા અંગે ગઇ કાલે બેઠકમાં સંમતિ નહીં સધાતાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં પાંચ ટકાનો ઘટાડો નોંધાયો હતો.

નાયમેક્સ ક્રૂડના ભાવમાં ૪.૭ ટકાનો ઘટાડો નોંધાઇ ૪૦ ડોલર પ્રતિબેરલની સપાટી તૂટી ૩૯ ડોલરની નીચે પહોંચી ગયું હતું, જ્યારે બ્રેન્ટ ક્રૂડના ભાવમાં પણ ૪.૪ ટકાનો ઘટાડો જોવાઇ ૪૧ ડોલર પ્રતિબેરલની સપાટીએ ભાવ પહોંચી ગયેલા જોવાયા હતા.

ગઇ કાલે દોહામાં ૧૬ ક્રૂડ ઉત્પાદક દેશો વચ્ચે યોજાયેલી બેઠકમાં ઉત્પાદનમાં ઘટાડો કરવા અંગે સંમતિ સધાઇ ન હતી. બેઠકમાં ઇરાન જોડાયું ન હતું, જ્યારે અરેબિયા એવું ઇચ્છતું હતું કે ક્રૂડ ઉત્પાદન કરતા દેશો ક્રૂડમાં ઘટાડો કરવા અંગે સંમત થાય તો ઇરાન પણ આ પ્રકારનું જ પગલું ભરે તો બીજી બાજુ ઇરાને આ અગાઉ પહેલાંથી જ ક્રૂડના ઉત્પાદનમાં ઘટાડો કરવા અંગેનો ઇન્કાર કરી દીધો હતો.

દરમિયાન જાણકારોના કહેવા પ્રમાણે ક્રૂડ ઉત્પાદન કરતા દેશોમાં ઘટાડા અંગે સંમતિ નહીં સધાતાં વૈશ્વિક ક્રૂડના ભાવમાં વધુ ઘટાડો જોવાઇ શકે છે. ક્રૂડના ભાવ ૩૦ ડોલર પ્રતિબેરલની સપાટીએ જોવાઇ શકે છે.

You might also like