ઝારખંડમાં CRPFએ ત્રણ નકસલીને ઠાર માર્યાઃ એક જવાન પણ શહીદ

ઝારખંડના નકસલ પ્રભાવિત વિસ્તાર ગીરીડીહમાં સુરક્ષાદળોને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે.ગીરીડીહમાં ભેલવા ખીણમાં થયેલી અથડામણ બાદ સીઆરપીએફના દળોએ ત્રણ માઓવાદી નકસલોને ઢાળી દીધા હતા. આ અથડામણમાં માર્યા ગયેલી નકસલવાદીઓ પાસેથી જંગી જથ્થામાં વિસ્ફોટકો, એક એકે-૪૭ રાઈફલ, ત્રણ કારતૂસ અને ચાર પાઈપ બોમ્બ સહિતના ઘાતક શસ્ત્રો મળ્યાં હતાં.

અહેવાલો અનુસાર આજે સવારે ૬.૧૫ કલાકની આસપાસ ગીરીડીહના વલ્લભાઘાટ વિસ્તારમાં સીઆરપીએફની સાતમી બટાલિયને નકસલી વિરુદ્ધ ઓપરેશન શરૂ કર્યું હતું. આ ઓપરેશન બાદ સીઆરપીએફને ત્રણ નકસલીઓના મૃતદેહ હાથ લાગ્યા હતા. સીઆરપીએફના દળો અને નકસલો વચ્ચે થયેલા ભીષણ સામસામા ગોળીબારમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો હતો. આ અથડામણ પૂરી થયા બાદ જવાનોએ જંગલમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.

ઝારખંડની રાજધાની રાંચીથી લગભગ ૧૮૫ કિ.મી. દૂર આવેલા ગીરીડીહ જિલ્લામાં બેલવા ઘાટ વિસ્તારના જંગલોમાં આજે સવારે ૬.૧૫ કલાકની અાસપાસ સીઆરપીએફની સાતમી બટાલિયનના જવાનો દ્વારા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું અને તેમાં મોટી સફળતા મળી હતી. આ અથડામણમાં મોટા પાયે સામસામા ગોળીબાર થયા હતા.

આ ગોળીબારમાં સીઆરપીએફનો એક જવાન પણ શહીદ થયો છે. અથડામણ બાદ સીઆરપીએફને ત્રણ નકસલીઓના મૃતદેહ હાથ લાગ્યા બાદ મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આ સર્ચ ઓપરેશન હજુ જારી છે. અત્રે ઉલ્લેખનીય છે કે નકસલોએ લોકસભા ચૂંટણીનો બહિષ્કાર કરવાનું એલાન આપ્યું છે. ઝારખંડમાં ચોથા તબક્કામાં મતદાન યોજાનાર છે, પરંતુ નકસલોએ અત્યારથી લોકોને મતદાનમાં ભાગ નહીં લેવા ધાકધમકી આપવાનું શરૂ કરી દીધું છે અને સુરક્ષાદળો પર હુમલા પણ શરૂ કરી દીધા છે.

You might also like