રાજસ્થાન સરહદે પાક. સેના ભારતીય દળોની મોટા પાયે રેકી કરી રહી છેઃ BSF

શ્રીનગર: પાકિસ્તાન હવે બોર્ડર પર નવી ચાલ ચાલીને ભારતને પરેશાન કરવાની કોશિશ કરી રહ્યું છે. આ દરમિયાન પાકિસ્તાનની એક નવી ચાલનો પર્દાફાશ થયો છે. ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર પાકિસ્તાન એલઓસી પર પોતાની સેના વધારી રહી છે.

રિપોર્ટમાં જણાવ્યા મુજબ પાકિસ્તાને પોતાની ૬૨મી ઈન્ફન્ટ્રીની સંખ્યા માર્ચ અને એપ્રિલ મહિનામાં એલઓસી પર અનેક ગણી વધારી દીધી છે.  આ ઉપરાંત ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આંતરરાષ્ટ્રીય સીમાની પેલે પાર પાકિસ્તાન આર્મી, પાકિસ્તાન રેન્જર્સની સાથે મળીને ભારતની સુરક્ષાની રેકી કરી રહ્યું છે.

બીએસએફએ પોતાના રિપોર્ટમાં એવી ચોંકાવનારી જાણકારી આપી છે કે પાકિસ્તાન આર્મીના ૩૫ અધિકારીઓ અને સૈનિકો પાક. રેન્જર્સની સાથે રાજસ્થાન ઈન્ટરનેશનલ બોર્ડરની પેલે પાર રેકી કરવા માટે સતત આવી રહ્યા છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાન રાજસ્થાનના જેસલમેરમાં સરહદની પેલે પાર ‘નુનવાલા બીઓપી’ દ્વારા ભારતીય સુરક્ષા દળોની રેકી કરવામાં વ્યસ્ત છે એટલું જ નહીં, પાકિસ્તાની સેના હવે આંતરરાષ્ટ્રીય બોર્ડર પર કેટલાંય સ્થળોએ પોતાનાં કાયમી બંકર અને પોઈન્ટ બનાવી રહી છે.

યુદ્ધવિરામનો ભંગ કરવા પાકિસ્તાને ૨૧૦થી વધુ ટ્રુપની સંખ્યા એલઓસી પર વધારી દીધી છે. આ ઉપરાંત પાકિસ્તાને ૧૪ નવી આર્મી પોસ્ટ ઊભી કરી દીધી છે, જેના દ્વારા પાકિસ્તાન ફાયરિંગ કરવા માટે નવેસરથી કોશિશ કરી રહ્યું છે.

ઈન્ટેલિજન્સ રિપોર્ટ અનુસાર આ વખતે શિયાળામાં પાકિસ્તાન આતંકીઓની ઘૂસણખોરી કરાવવામાં નિષ્ફળ રહ્યું હતું, જેના કારણે તે હવે વધુ અકળાયું છે.

You might also like