ઉરી સેક્ટરમાં પાકિસ્તાન દળોનો ગોળીબાર અને મોર્ટારમારો

શ્રીનગર: વડા પ્રધાન નરેન્દ્ર મોદી પાકિસ્તાનના વડા પ્રધાન ઇમરાન ખાનને પત્ર લખીને બંને દેશો વચ્ચે સાૈહાર્દ અને એખલાસની વાતો કરી રહ્યા છે, પરંતુ પાકિસ્તાન પોતાની નાપાક હરકતો હજુ બંધ કરતું નથી. પાકિસ્તાની સેનાએ ઉરી સેકટરમાં ફરી એક વખત યુુદ્ધવિરામનો ભંગ કરીને ભારતીય ચોકીઓને નિશાન બનાવીને જોરદાર ફાયરિંગ કર્યું હતું.
છેલ્લા ત્રણ દિવસમાં ઉરી સેકટરમાં પાકિસ્તાનના ગોળીબારની આ બીજી ઘટના બની છે.

ભારતીય સેનાએ પણ પાકિસ્તાની ગોળીબારનો વળતો જવાબ આપીને અગ્ર હરોળના સરહદી વિસ્તારોમાં કડક જાપતો ગોઠવી દીધો છે. પાકિસ્તાની દળોએ ઉરી સેકટરના એલઓસી સાથે સંકળાયેલા કમલકોટ વિસ્તારમાં ભારતીય સેેના અને નાગરિક વિસ્તારો પર ગોળીબાર શરૂ કરી દીધા હતા.

પાકિસ્તાની સૈનિકોએ મોર્ટાર અને મધ્યમ કક્ષાના અન્ય શસ્ત્રોથી ફાયરિંગ કર્યું હતું. શરૂઆતમાં ભારતીય જવાનોએ સંયમ જાળવ્યો હતો, પરંતુ નાગરિક વિસ્તારોમાં પાકિસ્તાને મોર્ટારગોળા ફેંકતા ભારતીય દળોએ વળતું ફાયરિંગ શરૂ કર્યું હતું. ત્યાર બાદ પાકિસ્તાની સેના તરફથી ગોળીબાર બંધ થઇ ગયો હતો.

બંને દળો વચ્ચે દોઢેક કલાક ગોળીબાર ચાલ્યો હતો. પાકિસ્તાની દળો ગોળીબારના આડશમાં આતંકીઓને ઘુસાડવાની કાર્યવાહી કરે છે. આથી ગોળીબાર બંધ થતાં તમામ વિસ્તારમાં ભારતીય દળોએ સ્પેશિયલ ચેકિંગ હાથ ધર્યું હતુંં.

You might also like