પુંચ-રાજૌરીમાં પાક. દ્વારા સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન: રહેણાક વિસ્તારોમાં ભારે ગોળીબાર

(એજન્સી) જમ્મુ: પુલવામા આતંકી હુમલા બાદ શાંતિ રાગ ગાવાનું નાટક કરી રહેલું પાકિસ્તાન સુધરવાનું નામ લેતું નથી. આજે વહેલી સવારે પાકિસ્તાને ફરી એક વખત લાઈન ઓફ કન્ટ્રોલ (એલઓસી) પર સીઝ ફાયર (યુદ્ધ વિરામ)નું ઉલ્લંઘન કર્યું છે. પૂંચ અને રાજૌરી સેક્ટરમાં પાકિસ્તાને આડેધડ ફાયરિંગ કરીને રહેણાક વિસ્તારોને ટાર્ગેટ બનાવ્યા
હતા. ભારતે પણ વળતો જવાબ  આપીને પાકિસ્તાનના જવાનો પર ફાયરિંગ કર્યું હતું.

સોમવારે મોડી રાતથી સતત પાકિસ્તાન અંકુશ રેખા (એલઓસી) પર ફાયરિંગ કરી રહ્યું છે. સોમવારે મોડી રાતે પણ પાકિસ્તાની સેનાએ રાજૌરી સેક્ટરમાં આવેલા રહેણાક વિસ્તારો પર ગોળીબાર કર્યો હતો. ૧૪ ફેબ્રુઆરીએ પુલવામામાં થયેલા આતંકી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થઈ છે. આ તણાવની સીધી અસર બોર્ડર પર પણ જોવા મળી  છે. પાકિસ્તાને સતત યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીને ફાયરિંગ શરૂ કરતાં બીએસએફ સહિતના સુરક્ષા દળો સતર્ક થઈ ગયાં છે.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાને ગત સપ્તાહે પૂંચ, રાજૌરી સેક્ટરમાં યુદ્ધ વિરામનો ભંગ કર્યો હતો. એ વખતે પાકિસ્તાને સતત મોર્ટારમારો કરીને મોટું નુકસાન પહોંચાડ્યું હતું. સેનાના સૂત્રોનો દાવે છે કે, પાકિસ્તાન બોર્ડર પરથી આતંકીઓની ઘૂસણખોરી માટે આ પ્રકારનું સતત ફાયરિંગ કરવામાં આવે છે. ભારતીય સેના હાલ સરહદ પર એલર્ટ મોડમાં છે અને કોઈ પ્રકારની ઘૂસણખોરી ન થાય તેનું સતત ધ્યાન રાખી રહી છે.

You might also like