ભારે દબાણના કારણે પાક. મસૂદને UNSCમાં વૈશ્વિક આતંકી જાહેર કરવાનો વિરોધ નહીં કરે

(એજન્સી) ઈસ્લામાબાદ: પાકિસ્તાન પર ભારત દ્વારા ચોતરફથી બનાવવામાં આવેલું દબાણ આખરે રંગ લાવ્યું છે અને કૂટનીતિમાં ભારતની મોટી જીત થઈ છે. આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદ સહિત તમામ પ્રતિબંધિત સંગઠનો વિરુદ્ધ પાકિસ્તાન ‘નિર્ણાયક કાર્યવાહી’ કરે તેવી પ્રબળ શક્યતા છે.

આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (યુએનએસસી)ની આતંકવાદીઓની યાદીમાં જૈશના ચીફ મસૂદ અઝહરને સામેલ કરવાના પ્રસ્તાવ પર કોઈ પણ જાતનો વિરોધ કર્યા વગર પાકિસ્તાન પોતાનું સમર્થન આપે તેવો માહોલ પણ ઊભો થયો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વડા પ્રધાન ઈમરાન ખાન પર હાલ આતંકી સંગઠનો અને તેના આકાઓ સામે કડક કાર્યવાહી કરવાનું દબાણ સતત વધી રહ્યું છે તેવા સંજોગોમાં ભારત યુએનએસસીમાં મૌલાના મસૂદ અઝહરને ‘ગ્લોબલ ટેરરિસ્ટ’ (વૈશ્વિક આતંકી) જાહેર કરવા ભારત જે પણ કાર્યવાહી કરે તેનો વિરોધ પાકિસ્તાન હવે નહીં કરે.

સમાચાર એજન્સીઓનો દાવો છે કે પાકિસ્તાન સરકાર સૈદ્ધાંતિક રીતે જૈશ અને મસૂદ અઝહર વિરુદ્ધ કાર્યવાહી કરવાનો નિર્ણય કરી ચૂકી છે. હવે કોઈ પણ સમયે જૈશ સહિતના આતંકી સંગઠનો પર સકંજો કસવામાં આવશે.

ભારત અને પાકિસ્તાન વચ્ચે સતત વધતો જતો તણાવ ખતમ કરવા માટે ઈમરાન ખાન સરકાર જૈશ વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી શકે છે. વિશ્વસનીય સૂત્રોએ જણાવ્યા અનુસાર, મસૂદ અઝહરને નજરકેદ રાખવો કે પછી તેની કાયદેસર ધરપકડ કરી તેની વિરુદ્ધ કાર્યવાહી કરવી તે અંગે પાકિસ્તાને હજુ અંતિમ નિર્ણય લીધો નથી.

પાકિસ્તાન દ્વારા ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર અબિનંદનને પરત મોકલ્યા બાદ તણાવ ઘટાડવાની કોશિશમાં ઈમરાન ખાન સરકારનો આ મોટો નિર્ણય સાબિત થઈ શકે છે. એક સુરક્ષા અધિકારીએ સંકેત આપ્યા હતા કે પાકિસ્તાન જૈશના ચીફને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ દ્વારા વૈશ્વિક આતંકી જાહેર કરવાના પ્રસ્તાવ સામેનો પોતાનો વિરોધ પાછો ખેંચી શકે છે.

ઉલ્લેખનીય છે કે અમેરિકા, બ્રિટન અને ફ્રાન્સે પાકિસ્તાનમાં રહેતા મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી જાહેર કરવા માટે યુએનએસસીમાં નવેસરથી પ્રસ્તાવ મૂક્યો હતો. જો અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવામાં આવે તો તેની કોઈ પણ વિદેશયાત્રા પર પ્રતિબંધ લાગી જશે અને તેની તમામ સંપત્તિ ફ્રીઝ કરી દેવામાં આવશે અથવા તેનો કબજો લઈ લેવામાં આવશે.

ચોંકાવનારી વાત એ છે કે મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી જાહેર કરવા માટે છેલ્લા ૧૦ વર્ષમાં સંયુક્ત રાષ્ટ્રમાં આ ચોથો પ્રયાસ છે. ભારતે વર્ષ ર૦૦૯માં જૈશના વડા મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.

પાકિસ્તાને હવે નક્કી કરવાનું છે કે તેના માટે કોઈ એક વ્યક્તિ કે સંગઠન મહત્ત્વનું છે કે પછી દેશનું વ્યાપક હિત. સુરક્ષા પરિષદની પ્રતિબંધ અંગે નિર્ણય લેનારી સમિતિ ૧પ સભ્યની સુરક્ષા પરિષદના વીટો અધિકાર પ્રાપ્ત ત્રણ સ્થાયી સભ્ય દેશોના પ્રસ્તાવ પર ૧૦ દિવસની અંદર વિચાર કરશે.

You might also like