પાક. સામે પ્રચંડ હુમલો કરવાની તૈયારીમાં સેનાઃ આગામી ૪૮ કલાકમાં મોટી કાર્યવાહી

જમ્મુ: પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામ ભંગનો સિલસિલો સતત ચાલુ છે. બીજી બાજુ જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓના હુમલા પણ જારી છે. જમ્મુ-કાશ્મીરના પુલવામા જિલ્લાના કાકપોરા સ્થિત આર્મી કેમ્પ પર આતંકીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો છે. ભારતીય સેનાએ આ હુમલાનો જડબેસલાક જવાબ આપ્યો હતો.

આ હુમલાની જવાબદારી પાકિસ્તાનના આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે લીધી છે. જોકે આ હુમલામાં કોઈ ખુવારી થઈ હોવાના સમાચાર નથી. બોર્ડર પર પાકિસ્તાનના ગોળીબારમાં શહીદ થયેલા કેપ્ટન કુંડુ સહિત ચાર જવાનની શહાદતથી સમગ્ર દેશમાં ભારે રોષ અને આક્રોશ છે.

લશ્કરે પણ હવે સ્પષ્ટ કરી દીધું છે કે હવે અમે નહીં, પરંતુ અમારાં એક્શન બોલશે. પાક. પર જબરદસ્ત હુમલો કરવાની તૈયારીઓ સેના દ્વારા ચાલી રહી હોવાના અહેવાલ છે. સેનાએ એવો સંકેત આપ્યો છે કે પાકિસ્તાન વિરુદ્ધ ૪૮ કલાકમાં કોઈ મોટી કાર્યવાહી થઈ શકે છે.

સોમવારે રાત્રે જૈશના આતંકવાદીઓએ પુલવામાના કાકપોરામાં આર્મીના ૫૦મા રાષ્ટ્રીય રાઇફલ કેમ્પ પર હુમલો કર્યો હતો. આતંકીઓએ કેમ્પ પર ફાયરિંગ કર્યું હતું અને ગ્રેનેડ હુમલો કર્યો હતો, જોકે આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. હુમલા બાદ આતંકવાદીઓ નાસી જવામાં સફળ રહ્યા હતા. હુમલા બાદ સમગ્ર વિસ્તારમાં સર્ચ ઓપરેશન જારી છે.

દરમિયાન સેના અને સરકારે જણાવ્યું છે કે ભારત હવે પાકિસ્તાનની નાપાક હરકતનો જડબેસલાક જવાબ આપશે અને તેમનાં એક્શન જ હવે બોલશે. ડેપ્યુટી આર્મી ચીફ લેફ્ટ. જનરલ શરદચંદ્રએ જણાવ્યું હતું કે સેના પાકિસ્તાનના ફાયરિંગનો સજ્જડ જવાબ આપી રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનનાં કરતૂતો પર ભારતીય સેનાની નોર્ધર્ન કમાન્ડના સિનિયર અધિકારીઓ નજર રાખીને બેઠા છે.

બ્રિગેડિયરે જણાવ્યું હતું કે ભારતીય સેના પાક.ને વળતો જવાબ આપી રહી છે. જવાનોની શહાદત એળે જશે નહીં. અમે બે િદવસમાં પાક.ના ૧૫ સૈનિકને ઢાળી દીધા છે. બીજી બાજુ કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે દેશને આપણી સેનામાં સંપૂર્ણ વિશ્વાસ છે. પાકિસ્તાનને તેની ભાષામાં જ જવાબ આપવામાં આવશે. મેં મારાં સુરક્ષા દળોને સીધો ઓર્ડર આપ્યો છે.

જો પાકિસ્તાન તરફથી આપણી સરહદ પર એક પણ ગોળી ચલાવવામાં આવે તો તેનો અસંખ્ય ગોળીથી જવાબ આપો. સેનાના જણાવ્યા પ્રમાણે ત્રણ વર્ષમાં યુદ્ધવિરામની ઘટનામાં પાંચ ગણો વધારો થયો છે. ૨૦૧૨માં પાકિસ્તાને ૧૫૨ વાર યુદ્ધવિરામ ભંગ કર્યો હતો. ૨૦૧૬માં ૨૨૮ વાર અને ૨૦૧૭માં પાકિસ્તાને ૮૬૦ વાર યુદ્ધવિરામનો ભંગ કર્યો હતો.

યુદ્ધની તૈયારી કરો, પાક.ના ચાર ટુકડા કરોઃ સુબ્રમણ્યમ સ્વામી
પાક. દ્વારા સતત યુદ્ધવિરામ ભંગ પર ભાજપના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ જણાવ્યું હતું કે હું તો શરૂઆતથી જ કહી રહ્યો છું કે હવે પાક. સામે યુદ્ધની તૈયારી કરો અને પાકિસ્તાનના ચાર ટુકડા કરી નાખો. સ્વામીએ કહ્યું હતું કે હવે વાતચીત માટે અવકાશ નથી. પાકે. હવે હદ વટાવી દીધી છે.

સાથે-સાથે કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન હંસરાજે ઉગ્ર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે પાકિસ્તાનની હરકતોને હવે ક્યારેય માફ કરી શકાય નહીં. પાકિસ્તાન જે કરી રહ્યું છે તે તેની મૂર્ખતા છે. આ માટે તેણે ભારે કિંમત ચૂકવવી પડશે.

You might also like