મગરની સાક્ષીએ પ્રેમનો એકરાર

ભગવાન કે અગ્નિની સાક્ષીએ પ્રેમનો એકરાર થયો હોય તેવા કિસ્સા બનવા સ્વાભાવિક છે, પરંતુ ઓસ્ટ્રેલિયાના સોમેર્સ્બીમાં એક યુવાને તેની ગર્લફ્રેન્ડને મગરને સાક્ષી રાખી પ્રેમનો એકરાર કર્યો છે. સોમેર્સ્બીના એક ઝૂમાં સરિસૃપોની સારસંંભાળ લેનારા બિલી કોટ નામના યુવાને આ પરાક્રમ કર્યું છે. બિલી આ ઝૂમાં મગરોની સાથે વધુ લગાવ ધરાવતો હતો તેમાં પણ ‘એલ્વીસ’ નામના ૧૪ ફૂટના એક મગરને તે મિત્ર માનતો હતો. એક દિવસ તેણે તેની ગર્લફ્રેન્ડ સિઓબહન ઓક્ષલીને ઝૂમાં બોલાવી. મગરને રાખવાના પાંજરામાં તેને લઈ જઈ મગર એલ્વીસને ખેંચીને પાણીની બહાર કાઢ્યો. બાદમાં ઘૂંટણ પર આવી રીંગ દ્વારા ગર્લફ્રેન્ડને પ્રપોઝ કર્યું. આ દરમિયાન તેની ગર્લફ્રેન્ડ પણ ભયભીત થઈ ચૂકી હતી, કારણ કે પેલો મગર સામે જ હતો ઉપરાંત પાંજરાનો દરવાજો ખુલ્લો હોવાથી ઝૂમાં આવેલા મુલાકાતીઓ પણ ભયભીત હતા. જોકે સિઓબહને જલદીથી ‘હા’ કહેતાં બંને પાંજરાની બહાર નીકળી ગયાં હતાં અને મુલાકાતીઓએ પણ રાહતનો શ્વાસ લીધો હતો. બિલી ખરા અર્થમાં મગરોનો ચાહક કહેવાય, કારણ કે જ્યારે તેને આ પ્રપોઝલના અનુભવ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે, “આના કરતાં તો મગરોને ખાવાનું ખવડાવવું સારું ! “

You might also like