ગુડગાંવમાં છેલ્લા ૧૬ કલાકથી ૨૫ કિ.મી. લાંબો મહા ટ્રાફિકજામ

નવી દિલ્હી: દિલ્હીના સીમાડે આવેલા ગુડગાંવમાં વરસાદને કારણે ૧૬ કલાકથી વધુ સમય માટે આસપાસના તમામ વિસ્તારો અને રસ્તાઓ પર ૨૫ કિ.મી. લાંબો મહા ટ્રાફિક જામ સર્જાયો છે. એ‍વામાં આજે સવારે ફરીથી વરસાદ શરૂ થઈ જતા લોકોની મુશ્કેલીઓ વધી છે અને રસ્તાઓ પર લાગી ગયેલી વાહનોની કતારો ઓછી થવાની નામ લેતી નથી. સત્તાવાળાઓએ તકેદારીનાં પગલાંરૂપે કલમ- ૧૪૪ લગાવી દીધી છે અને પોલીસે દિલ્હીના લોકોને ગુડગાંવ તરફ નહીં આવવા અપીલ કરી છે. છેલ્લા ૧૬ કલાકથી ફસાયેલા લોકો અને વાહનચાલકો ભૂખ્યા તરસ્યાં બેસી રહ્યા છે અને ફરીથી વરસાદ શરૂ થતા તેમની મુશ્કેલી વધી ગઈ છે. આ ભયાનક ટ્રાફિક જામને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટીતંત્રએ શાળા-કોલેજો બંધ રાખવાનું પણ એલાન કર્યું છે.

દરમિયાન ગુડગાંવના આ મહા ટ્રાફિક જામ પર રાજકારણ શરૂ થઈ ગયું છે. દિલ્હીના નાયબ મુખ્યપ્રધાન મનીષ સિસોદિયાએ ટ્રાફિક જામને લઈને હરિયાણાની મનોહર ખટ્ટર સરકાર સામે નિશાન તાકીને ટ્વિટ કરતાં જણાવ્યું છે કે ગુડગાંવનું નામ ગુરુગ્રામ રાખવાથી વિકાસ નહીં થાય. વિકાસ માટે યોજના બનાવવી અને તેનો અમલ કરવો જરૂરી છે. જુમલાથી જામ નહીં ખૂલે.

ગુડગાંવમાં બાદ શાહપુર નજીક ગુરુવારે મોડી સાંજે ડ્રેઇન તૂટવાથી દિલ્હી-ગુડગાંવ એકસપ્રેસ વે સુધી પાણી ભરાઇ જતાં દિલ્હી-ગુડગાંવ હાઇવે પર દસ કલાક કરતાં વધુ લાંબો ટ્રાફિક જામ થઇ ગયો હતો. મોડી સાંજે શરૂ થયેલ ટ્રાફિક જામ આજ સવાર સુધી ક્લિયર થયો નહોતો. એટલી હદ સુધી કે ટ્રાફિક જામના કારણે આજે ગુડગાંવની શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે.

દસ કલાક કરતાં વધુ સમય માટે સર્જાયેલા ટ્રાફિક જામના કારણે આખી રાત ટ્રક ડ્રાઇવરો, વાહનચાલકો, રાત્રી ડયૂટી પર જતા કર્મચારીઓ સહિત સેંકડો લોકો ટ્રાફિકમાં ફસાઇ ગયા હતા. દિલ્હી-જયપુર નેશનલ હાઇવે પર પણ ટ્રાફિક જામ થઇ ગયો હતો. ડ્રેઇનમાં ગાબડું પડતાં સુભાષ ચોકથી લઇને એકસપ્રેસ વે પર ચાર ફૂટ સુધી પાણી જમા થઇ જતાં લોકો હેરાન પરેશાન થઇ ગયા હતા અને ઠેર ઠેર જળબંબાકારને કારણે વાહનો થંભી ગયાં હતાં.

ગુડગાંવમાં ભારે વરસાદના કારણે એકસપ્રેસ વે-સોહના રોડ પર સ્થિતિ વધુ ખરાબ હતી. ખેડકીદોલા ટોલથી લઇને ઇફકો ચોક સુધી તમામ ફલાયઓવર નીચે બે ફૂટથી વધુ પાણી જમા થવાના કારણે સર્વિસ લેન પર પણ વાહનોની ગતિ થંભી ગઇ હતી. ટ્રાફિક જામમાં ફસાયેલા લોકોએ ટ્વિટ કરીને પોતાની હૈયાવરાળ ઠાલવી હતી. એક યુઝરે ટ્વિટ કર્યું હતું કે આ છે ગુડગાંવમાં ટ્રાફિક જામની તસવીર. હવે વિશ્વાસ થઇ ગયો છે કે મારો દેશ આગળ વધી રહ્યો છે. ટ્રાફિક જામની જાણ થતાં જ પોલીસ ટીમો પણ રસ્તા પર ઊતરી આવી હતી, પરંતુ તેઓ ટ્રાફિક જામ ખોલાવવામાં નિષ્ફળ રહ્યા હતા અને સવાર સુધી ટ્રાફિક જામ રહ્યો હતો.

You might also like