Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

ગઠિયાઓએ મહિલાની નજર ચૂકવી ઘરેણાં તફડાવી લીધાં
અમદાવાદ: નરોડા વિસ્તારમાં એક મહિલાની નજર ચૂકવી ગઠિયાઓએ સોનાના ઘરેણાંં તફડાવી લેતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે નવા નરોડા વિસ્તારમાં સેન્ટ મેરી સ્કૂલ પાસે અાવેલ મૂનલાઈટ પાર્કમાં રહેતી અરવિંદાબહેન જયંતીલાલ મોદી નામની મહિલા સાંજના સાત વાગ્યાના સુમારે અા વિસ્તારમાં કેનાલ રોડ પરથી વ્યાસવાડી જવાના રસ્તા પર પસાર થઈ રહી હતી ત્યારે એક નાના બાળક સાથે એક અજાણી સ્ત્રી અને પુરુષ તેને મળ્યાં હતાં અને પૈસાનું બંડલ બતાવી લાલચ અાપી હતી. અાથી ગઠિયાની વાત ચતુરાઈમાં અાવી ગયેલા અરવિંદાબહેન પોતાની બંગડી, ચેન અને વિટી એક રૂમાલમાં બાંધી અા ગઠિયાના હાથમાં અાપી દીધી હતી. ત્યારબાદ અા અજાણી મહિલા અને પુરુષ સિફતપૂર્વક ઘરેણાં તફડાવી પળવારમાં પલાયન થઈ ગયા હતા.

ચેઈન સ્નેચરોનો ત્રાસઃ ત્રણ મહિલાઓએ દોરા ગુમાવ્યા

અમદાવાદ: શહેરમાં ચેઈન સ્નેચરોએ ત્રાસ વર્તાવી ત્રણ મહિલાઓના સોનાના દોરાઓની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
સરદારનગર વિસ્તારમાં માયા સિનેમા રોડ પર શ્યામ સુંદર બેકરી પાસેથી એક્ટિવા પર પસાર થઈ રહેલ જાનકીબહેન હિરેનકુમાર લાલવાણીના ગળામાંથી બાઈક પર અાવેલ બે ગઠિયા રૂ. ૩૫ હજારના સોનાના દોરાની ચીલઝડપ કરી ફરાર થઈ ગયા હતા.

જ્યારે સેટેલાઈટ કોમ્પ્લેક્સ નજીકથી કિરણબહેન સુભાષકુમાર સોની નામની યુવતી પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી હોન્ડા સાઈન બાઈક પર અાવેલા બે ગઠિયા કિરણબહેનના ગળામાંથી રૂ. ૧.૧૦ લાખની કિંમતનું સોનાનું મંગળસૂત્ર તફડાવી નાસી છૂટ્યા હતા. અા ઉપરાંત મેઘાણીનગરમાં સુખરામદાસ હોલ પાસેથી પણ અમિતાબહેન અાનંદભાઈ નામની મહિલાનાના ગળામાંથી સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી.

બહેરામપુરા અને ઠક્કરનગરનાં બે મકાનોમાં અાગ લાગતાં ભારે દોડધામ

અમદાવાદ: બહેરામપુરા અને ઠક્કરનગરમાં બે મકાનોમાં અાગ લાગતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અાગમાં ઘરવખરી સહિતનો માલ-સામાન બળીને ખાક થઈ ગયો હતો. જો કે અા ઘટનામાં જાનહાનિ કે ઈજા થવા પામી ન હતી.

ફાયરબ્રિગેડના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અા અંગેની વિગત એવી છે કે બહેરામપુરા વિસ્તારમાં અાવેલ અાણંદજી કલ્યાણજી બ્લોકમાં અાવેલ અેક મકાનમાં અાજે વહેલી સવારે અચાનક જ અાગ ફાટી નીકળતાં અા વિસ્તારના રહીશોએ ભયના કારણે ઘરની બહાર નીકળી જઈ દોડધામ કરી મૂકતાં ભયનું વાતાવરણ છવાયું હતું. અાગમાં ઘરવખરીનો સામાન બળીને ખાક થઈ જતા અાશરે રૂ. પાંચ લાખનું નુકસાન થયા હોવાનું જાણવા મળે છે. ફાયરબ્રિગેડના જવાનોએ તાત્કાલિક પહોંચી જઈ અાગને કાબૂમાં લીધી હતી.

અા ઉપરાંત ગઈ રાતે એક વાગ્યાના સુમારે નરોડાના ઠક્કરનગર વિસ્તારમાં અાવેલ અાસારામ સોસાયટીના એક મકાનમાં શોર્ટસર્કિટના કારણે અાગ લાગતા સોસાયટીના રહીશોએ નાસભાગ કરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ સતત પાણીનો મારો ચલાવી ગણતરીના સમયમાં જ અાગને કાબૂમાં લીધી હતી.

IPS અધિકારી પ્રવીણ સિંહાની કારને અકસ્માત

અમદાવાદ: અમદાવાદ રાજકોટ હાઈ વે પર લીંબડી નજીક અાઈપીએસ અધિકારી પ્રવીણ સિંહાની કારને અકસ્માત થયો હતો. જો કે અા ઘટનામાં બે જણાને સામાન્ય ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. ગુજરાત કેડરના અાઈપીએસ અધિકારી પ્રવીણ સિંહા અમદાવાદથી નીકળી રાજકોટ તરફ જઈ રહ્યા હતા ત્યારે નેશનલ હાઈ વે ૮ પર લીંબડી નજીક ટોકરાળા ગામના પાટિયા પાસે તેમની કાર ટ્રક પાછળ ઘૂસી જતાં અા અકસ્માત સર્જાયો હતો. અા અકસ્માતમાં પ્રવીણ સિંહા સહિત બે વ્યક્તિને સામાન્ય ઈજા પહોંચતાં તેમને લીંબડીની હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર અપાઈ હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ ઘાટલોડિયામાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં મેમનગર ખાતે આવેલ જાદવનગર ખાતે રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

બે બાઈક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નરોડા અને અમરાઇવાડી વિસ્તારમાંથી કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નરોડામાં મહાજનિયા વાસ નજીકથી એક બાઇકની અને દેવી સિનેમા પાસેથી એક બાઇકની તેમજ અમરાઇવાડીમાં પાવર સ્ટેશન પાસેથી એક રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ર૭૦ લિટર દેશી દારૂ, રપ બોટલ વિદેશી દારૂ, ૪૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૧૦,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી પર શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ર૧૯ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીના પગલાંરૂપે ર૧૯ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા રપ શખ્સની પોલીસે ધરપકડ કરી હતી.

નદીમાંથી વૃદ્ધની લાશ મળી આવી
અમદાવાદઃ ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ચંદ્રભાગા પુલ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને બહાર કઢાવી પીએમ માટે મોકલી આપી હતી.

You might also like