Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

લગ્નની લાલચ અાપી ગઠિયા ત્રણ સગીરાને ઉઠાવી ગયા
અમદાવાદઃ વાસણા, શાહીબાગ અને ઈસનપુર વિસ્તારમાંથી ત્રણ સગીરાઓને ગઠિયાઓ લગ્નની લાલચ અાપી ઉઠાવી જતાં પોલીસે અા અંગે અપહરણના ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

વાસણા વિસ્તારમાં નારણનગર રોડ પર અાવેલ બાબુભાઈની ચાલીમાં રહેતી એક ૧૩ વર્ષની સગીરાને તેના ઘર નજીક રહેતો અશોક જીવણભાઈ મેઘવાળ નામનો શખસ લગ્નની લાલચ અાપી ઉઠાવી ગયો હતો ત્યારે શાહીબાગમાં સિવિલ હોસ્પિટલ નજીક ઘાંચીની ચાલીમાં રહેતી એક સગીરાનું કોઈ અજાણ્યો શખસ ભેદી સંજોગોમાં અપહરણ કરી નાસી છૂટ્યો હતો. અા ઉપરાંત ઈસનપુર વિસ્તારમાં વિંઝોલ રોડ પર અાવેલ અમર ટેર્નામેન્ટ ખાતે રહેતી ૧૫ વર્ષની એક સગીરાને લગ્નની લાલચ અાપી લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

ઓઢવ, થલતેજ અને સોલામાં તસ્કરોનો તરખાટ
ઓઢવ, થલતેજ અને સોલા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી રૂ. ૧૯ લાખની માલ મતાની ચોરી કરતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધી છે.

ઓઢવમાં જીઅાઈડીસીમાં અાવેલ અાર એન્ટરપ્રાઈઝ નજીકથી રૂ. છ લાખની કિંમતની બોલેરો પિકઅપ ગાડીની તસ્કરોએ વહેલી સવારે ઉઠાંતરી કરી હતી. જ્યારે સોલા વિસ્તારમાં હનુમાનજીના મંદિરથી રૂ. અાઠ લાખની કિંમતના હિટાચી જેસીબીની અને અા જ વિસ્તારમાં ચાંદલોડિયા સુકન રેસિડેન્સી નજીકથી રૂ. બે લાખની કિંમતની બોલેરો પિકઅપ ગાડીની તસ્કરોએ ઉઠાંતરી કરી હતી.

અા ઉપરાંત થલતેજ વિસ્તારમાં ભાઈકાકાનગર નજીક અાવેલ ગિરિરાજ એપાર્ટમેન્ટના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ સોના ચાંદીના દાગીના, રોકડ રકમ અને એક કારની ચોરી કરી હોવાનું જાણવા મળે છે.

કાલુપુરના વેપારી સાથે રૂ. ૨૫.૩૩ લાખની છેતરપિંડી
અમદાવાદઃ કાલુપુરના વેપારી સાથે મુંબઈના એક શખસે રૂપિયા ૨૫.૩૩ લાખની છેતરપિંડી કરતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
અા અંગેની વિગત એવી છે કે કાલુપુર વિસ્તારમાં સિંધી ધર્મશાળા નજીક સુપર માર્કેટ પાસે અાવેલી અારાધના ક્રિએશન નામની રેડીમેડ ગાર્મેન્ટ્સનો શો રૂમ ધરાવતા પ્રકાશભાઈ રમેશભાઈ રાજાણી પાસેથી મુંબઈના કાલબા દેવી વિસ્તારમાં રહેતા વિકાસ ચોપરા નામના શખસે રેડીમેડ ગાર્મેન્ટ્સને લગતાં રૂ. ૨૫.૨૫ લાખના કિંમતના મટીરિયલ્સની ખરીદી કરી હતી અને અા નાણાં ટૂંક સમયમાં ચૂકવી અાપવાની બાંયધરી અાપી હતી પરંતુ નાણાં સમયસર ન મળતાં પ્રકાશભાઈએ ઉઘરાણી શરૂ કરી હતી. પરંતુ મુંબઈના અા શખસે કોઈ સંતોષકારક જવાબ ન અાપતાં પ્રકાશભાઈ છેવટે પોતાની સાથે છેતરપિંડી હોવાની પોલીસે ફરિયાદ નોંધાવી છે.

અપહરણ કરાયેલી સગીરા રખિયાલથી મળી
અમદાવાદ: આસામના ગાૈહત્તીથી સગીરાનું અપહરણ કરીને અમદાવાદના રખિયાલ વિસ્તારમાં રહેતા એક યુવકની પોલીસ ધરપકડ કરી છે. 15 દિવસ પહેલાં સગીરાને લલચાવી ફોસલાવીને આરોપી આસામના ગાૈહત્તીથી ભગાડીને અમદાવાદ લાવીને રહેતો હતો. જેમાં ગાૈહત્તીના હાથીગંજ પોલીસ સ્ટેશને 4 આરોપીઓ વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરીને ત્રણ આરોપીઓની ધરપકડ કરી હતી.

આસામના ગાૈહત્તીમાં હાથીગંજ ગામમાં રહેતી એક 15 વર્ષીય સગીરાને લલચાવી ફોસલાવીને તારીખ 24મી ડિસેમ્બરે આરોપી મુખ્તારઅલી અંસારી ભગાડીને અમદાવાદ આવી ગયો હતો. જેમાં હાથીગંજ પોલીસે મુખ્તારઅલી સહિત 4 યુવક વિરુદ્ધમાં અપહરણની ફરિયાદ દાખલ કરીને ત્રણ આરોપીની ધરપકડ કરી હતી.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૦૦ લિટર દેશી દારૂ, ૨૪૩ બોટલ વિદેશી દારૂ, ૯૬ બિયરનાં ટીન, બે રિક્ષા, એક બાઇક, એક કાર, રોકડ રકમ ૨૧ હજાર અને જુગારનાં સાધનો કબજે કરી ૮૧ શખ્સની ધરપકડ કરી છે.

સાબરમતી નદીમાંથી વૃદ્ધની લાશ મળી
અમદાવાદઃ જમાલપુર સરદારબ્રિજ નીચે સાબરમતી નદીમાંથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. જમાલપુર સરદારબ્રિજ નીચે સાબરમતી નદીમાં એક વૃદ્ધની લાશ તરતી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી કરી લાશને પીએમ માટે મોકલી આપી હતી.

તકેદારીનાં પગલાંરૂપે ૨૯૩ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણી હેતુસર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાંથી ૨૯૩ શખસોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરનાર ૩૫ શખસોની પીધેલી હાલતમાં ધરપકડ કરી હતી.

રહસ્યમય સંજોગોમાં પાંચ શખસો લાપતા
અમદાવાદઃ રામોલમાંથી અતુલભાઈ ચિમનભાઈ શાહ, બાપુનગરમાંથી ભોલો કરસનભાઈ પરમાર, રાહુલ ગોવિંદભાઈ ભાટી, સેટેલાઈટમાંથી પ્રણવ રાજેશભાઈ પવાર, કાગડાપીઠમાં મણિબહેન રતિલાલ પટેલ ભેદી સંજોગોમાં લાપતા બનતાં પોલીસે નોંધ કરી છે.

ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ત્રણ મોટરસાઇકલની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. સારંગપુરમાં ન્યુ ક્લોથ માર્કેટ પાસેથી એક બાઈકની, કાંક‌િરયા ફૂટબોલ ગ્રાઉન્ડ પાસેથી અને મણિનગર રેલવે સ્ટેશન પાસેથી એક બાઈકની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like