ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ જાણો માત્ર એક ક્લિક પર

પાણીની ટાંકીમાં પડી જતાં બાળકીનું મોત
અમદાવાદઃ વટવા વિસ્તારમાં અાવેલા સાંઈબાબા એપાર્ટમેન્ટમાં રહેતી એક બાળકી પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં બાળકીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. અા અંગે વટવા પોલીસે અકસ્માત મોત નોંધી તપાસ હાથ ધરી છે. વટવાના સાંઈબાબા એપાર્ટમેન્ટમાં રહેતી બે વર્ષીય બાળકી પાયલ ગુડ્ડુદાસ દાસ બપોરના સમયે પાડોશના બ્લોકમાં રહેતી સંબંધીને ત્યાં રમવા ગઈ હતી ત્યારે પાણીની અન્ડરગ્રાઉન્ડ ટાંકીમાં પડી જતાં તેને સારવાર માટે એલજી હોસ્પિટલ ખસેડાઈ હતી જ્યાં તેનું મોત નીપજ્યું હતું. પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૫૫ લિટર દેશી દારૂ, ૧૬ બોટલ વિદેશી દારૂ. ૨ બિયરનાં ટીન, એક એક્ટિવા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૪ શખસની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૧૦૮ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે તકેદારીના પગલાંરૂપે ૧૦૮ ઈસમોની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ પાંચ અને પાસા હેઠળ એક શખસની ધરપકડ કરવામાં અાવી હતી.

બાપુનગરમાં યુવકે અાત્મહત્યા કરી
અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં અાવેલી બ્રાહ્મણની ચાલીમાં રહેતા શિવપાલ કલ્લુભાઈ કોળીએ કોઈ અગમ્ય કારણોસર બે દિવસ પહેલા પોતાના ઘરે જાતે કેરોસીન છાંટી અાત્મહત્યા કરી લીધી હતી. તેઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા હતા જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

ભાડજ રિંગરોડ પર યુવક પર હુમલો
અમદાવાદઃ શહેરના ભાડજ રિંગરોડ પર બાઈક લઈને પસાર થતાં એક યુવકને બાઈક પર અાવેલા બે અજાણ્યા શખસોએ રોકી તેના પર છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં અાવ્યો હતો. હુમલો કરનાર યુવકો વિરુદ્ધ ફરિયાદના અાધારે સોલા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

જાહેરનામા ભંગના ગુના નોંધાયા
અમદાવાદઃ શહેરના ચાંદખેડા અને મોટેરા વિસ્તારમાં મકાન ભાડે અાપી અને પોલીસ સ્ટેશનમાં ભાડે મકાન અાપ્યા અંગેની જાણ ન કરતાં ચાંદખેડા પોલીસે મકાન માલિકો વિરુદ્ધ પોલીસ કમિશનરના જાહેરનામા ભંગ બદલની ફરિયાદ નોંધી છે.

http://sambhaavnews.com/

You might also like