ક્રાઇમ બ્રિફ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

ત્રણ યુવાનોએ સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવી નાખ્યું
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા ત્રણ યુવાનોએ સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી લેતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે શાહપુર બહાઈ સેન્ટર પાસે અાવેલ સપના એપાર્ટમેન્ટમાં રહેતા અાકાશ શંકર જોગલે નામના ૩૧ વર્ષના યુવાને અંગત કારણસર રાતના સમયે સુભાષબ્રિજ નીચે નારણઘાટ પાસે નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી. જ્યારે સારંગપુરમાં અફઝલખાનના ટેકરા પાસે રહેતા સુરેશ બળદેવજી ઠાકોર નામના ૨૬ વર્ષના યુવાને પણ સાંજના સમયે સરદાર બ્રિજ નીચે સાબરમતી નદીમાં પડતું મૂકી અાપઘાત કર્યો હતો. અા ઉપરાંત થલતેજમાં ગુલાબ ટાવર પાસે અાવેલ વિશ્વજિત એપાર્ટમેન્ટ ખાતે રહેતા પવન અમરજિત વાસવાણી નામના ૨૪ વર્ષના યુવાને પણ અગમ્ય કારણસર સરદાર બ્રિજ નીચે જ નદીમાં પડતું મૂકી જીવન ટૂંકાવી નાખ્યું હતું. ફાયરબ્રિગેડના જવાનોએ ત્રણેય યુવાનોની લાશ બહાર કાઢી પીએમ માટે વીએસ હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઈક સ્લિપ થતાં ત્રણ યુવાન પટકાયાઃ બેનાં મોત, એક ગંભીર
અમદાવાદઃ જામનગર-જોડિયા રોડ પર ભાદરા નજીક બાઈક સ્લિપ થતાં ત્રણ યુવાનો પટકાતાં ગંભીર ઈજા થવાનાં કારણે બેનાં મોત થયાં હોવાનું અને એક હાલત ગંભીર હોવાનું જાણવા મળે છે. અા અંગેની વિગત એ‍વી છે કે મોરબીના માળિયા તાલુકાના કુંતાસી ગામના રહીશ દેવસી છગન કોળી, સિંદા બચુભાઈ બાબરિયા અને રાજેશ ધનજીભાઈ નામના ત્રણ યુવાનો મોટર સાઈકલ પર ત્રણ સવારી બેસી જોડિયા-જામનગર રોડ પર ભાદરા ગામ પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈકચાલક દેવસીએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા બાઈક રોડ પર સ્લિપ થઈ જતાં ત્રણેય યુવાનો રોડ પર પટકાયા હતા. જેમાં દેવસી અને સિંધાભાઈનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે રાજેશને ગંભીર ઈજાઓ પહોંચતા તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં અાવ્યો હતો. બનાવની જાણ થતાં જ ભાદરા ગામના લોકોએ તાત્કાલીક ઘટનાસ્થળે પહોંચી જઈ બચાવ કામગીરી શરૂ કરી અા અંગે પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માતનો ગુનો દાખલ કર્યો છે.

શહેરમાં તસ્કરો બેફામઃ બે દિવસમાં રૂ. ૧૨ લાખની માલમતાની ઉઠાંતરી
અમદાવાદઃ છેલ્લા બે દિવસમાં તસ્કરોએ શહેરમાં બેફામ બની રૂ. ૧૨ લાખની માલમતાની ચોરી કરતાં શહેરીજનોમાં ભયની લાગણી પસરી છે. સરદારનગરમાં શિવ મંદિરની બાજુમાં અાવેલા મકાનમાંથી બે લેપટોપની ચોરી થઈ હતી. અા જ વિસ્તારમાં અાવેલ વ્રજભૂમિ શોપિંગ સેન્ટરના એક ગોડાઉનમાં રૂ. ૧.૩૦ લાખના પાન-મસાલા અને સિગારેટના પેકેટની ચોરી થઈ હતી. કૃષ્ણનગરમાં અાવેલ મેગની ફિકે નામની દુકાનમાંથી રૂ. ૫૦ હજારની કિંમતના કપડાંની ચોરી થઈ હતી. અાંબાવાડીમાં શ્રેયસ ટેકરા પાસે અાવેલ એક કોલોનીના મકાનમાંથી રૂ. ત્રણ લાખની કિંમતના ઘરેણાંની ચોરી થઈ હતી. ઈસનપુરમાં મીરા ચાર રસ્તા પાસે અાવેલ ભવાની ટ્રેડિંગ નામની દુકાનનું તાળું તોડી તસ્કરો અાશરે રૂ. ૫૦ હજારની માલમતાની ચોરી ફરા થઈ ગયા હતા. સેટેલાઈટમાં દુગલ કોમ્યુનિકેશન નામની ઓફિસના તાળાં તોડી તસ્કરો મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી રૂ. ૨ લાખની મતા ચોરી ગયા હતા. જ્યારે અાંબાવાડીમાં માણેકબાગ પાસે અાવેલ બે દુકાનોમાંથી મોબાઈલ ફોન સહિત રૂ. સવા ત્રણ લાખની મતાની ચોરી થઈ હતી. નારણપુરામાં એક કારમાંથી લેપટોપની તફડંચી કરવામાં અાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ડુમસના દરિયામાં નાહવા પડેલા બે યુવાન ડૂબી ગયા
અમદાવાદઃ સુરત નજીક ડુમસના દરિયામાં નાહવા પડેલા ચાર યુવાનો પૈકી બે યુવાનોનાં ડૂબી જવાથી મોત થયાં હતાં. ભટારમાં અાવેલી અંબાનગર સોસાયટીમાં રહેતા સુનીલ શર્મા, નરેન્દ્ર શર્મા સહિત ચાર યુવાનો ડુમસના દરિયામાં મોડી સાંજે નાહવા પડ્યા હતા. ડુમસના દરમિયાના ગણેશ મંદિર પાસે સાંજના સમયે ભરતી અાવતાં ઉપરોક્ત બંને યુવાનો પાણીમાં ખેંચાતા બંનેનાં ડૂબી જવાના કારણે મોત થયાં હતાં. ફાયબ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ બંનેની લાશ બહાર કાઢી પીએમ માટે હોસ્પિટલ ખાતે મોકલી અાપી હતી.

બાપુનગરના તળાવમાંથી યુવાનની લાશ મળી
અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં શાસ્ત્રી સ્ટેડિયમ પાસે અાવેલા તળાવમાંથી એક યુવાનની લાશ મળી અાવી હતી. બાપુનગરમાં રામદેવનગર ખાતે રહેતા વિનોદ ભંવરલાલ વણજારાની લાશ સ્ટેડિયમ પાસે ગોગેશ્વર મહાદેવના મંદિર પાસેના તળાવમાંથી મળી અાવતાં પોલીસે સઘન તપાસ શરૂ કરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૯૬૦ લિટર દેશી દારૂ, ૬૧૮ બોટલ વિદેશી દારૂ, ૪૦૮ બિયરનાં ટીન, બે કાર, બે સ્કૂટર, બે રિક્ષા, રૂ. ૭૫ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૯૪ શખસની ધરપકડ કરી છે.

ઝેરી દવા પી યુવાનનો અાપઘાત
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં ઝેરી દવા પી એક યુવાને અાત્મહત્યા કરી હતી. રામોલમાં વસ્ત્રાલ ખાતે અાવેલ તારાનગરમાં રહેતા ધીરજ નવીનભાઈ નિખારે નામના યુવકે અગમ્ય કારણસર ઝેરી દવા પી લેતા તેનું એલજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

વર્ના કાર, રિક્ષા, બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ સરદારનગર અને પાલડી વિસ્તારમાંથી વર્ના કાર, રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થઈ હતી. સરદારનગરમાં ગેલેક્સી રોડ પરથી વર્ના કારની, પાલડીમાં એનઅાઈડી નજીકથી બાઈકની અને ફતેહપુરા નજીકથી રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે.

અગમચેતીરૂપે ૨૩૧ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી અગમચેતીના પગલાંરૂપે ૨૩૧ ઈસમની અટકાયત કરી હતી. જ્યારે નશાબંધીના ભંગ બદલ ૨૨ દારૂડીયાને ઝડપી લઈ લોકઅપ ભેગા કરી દીધા છે.

http://sambhaavnews.com/

You might also like