ક્રાઇમ બ્રિફ, શહેરના ક્રાઇમ ન્યુઝ માત્ર એક ક્લિક પર

બેન્ક મેનેજરનો મૃતદેહ કેનાલમાંથી મળતાં ચકચાર
અમદાવાદઃ હાલોલની કોમર્શિયલ કો.ઓ. બેન્કના મેનેજરનો મૃતદેહ વાઘોડિયા નજીક કેનાલમાંથી મળી અાવતાં અા ઘટનાએ ચકચાર જગાવી છે. અા અંગેની વિગત એવી છે કે હાલોલ કો.ઓ. બેન્કમાં એકાઉન્ટન્ટ તરીકે જોડાયા બાદ હાલ મેનેજર તરીકે ફરજ બજાવતા મનોજભાઈ સાંઈ મંદિરના ટ્રસ્ટી પણ હતા. બે દિવસ અગાઉ મનોજભાઈ અમેરિકાથી મિત્ર અાવી રહ્યા છે માટે એરપોર્ટ જાઉ છું તેવું કહી ઘરેથી નીકળ્યા હતા, પરંતુ મોડી રાત સુધી પરત ન ફરતા ઘરના સભ્યોએ સઘન શોધખોળ શરૂ કરી હતી. દરમિયાનમાં સાંજના સમયે વાઘોડિયા નજીક ખાંટીવાડા પાસે નર્મદા કેનાલ નજીકથી તેમનું બાઈક મળી અાવ્યું હતું અને બે કલાકની શોધખોળ બાદ સરણેજ પાસે કેનાલમાંથી તેમનો મૃતદેહ મળી અાવ્યો હતો. મનોજભાઈએ અા અંતિમ પગલું શા માટે ભર્યું તે અંગે અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

જમવાનું ન બનાવતાં પતિએ પત્નીને સળગાવી દીધી
અમદાવાદઃ નડિયાદ નજીક અાવેલા રસુલપુર ગામમાં પત્નીએ જમવાનું ન બનાવતાં ઉશ્કેરાયેલા પતિએ પત્નીને જીવતી સળગાવી મોતને ઘાટ ઉતારતા અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે. નડિયાદ નજીકના રસુલપુર ગામે ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતાે વિનોદ સોમાભાઈ પગી સાંજના સમયે ઘરે અાવ્યો હતો અને તેની પત્ની શાંતાબહેન પાસે જમવાનું માગ્યું હતું, પરંતુ શાંતાબહેને જમવાનું ન બનાવ્યું હોવાનું કહેતા વિનોદ ઉશ્કેરાઈ ગયો હતો અને બંને વચ્ચે જોરદાર ઝઘડો થયો હતો. અાવેશમાં અાવી ગયેલા વિનોદે ઘરમાંથી કેરોસીનનું ડબલું ઉપાડી શાંતાબહેન પર છાંટી દિવાસળી ચાંપી દેતાં અા મહિલા ગંભીરપણે દાઝી જતાં તેને વડોદરાની સયાજીરાવ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી અારોપીની ધરપકડ કરવાની તજવીજ હાથ ધરી છે.

કરંટ લાગતાં અને દાઝી જવાથી ત્રણનાં મોત
અમદાવાદઃ ઓઢવ, વટવા અને રામોલમાં કરંટ લાગવાના કારણે તેમજ દાઝી જવાથી ત્રણ વ્યક્તિનાં મોત થતાં પોલીસે અા અંગે અકસ્માતે મોતનાં ગુના દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે ઓઢવ વિસ્તારમાં ગરીબ અાવાસ યોજના નજીક અાવેલી જીવનજ્યોત સોસાયટી સામે પાણી ખેંચવાની ઈલેક્ટ્રિક મોટર ચાલુ કરવા જતાં કરંટ લાગવાથી પીયૂષ બળદેવભાઈ મહેરિયા નામના યુવાનનું મોત થયું હતું. જ્યારે જશોદાનગર વિસ્તારમાં પાણીની ટાંકી પાસે અાવેલા રબારીના મકાનમાં રહેતા અમર સુંદરલાલ ગુપ્તા નામના યુવાનનું પણ ઈલેક્ટ્રિક કરંટ લાગતા મોત થયું હતું. અા ઉપરાંત રામોલમાં જામફળવાડી પાસે અાવેલ મુક્તાનંદ પાર્કમાં રહેતી જશોદાબહેન બિપિનભાઈ પારગી નામની યુવતીનું પ્રાઈમસ પર રસોઈ બનાવતી વખતે દાઝી જવાના કારણે મોત થયું હતું.

તસ્કરો બેફામઃ રૂપિયા ૧૧ લાખની માલમતાની ચોરી
અમદાવાદઃ શહેરમાં છેલ્લા કેટલાક વખતથી તસ્કરોએ ભારે ત્રાસ વર્તાવ્યો છે. છેલ્લા ૩૬ કલાક દરમિયાન શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રૂ. ૧૧ લાખની માલમતાની ચોરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે સોલા વિસ્તારમાં અાવેલ નિર્માણ સ્ક્વેર ટેનામેન્ટના એક મકાનમાંથી રૂ. બે લાખની કિંમતનાં ઘરેણાં અને રોકડ રકમની ચોરી થઈ હતી. જ્યારે નરોડામાં અાવેલી દેહગામ રોડ પર અાવેલ શ્યામ શીખર કોમ્પ્લેક્સની એક દુકાનનું તાળું તોડી તસ્કરોએ રૂ. બે લાખની રોકડ રકમની ચોરી કરી હતી. વસ્ત્રાપુરમાં અાવેલ સાંઈનાથ મોબાઈલ ઝોન નામની દુકાનના તાળાં તોડી તસ્કરોએ રૂ. સવા પાંચ લાખની કિંમતના મોબાઈલ અને એસેસરીઝની ચોરી કરી હતી. અા ઉપરાંત અાજ વિસ્તારમાં હિમાલયા મોલ પાસે અાવેલ એક બંગલામાંથી રૂ. દોઢ લાખની કિંમતના ઘરેણાંની ચોરી થતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ કાલુપુર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાલુપુરમાં એએમટીએસ બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલ મૂકેશભાઈ મહેતા નામના યુવાનના ગળામાંથી ગઠિયો રૂ. ૪૫ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયો હતો.

ધાબા પરથી પટકાતાં યુવાનનું મોત
અમદાવાદઃ સાબરમતી વિસ્તારમાં ધાબા પરથી પટકાતાં એક યુવાનનું મોત થયું હતું. સાબરમતીમાં અાવેલ શુકન સ્માઈલ સિટીના ધાબા પરથી પટકાતાં પુષ્પેન્દ્ર ઘાંચી નામના યુવાનનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે.

રૂ. ૨૦ હજારની મતા લૂંટી લેવાઈ
અમદાવાદઃ શાહીબાગમાં એક રાહદારી યુવાનને ધાક ધમકી અાપી રૂ. ૨૦ હજારની મતા લૂંટી લેવાતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. શાહીબાગમાં રહેતા જયંતીલાલ શાહ અરિહંત ટાવર પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બે શખસોએ તેમને ધાક-ધમકી અાપી સોનાનો દોરાે અને રોકડ રકમ મળી રૂ. ૨૦ હજારની મતા લૂંટી લઈ બંને ફરાર થઈ ગયા હતા.

પતરાં ખોલતાં પડી જતાં મોત
અમદાવાદઃ વટવા જીઅાઈડીસીમાં અાવેલી રવિપ્લાસ મોલ્ડ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં બપોરના સુમારે પતરા ખોલતી વખતે ઊંચેથી પડતાં હરીશ સરદારભાઈ પરમાર નામના યુવાનનું ગંભીર ઈજા થવાથી મોત થયું હતું. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

અગમચેતીરૂપે ૩૭૫ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાં અગમચેતીરૂપે પગલાંરૂપે ૩૭૫ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૨૫ દારૂડિયાની ધરપકડ કરવામાં અાવી હતી.

http://sambhaavnews.com/

You might also like