Crime Brief: બસ..! એક Click અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

મહિલા બુટલેગરની રહસ્યમય સંજોગોમાં હત્યા થતાં ચકચાર
અમદાવાદ: રાજકોટના ગુરુજી નગર વિસ્તારમાં મહિલા બુટલેગરની રહસ્યમય સંજોગોમાં હત્યા થતાં આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. પોલીસે ખૂનનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. રાજકોટના ગુરુજી નગર વિસ્તારમાં આવાસ યોજનાના કવાર્ટર્સમાં રહેતી રેશમા નામની મહિલા બુટલેગરની લાશ પાણીના ટાંકામાંથી કહોવાઇ ગયેલી અને ધડથી માથું અલગ થયેલી હાલતમાં મળી આવી હતી. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી જઇ ઝીણવટભરી તપાસ શરૂ કરી છે. મળતી માહિતી પ્રમાણે આ મહિલા બુટલેગર જામનગરના ખંભાળિયાની રહીશ હતી અને છેલ્લા કેટલાક વખતથી રાજકોટમાં દેશી વિદેશી દારૂ વેચવાનો ધંધો કરતી હતી. આ મહિલા બુટલેગરની કોઇ અજાણ્યા શખ્સોએ હત્યા કરી લાશને પાણીના ટાંકામાં ફેંકી દીધી હોવાનું પોલીસ માની રહી છે.

એક જ કોમનાં બે જૂથો બાખડતાં તલવારો ઊડી
અમદાવાદ: મહેસાણા ઉનાવા હાઇ વે પર એક હોટલ પાસે એક જ કોમનાં બે જૂથો વચ્ચે જોરદાર અથડામણ થતાં તલવારો અને ધારિયાં ઉછળતાં સનસનાટી મચી ગઇ હતી. આ અંગેની વિગત એવી છે કે મહેસાણા ઉનાવા રોડ પર બસેરા હોટલ પાસે ખુલ્લી જગ્યામાં કેબિન મૂકવા બાબતે સન્નુ બચુભાઇ મીર અને સજજાદ આશિકમિયાં સૈયદ વચ્ચે ઝઘડો થતાં જોત જોતામાં બંનેના પરિવારના ટોળા એકઠાં થઇ ગયાં હતાં અને સામ સામે તલવારો અને ધારિયાંથી હુમલા કરાતાં નાસભાગ મચી હતી. દરમિયાનમાં પથ્થરમારો પણ કરવામાં આવતાં ભયનો માહોલ ઊભો થયો હતો.

નદીમાં ઝંપલાવી યુવક સહિત બેની આત્મહત્યા
અમદાવાદ: સાબરમતી નદીમાં ઝંપલાવી એક યુવક સહિત બે વ્યકિતએ આત્મહત્યા કરી લેતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે શાહપુર વિસ્તારમાં શંકર ભુવન પાછળ આવેલ મ્યુનિસિપલ હેલ્થ સ્ટાફ કવાટર્સમાં રહેતા ૩ર વર્ષીય સંજય કિશોરભાઇ ગરિયલ નામના યુવાને સાંજના ૬-૩૦ વાગ્યાના સુમારે ગાંધી બ્રિજ અને નહેરુબ્રિજ રિવરફ્રન્ટ ઘાટ નં.૬ નજીક સાબરમતીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી.

આ ઉપરાંત શાહપુરમાં જ કૈલાસ ભવન સામે મેડિકલ હોસ્પિટલની બાજુમાં રહેતી ૧૯ વર્ષીય ક્રિશ્ના ગોરાભાઇ પરમારે પણ સાબરમતી નદીમાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. ઉપરોકત બંનેનાં આપઘાત કરવા પાછળનું કોઇ ચોકકસ કારણ જાણવા મળ્યું નથી. પોલીસે બંનેની લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

લકઝુરિયસ કાર-રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નારણપુરા અને નરોડા વિસ્તારમાંથી લકઝુરિયસ કાર અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારણપુરામાં હેપીહોમ એપાર્ટમેન્ટના પાર્કિંગમાંથી રૂ.સાડા ચાર લાખની લકઝુરિયસ કારની અને નરોડામાં મહાજનીયા વાસ નજીકથી રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૬૬ લિટર દેશી દારૂ, ૧ર બોટલ વિદેશી દારૂ, ર૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૧ર,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૦ શખ્સની ધરપકડ કરી છે.

ઓઢવની સગીરાનું અપહરણ
અમદાવાદઃ ઓઢવમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં આદિનાથનગર બસસ્ટેન્ડ નજીક રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

પાંચ યુવતી ભેદી સંજોગોમાં ગુમ
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી પાંચ યુવતી રહસ્યમય સંજોગોમાં ગુમ થઇ જતાં પોલીસે જાણવાજોગ નોંધ કરી છે. વટવામાંથી મહેતાબ મનસૂરી, રૂપલબહેન દરબાર, વાસણામાંથી મીરાં મેઘવાલ, માધુપુરામાંથી સોનલ ચાવડા ઘાટલોડિયામાંથી ક્રીમા પટેલ અચાનક ગુમ થઇ ગઇ હતી.

તકેદારીરૂપે ૧પ૩ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૧પ૩ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ચાર શખસની પોલીસે ધરપકડ કરી હતી.

You might also like