Crime Brief: બસ…એક ક્લિક અને વાંચો શહેરના ક્રાઇમ સમાચાર

તસ્કરોનો તરખાટઃ રૂ.છ લાખની માલમતાની ચોરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં તસ્કરોએ ત્રાટકી રૂ.છ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વસ્ત્રાપુરમાં અગ્રેસન સ્કૂલની બાજુમાં આવેલ સાલ્વિરા એપાર્ટમેન્ટના એક મકાનનાં તસ્કરોએ ધોળા દિવસે તાળાં તોડી તિજોરીમાંથી સોનાના દાગીના અને રોકડ રકમ મળી આશરે રૂ.પોણા બે લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે ગોતામાં વોડાફોન ટાવર નજીક આવેલ શાયોના ગ્રીન ફલેટના એક મકાનની બારીમાંથી તસ્કરોએ ઘૂૂસી ઘરેણાં, રોકડ રકમ અને મોબાઇલ ફોન મળી રૂ.પ૦,૦૦૦ની મતાની ચોરી કરી હતી. આ ઉપરાંત નિકોલ રિંગરોડ પર આવેલ એક પાર્ટીપ્લોટમાંથી રૂ.ચાર લાખની કિંમતનાં ઘરેણાં સાથેની બેગની ચોરી થઈ હતી.

બે બાઇક સામસામે અથડાતાં બે યુવાનનાં મોતઃ એક ગંભીર
અમદાવાદ: પોરબંદર નજીક બગવદર રોડ પર પૂરઝડપે પસાર થઇ રહેલ બે બાઇક વચ્ચે જોરદાર અકસ્માત સર્જાતાં બાઇક સવાર બંને યુવાનોનાં ગંભીર ઇજાઓ થવાનાં કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જયારે એક યુવાનને ગંભીર ઇજાઅો થઇ હતી.

આ અંગેની વિગત એવી છે કે ગઇ કાલે સાંજના સુમારે બગવદર રોડ પર બે બાઇક સામસામે જોરદાર ધડાકા સાથે અથડાતાં બાઇક સવાર ચાર યુવાનો પૈકી બેનાં માથાના ભાગે ઇજા થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. મરનારનાં નામ સરનામાં જાણવા મળ્યાં નથી. આ ઘટનામાં ગંભીર ઇજા પામેલા એક યુવાનને સારવાર માટે ખસેડવામાં આવ્યો છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

એકનો ગળાફાંસોઃ એકે નદીમાં પડતું મૂક્યુંઃ યુવતી જાતે સળગી મરી
અમદાવાદ: શહેરના દાણીલીમડા અને વસ્ત્રાલ વિસ્તારમાં આત્મહત્યાની ત્રણ ઘટના બનવા પામી છે. જેમાં એક યુવાને ગળાફાંસો ખાઇ અને એક યુવાને નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી. જ્યારે એક યુવતીએ જાતે સળગી જઇ જીવન ટુંકાવી નાખતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે દાણીલીમડામાં આવેલી બેતાળીની ચાલીમાં રહેતા કિશોર સોમાભાઇ મકવાણા નામના રપ વર્ષીય યુુવાને બીમારીથી કંટાળી જઇ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. જ્યારે આ જ વિસ્તારમાં નગ્માનગર છીપા સોસાયટીમાં રહેતી અફસાના ઇમરાનભાઇ નાગોરી નામની ૧૯ વર્ષીય યુવતીએ પોતાના ઘરમાં જ અગમ્ય કારણસર જાતે જ શરીર પર કેરોસીન છાંટી સળગી જઇ આત્મહત્યા કરી હતી.આ ઉપરાંત વસ્ત્રાલમાં ક્રિસ બંગલોની પાછળ આવેલ નૈયા રેસિડેન્સીમાં રહેતા શૈલેશભાઇ ગોવિંદભાઇ પટેલ નામના ૩૭ વર્ષીય યુવાને અગમ્ય કારણસર સાબરમતી નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવી નાખ્યું હતું. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી લાશને બહાર કાઢી પીએમ માટે મોકલી આપી હતી.

વીજ કરંટ લાગતાં યુવાનનું મોત
અમદાવાદ: ઘાટલોડિયામાં વીજકરંટ લાગતાં એક યુવાનનું મોત થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઘાટલોડિયામાં અર્ચન પાર્ટીપ્લોટ ખાતે સફાઇનું કામ કરી રહેલ અરુણ જીવાભાઇ સોલંકીને કામ કરતી વખતે અચાનક કરંટ લાગતાં તેનું ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદ: નવરંગપુરામાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. નવરંગપુરામાં મીઠાખળી નજીકથી એક્ટિવા પર પસાર થઇ રહેલ દમયંતીબહેન વ્રજલાલ પિત્રોડા નામની મહિલાના ગળામાંથી પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા રૂ.૪૦,૦૦૦ની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી નાસી છૂટ્યા હતા.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદ: ખોખરામાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ખોખરામાં રાવળવાસ ખાતે રહેતી એક સગીરાને કોઇ અજાણ્યો શખ્સ લલચાવી-ફોસલાવી લઇ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૭૭પ લિટર દેશી દારૂ, ૧૩ બોટલ વિદેશી દારૂ, ૪૦ બિયરનાં ટીન, એક રિક્ષા, એક બાઇક, રૂ.૪,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૭૯ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ૩૦૪ની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ૩૦૪ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત દારૂના નશામાં છાકટા બની જાહેર રોડ પર બખેડો કરતા ૧૭ શખસની પોલીસે ધરપકડ કરી હતી.

You might also like