crime Brief: બસ એક ક્લિક પર

ટ્રેન નીચે ઝંપલાવી એન્જિનિયરિંગના વિદ્યાર્થીનો આપઘાત
અમદાવાદઃ જામનગર રાજકોટ રેલવે લાઇન પર ખંઢેરી સ્ટેશન નજીક ટ્રેન નીચે ઝંપલાવી એન્જિનિયરિંગના એક વિદ્યાર્થીએ આત્મહત્યા કરતાં આ અંગે સઘન તપાસ શરૂ કરી છે. બગસરાના જૂના વાઘણિયા ગામના રહીશ અને રાજકોટ એન્જિનિયરિંગ કોલેજમાં અભ્યાસ કરતા ભાવિન છગનભાઇ પરમાર નામના ર૪ વર્ષના યુવાને જામનગર રાજકોટ રેલવે લાઇન પર ખંઢેરી રેલવે સ્ટેશન પાસે વીરમગામ ઓખા ટ્રેન નીચે ઝંપલાવી જીવન ટૂંકાવી નાખ્યું હતું.

યુવતીનો ઝેરી દવા પી આપઘાત
અમદાવાદઃ ગોમતીપુર વિસ્તારમાં એક યુવતીએ ઝેરી દવા પી આત્મહત્યા કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ગોમતીપુરમાં પાણીની ટાંકી પાસે આવેલ ગજરા કોલોનીમાં રહેતી કાજલ મહેન્દ્રભાઇ હેડવા નામની ર૦ વર્ષની યુવતીએ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું.

ઇસનપુરમાંથી સગીરાનું અપહરણ
અમદાવાદઃ ઇસનપુર વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઇસનપુરમાં સોનીના ખેતર નજીક રહેતી ૧પ વર્ષીય એક સગીરાને તેના ઘર નજીકથી મુસ્તાક ગુલામ શેખ નામનો શખસ લલચાવી, ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે સઘન શોધખોળ શરૂ કરી છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારોમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૭પ લિટર દેશી દારૂ, ૪પ બોટલ વિદેશી દારૂ, ૩૦ બિયરનાં ટીન, બે બાઇક, એક રિક્ષા, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૭ શખ્સોની ધરપકડ કરી હતી.

બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી બે બાઇક અને રિક્ષાની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. સારંગપુર કલોથ માર્કેટ પાસેથી એક બાઇકની કાલુપુર એએમટીએસ ટર્મિનસ પાસેેથી એક બાઇકની અને માધુપુરા માર્કેટ પાસેથી એક રિક્ષાની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં ૭પ વર્ષની વયના એક વૃદ્ધની લાશ મળી આવી હતી આ વૃદ્ધનું મોત બીમારીને કારણે થયું હોવાનું જાણવા મળે છે. આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

You might also like