ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ જાણો એક જ ક્લિક પર

વલ્ભીપુર નજીક માર્ગ અકસ્માતમાં જૈન સાધ્વીજીનું મોત
અમદાવાદઃ ભાવનગર વલ્ભીપુર રોડ પર અાજે વહેલી સવારે સર્જાયેલા માર્ગ અકસ્માતના બનાવમાં એક જૈન સાધ્વીનું ગંભીર ઈજા થવાના કારણે મોત થયું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અા અંગેની વિગત એ‍વી છે કે એક જૈન સાધ્વી અાજે સવારે ૭ વાગ્યાના સુમારે ભાવનગર-વલ્ભીપુર રોડ પર અન્ય સાધ્વી સાથે વિહાર કરી રહ્યા હતા ત્યારે ભાવનગર તરફથી અાવી રહેલી ટ્રકે સાધ્વીજીને અડફેટે લઈ ટક્કર મારતા ગંભીર ઈજાઓ થવાના કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અા ઘટનાને પગલે વલ્ભીપુર અને અને ભાવનગરથી અનેક જૈનો ત્યાં પહોંચી ગયા હતા. અકસ્માત સર્જી વાહનચાલક નાસી છૂટ્યો હોવાનું જાણવા મળે છે. પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી અાગળની તપાસ હાથ ધરી છે.

ધોરાજી માર્કેટ યાર્ડના ઉપપ્રમુખનો અાપઘાત
અમદાવાદઃ ધોરાજી માર્કેટ યાર્ડના પ્રમુખ અને ધોરાજી તાલુકા સંઘના ડિરેક્ટરે ઝેરી દવા પી લઈ અાત્મહત્યા કરતાં અા ઘટનાએ ભારે ચકચાર જગાવી છે. ધોરાજી માર્કેટના પ્રમુખ રશીકભાઈ ડઢાણિયાએ અગમ્ય કારણસર ઝાઝમેર ખાતે અાવેલી સહકારી મંડળીની ઓફિસમાં ઝેરી દવા પી લેતાં તેમને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં અાવ્યા હતા પરંતુ સારવાર મળતા પહેલા જ તેમનું મોત થયું હતું. અાત્મહત્યા કરનાર રશીકભાઈના પરિવારમાં તેમની પત્ની, એક પુત્ર અને ત્રણ પુત્રીઓ છે. ત્રણેયે પુત્રીઓના લગ્ન થઈ ગયા છે. રશીકભાઈએ અા પગલું શા માટે ભર્યું તે બાબતે ધોરાજીમાં અનેક તર્કવિતર્કો થઈ રહ્યા છે.

માનસિક તનાવ ભોગવતા યુવાનનો ગળાફાંસો
અમદાવાદઃ છેલ્લા ચાર વર્ષથી માનસિક તનાવ ભોગવતા એક યુવાને ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી લેતાં દાણીલીંમડા પોલીસે ગુનો દાખલ કર્યો છે. દાણીલીંમડામાં દેના બેન્કની સામે અાવેલ અાનંદ પાર્ક સોસાયટી ખાતે રહેતો મહેશ કેશવલાલ સોલંકી નામનો યુવાન છેલ્લા ચાર વર્ષથી ડિપ્રેશનમાં અાવી ગયો હતો અને માનસિક તનાવથી પીડાતો હતો. અામ અા બીમારીથી કંટાડેલા યુવાને સાંજના સુમારે પોતાના ઘરમાં જ લોખંડની ગ્રીલ સાથે દોરડું બાંધી જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે અા અંગે વધુ તપાસ હાથ ધરી છે.

ટાકીમાં પડી જતાં બાળકનું મોત
અમદાવાદઃ દાણીલીમડા વિસ્તારમાં પાણીની ટાકીમાં પડી જવાથી એક બાળકનું મોત થયું હતું. દાણીલીમડામાં ફૈઝલનગર ખાતે રહેતા દાનીશ રંગરેજનો ત્રણ વર્ષનો પુત્ર રમતાં રમતાં પાણીની ટાકીમાં પડી જતાં તેનું સારવાર દરમિયાન મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૪૭૫ દેશી દારૂ, ૧૪૨ બોટલ વિદેશી દારૂ, ૬૦ બિયરના ટીન, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. એક લાખની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧૦૫ શખસની ધરપકડ કરી છે.

સોનાનાં દોરાની ચીલઝડપ
અમદાવાદઃ એસ.જી. હાઈવે પર સેલ્બી હોસ્પિટલ નજીક સોનાનાં દોરાની ચીલઝડપનો બનાવ બન્યો હતો. દિપલબહેન શાહ નામની મહિલા એસ.જી. હાઈવે નજીક સેલ્બી હોસ્પિટલ પાસેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર અાવેલાે ગઠિયો રૂ. ૭૦ હજારની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઈ ગયો હતો.

અગમચેતીરૂપે ૪૪૦ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી અગમચેતીના પગલારૂપે ૪૪૦ ઈસમની અટકાયત કરી હતી જ્યારે નશાબંધીના ભંગ બદલ ૨૬ અને પાસા હેઠળ પાંચ શખસની ધરપકડ કરી જેલભેગા કરી દીધા છે.

સગીરાને ગઠિયા ઉઠાવી ગયા
અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાં એક સગીરાનું અપહરણ થતાં તપાસ હાથ ધરવામાં અાવી છે. સરદારનગરમાં કુબેરનગર ફાટક નજીકથી ૧૫ વર્ષની એક સગીરાને કોઈ અજાણ્યા શખસ ઉઠાવી ગયો હતો.

http://sambhaavnews.com/

You might also like