ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો માત્ર એક ક્લિક પર

યુવક-યુવતીએ નદીમાં ઝંપલાવ્યું: પરીણિતાનો ઝેર પી આપઘાત
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં આત્મહત્યાના ચાર બનાવ બન્યા છે. જેમાં એક યુવક અને યુવતીએ નદીમાં ઝંપલાવી એક પરીણિતાએ ઝેર પી લઇ અને એક આધેડે ગળેફાંસો ખાઇ લેતા પોલીસે આ અંગે આત્મહત્યાના ગુના દાખલ કર્યા છે.
આ અંગેની વિગત એવી છે કે, દરિયાપુરમાં નગીનાપોળ ખાતે રહેતી નસીમબાનુ સાકિબહુસેન પઠાણ નામની યુવતીએ ગાંધી બ્રિજ નજીક નદીમાં ઝંપલાવી જીવન ટુંકાવી નાખ્યું હતું. જ્યારે ગોતામાં વસંતવિહાર ટાઉનશિપ નજીક રહેતા મૂકેશભાઇ બચુભાઇ સોલંકી નામના યુવાને પણ ઇવેન્ટ સેન્ટર પાછળ નદીમાં ઝંપલાવી આત્મહત્યા કરી હતી.

આ ઉપરાંત કૃષ્ણનગરમાં ધારા કોલોની ખાતે રહેતી જાગ‌ૃતિબહેન પંચાલ નામની યુવતીએ તેના પતિ સાથે ઝઘડો થતાં મનમાં લાગી આવતાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી હતી તથા સૈજપુરમાં જૂની ચાલી ખાતે રહેતા ત્રિલોકભાઇ કનૈયાલાલ ગોસ્વામીએ અગમ્ય કારણસર રાત્રીના સમયે પોતાના ઘરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લેતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી છે.
પ્રેમિકાની હત્યા કર્યા બાદ પ્રેમીની પણ આત્મહત્યા
અમદાવાદ: જેતપુર ટાઉનમાં રહેતા એક યુવાને તેની પ્રેમિકાની હત્યા બાદ પોતે પણ ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લેતા આ ઘટનાએ ભારે ચકચાર જગાવી છે.

આ અંગેની વિગત એવી છે કે, જેતપુરમાં શાંતિનગર ખાતે રહેતી પરીણિત મહિલા નૈનાબહેન રૈયાણી તેના પુત્ર સાથે રાત્રીના સમયે જમીને પોતાના ઘર તરફ જઇ રહી હતી ત્યારે પાછળથી બાઇક પર આવેલા એક શખસે નૈનાબહેનના મોઢે કપડાંનો ડૂચો મારી ગળા પર છરીથી હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હત્યા કરી નાસી છૂટ્યો હતો.

પ્રાથમિક તપાસમાં આ હત્યા હરેશ ખાચરિયા નામના શખસે કરી હોવાનું અને આ શખસ નૈનાબહેનના પ્રેમમાં હોવાનું જાણવા મળ્યું છે. દરમ્યાનમાં હરેશ ખાચરિયાએ પણ પોતાના કારખાનામાં ઝેરી દવા પી લઇ આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે આ અંગે હત્યા અને આત્મહત્યાનો ગુનો દાખલ કરી બંને લાશને પીએમ માટે મોકલી આપી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પાનલ ડેમમાં ડૂબી જવાથી બે પિતરાઇ ભાઇનાં મોત
અમદાવાદ: પાનલ ડેમમાં ડૂબી જવાથી બે પિતરાઇ ભાઇઓના મોત થતાં અરેરાટી ફેલાઇ છે. પોલીસે ફાયર બ્રિગેડની મદદથી બંને લાશને બહાર કાઢી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર આ બનાવની વિગત એવી છે કે લુણાવાડા નજીક આવેલ ગુગલિયા ગામે રહેતા જશવંત રમેશભાઇ પાંડોર અને તેનો પિતરાઇ ભાઇ અજમલ જેસિંગભાઇ પાંડોર આ બંને તરુણો અન્ય તેના મિત્રો સાથે આકરી ગરમી પડતી હોઇ ઠંડક મેળવવા નજીક આવેલા પાનમ ડેમમાં નહાવા પડ્યા હતા. નહાતી વખતે રમત રમતમાં આ બંને ઊંંડા પાણીમાં સરકી જતાં બંને જણાં ડૂબી ગયા હતા. બંને ભાઈ ડૂબવા લાગતા કાંઠે ઉભેલા અન્ય લોકોએ બુમાબુમ કરી બંને બચાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ બંને ઉંડા પાણી ગરકાવ થઈ ગયા હતા. બનાવની જાણ થતાં જ તરવૈયાઓએ ડેમમાં ઝંપલાવી ભારે જહેમત બાદ લાશ બહાર કાઢી હતી. એક પરિવારના બે તરુણોનાં એક સાથે મોત થતાં ગમગીની છવાઇ હતી.

પિતાએ મોબાઇલ ન લઇ આપતાં પુત્રનો આપઘાત
અમદાવાદ: સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા અને ૧૧મા ધોરણમાં ભણતા એક વિદ્યાર્થીએ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સુરતના ગોપીપુરા વિસ્તારમાં રહેતા મૂકેશભાઇ વાલેકરના એકના એક પુત્ર અંકુરે તેના પિતા પાસે મોબાઇલ ખરીદવા માટે જીદ કરી હતી. પરંતુ પિતાએ ફોન ન લઇ આપતા મનમાં લાગી આવવાથી અંકુરે મોડી રાત્રે પોતાના ઘરમાં જ ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી હતી. એકના એક પુત્રએ આ પગલું ભરતાં પરિવાર શોકમાં ગરકાવ થઇ ગયો છે.

લેપટોપ સહિતની મતાની તફડંચી
અમદાવાદ: વટવા વિસ્તારમાં લેપટોપ સહિતની માલમતાની તફડંચી થતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. વટવામાં ભમ્મરિયા કૂવા પાસે આવેલ સ્વામિનારાયણ પાર્કના એક મકાનમાં ગઠિયાઅે ઘૂસી લેપટોપ અને સોનાના ઘરેણાં મળી રૂ.૩૦,૦૦૦ની મતાની તફડંચી કરી હતી.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૬૦૭ લિટર દેશી દારૂ, ર૬૦ બોટલ વિદેશી દારૂ, રર૮ બિયરનાં ટીન, એક કાર, એક રિક્ષા, એક બાઇક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૩૦ શખસોની ધરપકડ
કરી છે.

સાબરમતી નદીમાંથી લાશ મળી
અમદાવાદ: સાબરમતી નદીમાં સંન્યાસ આશ્રમ પાછળ રિવરફ્રંટ વોક-વે નજીકથી ૭પ વર્ષના વૃદ્ધાની લાશ મળી આવી હતી. ફાયર બ્રિગેડે લાશને પી.એમ. માટે વી.એસ. હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી. મરનાર વૃદ્ધાનું નામ-સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા મળ્યા નથી.

સરદારનગરમાં રૂ.૧.પ૦ લાખની ઘરફોડ
અમદાવાદ: સરદારનગરમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરદારનગરમાં કુબેરનગર ખાતે આવેલ આનંદપાર્ક ન્યૂ જી વોર્ડ ખાતેનાં એક મકાનમાં તસ્કરોએ ઘૂસી સોનાના ઘરેણાં અને રોકડ રકમ મળી રૂ.૧.પ૦ લાખની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like