ક્રાઇમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો માત્ર એક ક્લિક પર

બીમારીથી કંટાળેલા યુવાનનો ગળાફાંસો ખાઈ અાપઘાત
અમદાવાદઃ શહેરકોટડા વિસ્તારમાં રહેતા એક યુવાને બીમારીથી કંટાળી જઈ અાત્મહત્યા કરતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અા અંગેની વિગત એવી છે કે શહેર કોટડા વિસ્તારમાં અનિલ સ્ટાર્ચ મિલની સામે અાવેલ અશોક મિલની જૂની ચાલીમાં રહેતાે મનીષ લલ્લુભાઈ પરમાર નામનો યુવાન છેલ્લા કેટલાક વખતથી બીમાર હતો. સારવાર કરવા છતાં અારામ ન થવાના કારણે અા યુવાન કંટાળી ગયો હતો અને તેને ડિપ્રેશનમાં અાવી જઈ પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. અા ઉપરાંત ચાંદખેડા વિસ્તારમાં વિવેકાનંદનગર ખાતે અાવેલ હાઉસિંગ બોર્ડના મકાનમાં પ્રિયંકા રાજુભાઈ વાઘેલા નામની યુવતીએ પણ ગળાફાંસો ખાઈ જીવન ટંૂકાવી નાખતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ચેઈન સ્નેચર્સનો ત્રાસઃ વધુ સોનાના ત્રણ દોરા તૂટ્યા
અમદાવાદઃ શહેરમાં ચેઈન સ્નેચરનો ત્રાસ યથાવત્ રહ્યો છે. જુદા જુદા વિસ્તારમાં વધુ ત્રણ સોનાના દોરા તૂટતાં પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. ટેલાઈટમાં અાવેલ શ્રીનાથ પાર્ક સોસાયટીમાં રહેતી કલ્પનાબહેન પટેલ નામની મહિલા નહેરુનગર માણેકબાગ જવાના રસ્તા પરથી પસાર થઈ રહી હતી ત્યારે તેના ગળામાંથી ગઠિયા રૂ. ૬૦ હજારનો દોરો તોડી ફરાર થઈ ગયા હતા. જ્યારે બોડકદેવમાં લાડ સોસાયટી નજીકથી પસાર થઈ રહેલ મનુભાઈ બ્રહ્મભટ્ટ નામના વૃદ્ધના ગળામાંથી પણ રૂ. એક લાખની કિંમતનો સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. અા ઉપરાંત અસારવા વિસ્તારમાં દિવ્યાંગ પાર્ક સોસાયટીના ગેટ પાસેથી પસાર થઈ રહેલ શાંતાબહેન જૈન નામની મહિલાના ગળામાંથી ગઠિયા સોનાનાે દોરો તોડી ફરાર થઈ જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

સહકારી મંડળીના મંત્રીને અાંતરી રૂપિયા ૧૩ લાખની રકમની લૂંટ
અમદાવાદઃ ભાવનગરના મહુવા પાસે સહકારી મંડળીના મંત્રીને અાંતરી રૂ. ૧૩ લાખની રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવવામાં અાવતા પોલીસે ગુનો દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એવી છે કે મહુવા નજીક નેપ ગામે રહેતા અને એક સહકારી મંડળીના મંત્રી તરીકે ફરજ બજાવતા હિંમતભાઈ લાભશંકર ભટ્ટ મંડળીના રૂ. ૧૩ લાખની રકમ અને ચેક લઈ મહુવાની ભાવનગર ડિસ્ટ્રિક્ટ કો.ઓ. બેન્કમાં જમા કરાવવા જતા ત્યારે વાઘનગર વિસ્તારમાં બે શખસોએ બાઈક પર અાવી હિંમતભાઈને અાંતર્યા હતા અને તેમને ધક્કો દઈ નીચે પાડી દીધા હતા. અા પછી ગઠિયા રૂ. ૧૩ લાખની રકમ ભરેલા થેલાની લૂંટ ચલાવી પળવારમાં જ બાઈક પર ફરાર થઈ ગયા હતા. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઈ નાકાબંધી કરી સઘન તપાસ શરૂ કરી છે.

દેવું વધી જતાં સહાનુભૂતિ મેળવવા ભત્રીજાની હત્યા
અમદાવાદઃ રાજકોટમાં એક શખસે દેવું વધી જતાં લેણદારોની સહાનુભૂતિ મેળવવા પોતાના સગા માસૂમ ભત્રીજાની હત્યા કરતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે. અા અંગેની વિગત એવી છે કે રાજકોટના માલવિયાનગર વિસ્તારમાં રહેતા જિજ્ઞેશ હરીશભાઈ મકવાણા નામના શખસે અનેક લોકો પાસેથી ઉછીના નાણાં લીધાં હતાં. લેણદારો તેની પાસે નાણાં પરત મેળવવા કડક ઉઘરાણી કરતા હતા, પરંતુ જિજ્ઞેશ પાસે અાવકનું સાધન ન હોય તે કોઈને લીધેલી રકમ ચુકવી શક્યો ન હતો. અાથી તેણે લેણદારોની સહાનુભૂતિ મેળવવા તેના છ વર્ષની વયના સગા ભત્રીજા રોહનને મકાનની અગાસી પર લઈ જઈ ગળું દબાવી તેની હત્યા કરી હતી અને ત્યારબાદ ઘરમાં મરણનો પ્રસંગ હોય હમણાં પૈસા અાપી શકું તેમ નથી તેવું લેણદારને જણાવ્યું હતું પરંતુ રોહનની લાશ અગાસી ઉપરથી મળી અાવતાં પોલીસે તપાસના અંતે ગુનાનો પર્દાફાશ કરી અારોપીની ધરપકડ કરી છે.

ગઠિયો મોબાઈલ ઝૂંટવી ફરાર
અમદાવાદઃ માધવપુરા વિસ્તારમાં એક કિશોરના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ગઠિયો ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. માધવપુરા વિસ્તારમાં ડોલ્ફિન હેલ્થ ક્લબ નજીકથી પસાર થઈ રહેલ રચિતરામ લઢા નામનો િકશોર સ્કૂટર પર બેસી પસાર થઈ રહ્યો હતો ત્યારે ગઠિયા તેના હાથમાંથી મોબાઈલ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૩૫ લિટર દેશી દારૂ, ૭૨ બોટલ વિદેશી દારૂ, ૪૪ કોટર્સ, ૪૭ બિયરના ટીન, ત્રણ રિક્ષા, બે સ્કૂટર, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૭૫ શખસની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૩૭૨ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી અગમચેતીના પગલાંરૂપે ૩૭૨ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત દારૂ અને જુગારના ગેરકાનૂની પ્રવૃતિમાં સંડોવાયેલા ચાર શખસની પાસા હેઠળ ધરપકડ કરવામાં અાવી છે.

અાનંદનગરની દુકાનમાં ચોરી
અમદાવાદઃ અાનંદનગરમાં અાવેલી એક દુકાનમાં ચોરી થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અાનંદનગરમાં વ્રજ કોમ્પ્લેક્સ ખાતે અાવેલી એક દુકાનમાંથી કોઈ અજાણ્યા શખસે રૂ. ૪૧ હજારની રકમ અને સીસીટીવીના ડીવીઅારની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.
 
બિનવારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ સિવિલ હોસ્પિટલ કેમ્પસ નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી અાવી હતી. અા વૃદ્ધનું મોત બીમારીને કારણે થયું હોવાનું જાણવા મળે છે. મરનારનું નામ-સરનામું જાણવા મળ્યાં નથી.

http://sambhaavnews.com/

You might also like