ક્રાઇમ બ્રિફ, વાંચો માત્ર એક ક્લિક પર

બે યુવાન-એક યુવતીનો ગળાફાંસો ખાઈ અાપઘાત

અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં બે યુવાન અને એક યુવતીએ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે ચાંદખેડામાં અાઈઓસી રોડ પર અાવેલ શ્યામ બંગ્લોઝ ખાતે રહેતા સુશાંત નાણાવટી નામના યુવાનને તેના પિતાએ ફરવા માટે ગાડીની ચાવી ન અાપતાં મનમાં લાગી અાવવાથી ગળાફાંસો ખાઈ અાપઘાત કર્યો હતો. જ્યારે સરસપુરમાં અાવેલી મનોહર સોસાયટીમાં રહેતા સચીન સંજયભાઈ ભાવસારભાઈ નામના યુવાને પણ અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. અા ઉપરાંત વટવા ગામમાં અાવેલા કૃષ્ણાધામ સોસાયટીમાં રહેતી વર્ષા લલ્લાજી ઠાકોર નામની ૨૦ વર્ષની યુવતીએ બીમારીથી કંટાળી જઈ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ચાંદલોડિયા અને વટવામાં જુગારના અડ્ડા પર દરોડા

અમદાવાદઃ ચાંદલોડિયા અને વટવામાં ચાલતા જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી કુલ ૧૫ જુગારિયાઓને ઝડપી લઈ અાશરે રૂ. પોણા બે લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે અા અંગેની વિગત એ‍વી છે કે ચાંદલોડિયામાં અાવેલી ગૌતમનગર સોસાયટીના અેક મકાનમાં જુગારના અડ્ડો ચાલતો હોવાની બાતમીના અાધારે પોલીસે મોડી રાતે છાપો મારી દસ જુગારિયાઓને જુગાર રમતા રંગેહાથ ઝડપી લઈ રૂ. ૫૦ હજારની રકમ, અાઠ મોબાઈલ ફોન અને વાહનો મળી અાશરે રૂ. દોઢ લાખની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અા અંગે ગુના દાખલ કર્યા છે. વટવા જીઅાઈડીસીમાં પણ પોલીસે દરોડો પાડી પાંચ જુગારિયાઓને ઝડપી લઈ રોકડ રકમ અને જુગારનાં સાધનો સાથે રૂ. ૨૫ હજારની કિંમતનો મુદ્દામાલ કબજે કરી અા અંગે ગુના દાખલ કર્યા છે.

ભૂલથી ઝેરી દવા પી જતાં મોત
અમદાવાદઃ ચમનપુરામાં ભૂલથી ઝેરી દવા પી જતા એક કિશોરનું મોત થયું હતું. ચમનપુરામાં અાવેલી નાથાજી મંગાજીની ચાલીમાં રહેતો સચીન મૂકેશભાઈ પટણી નામનો કિશોર ભૂલથી ઝેરી દવા પી જતાં તેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

રિક્ષા પલટી ખાઈ જતાં મોત
અમદાવાદઃ વાસણા ગામમાં અાવેલી શ્રીનગર સોસાયટીમાં રહેતા કસ્તૂરભાઈ ચતુરભાઈ દંતાણી નામના અાધેડ ગઈકાલે બપોરે એક વાગે રિક્ષામાં બેસી સાણંદ ચોકડી પાસેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે રિક્ષા પલટી ખાઈ જતાં ગંભીર ઈજા થવાના કારણે તેમનું વીએસ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસ દરોડા પાડી ૩૦૦ લિટર દેશી દારૂ, ૧૩૦૦ બોટલ વિદેશી દારૂ, ૧૩૩૫ બિયરનાં ટીન, ત્રણ કાર, એક ટ્રક, એક બાઈક, રૂ. ૭૫૦૦૦ની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૯૫ શખસની ધરપકડ કરી હતી.

અગમચેતીરૂપે ૨૯૭ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી અગમચેતીનાં પગલાંરૂપે ૨૯૭ ઈસમની અટકાયત કરી તમામને લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત પાસા હેઠળ પણ એક શખસની ધરપકડ કરવામાં અાવી હતી.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઓઢવમાં કઠવાડા રોડ પર અાવેલ બસસ્ટેન્ડ પાસેથી એક સગીરાના કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી સગીરાને ઉઠાવી જતાં તપાસ શરૂ કરી છે.

http://sambhaavnews.com/

You might also like