ક્રાઇમ બ્રિફ, શહેરના ક્રાઇમ ન્યુઝ જાણો એક ક્લિક પર

કારચાલક સાથે તકરાર કરી રોકડ રકમની તફડંચી
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસેથી પસાર થઈ રહેલ એક કારચાલક સાથે તકરાર કરી ગઠિયો રૂ. ૮૦ હજારની રકમ તફડાવી ફરાર થઈ જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. અા અંગેની વિગત એવી છે કે સીટીએમ નજીક અાવેલ શ્રદ્ધા ડુપ્લેક્સ ખાતે રહેતા ભરતભાઈ વ્રજલાલ સોલઠિયા નામના અાધેડ સાંજના છ વાગ્યાના સુમારે પોતાની કાર ચલાવી રાજેન્દ્રપાર્ક ચાર રસ્તા પાસે રાજદીપપાર્ક સોસાયટી નજીકથી પસાર થઈ રહ્યા હતા ત્યારે બાઈક અને એક્ટિવા પર અાવેલા બે શખસોએ ગાડી અાંતરી ભરતભાઈ સાથે વિના કારણે ઝઘડો કરી તેમની નજર ચૂકવી કારમાંથી રૂ. ૮૦ હજારની રકમ તફડાવી લીધી હતી. અા અંગે રામોલ પોલીસે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવાને નદીમાં પડતું મૂક્યુંઃ કરંટ લાગતાં એકનું મોત
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે, જેમાં એક યુવાને નદીમાં પડતું મૂકી અાત્મહત્યા કરી હતી જ્યારે એક યુવાનને કરંટ લાગતાં મોત થયું હતું. અા અંગેની વિગત એવી છે કે સરદારનગર વિસ્તારમાં ઔડા માર્કેટની પાછળ અાવેલ સિંધી કોલોની ખાતે રહેતા નીતિન સુરેશકુમાર રાહેરા નામના ૨૦ વર્ષના યુવાને અગમ્ય કારણસર ઈન્દિરાબ્રિજ નીચે સાબરમતી નદીમાં ઝંપલાવી અાત્મહત્યા કરી હતી. અા ઉપરાંત નરોડામાં જીઅાઈડીસી ફેઝ નં.૪ નજીક ચાલતા અારસીસીના નવા રોડના કામકાજ દરમિયાન ઈલેક્ટ્રિક શોર્ટ લાગવાથી હીરાભાઈ જગેશ્વર કોળી નામના ૨૦ વર્ષના યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે.

તસ્કરોને મોકળું મેદાનઃ રોકડ અને ઘરેણાં સહિત રૂ. ૧૩ લાખની માલમતાની ચોરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ ત્રાસ વર્તાવી રોકડ રકમ અને ઘરેણાં સહિત રૂ. ૧૩ લાખની માલમતાની ચોરી કરતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. અા અંગેની વિગત એવી છે કે સેટેલાઈટમાં પ્રેરણાતીર્થ દેરાસર પાસે સગુન કોમ્પ્લેક્સની એક દુકાનમાં રૂ. ૧.૨૭ લાખની રોકડની ચોરી થઈ હતી. બાપુનગરમાં સમજુબા હોસ્પિટલ ખાતે અાવેલ ડાયમંડ સ્ક્વેરની સાઈટ પરથી રૂ. ૬૦ હજારની મતા ચોરી બે શખસ ફરાર થઈ ગયા હતા. વટવા જીઅાઈડીસીમાં અન્ટલિમિટેડ કંપનીના કમ્પાઉન્ડમાંથી રૂ. ૩ લાખની કિંમતની ૩૭ એસિડની થેલીની ચોરી થઈ હતી. ગોતામાં વિશ્વકર્મા એસ્ટેટમાં અાવેલ શ્યામ મંદિરમાંથી રૂ. દોઢ લાખની કિંમતના ચાંદીના છત્ર અને રૂ. ૫૫ હજારની ચોરી થઈ હતી. અા જ વિસ્તારમાં ચાંદલોડિયાબ્રિજ નજીકથી રિક્ષામાં પસાર થઈ રહેલ રેખાબહેન શ્રીનિવાસની નજર ચૂકવી ગઠિયાઓ સોનાનું મંગલસૂત્ર અને બે બુટ્ટી તફડાવી ફરાર થઈ ગયા હતા. અા ઉપરાંત નાના ચિલોડાના સીએનજી પેટ્રોલપંપની બાજુમાં સર્વિસ રોડ પર પાર્ક કરેલ એક ટ્રકમાંથી રૂ. ૫.૫૨ લાખની કિંમતના ૨૧૬ પ્લાસ્ટિકના દાણાની થેલીઓની ચોરી કરી તસ્કરોએ પલાયન થઈ ગયા હતા.

સરખેજમાં રોકડ અને ઘરેણાંની લૂંટ
અમદાવાદઃ સરખેજ વિસ્તારમાં રોકડ અને ઘરેણાંની લૂંટનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સરખેજમાં જિતેશ્વરી માતાજીના મંદિર પાસે રાજેશ પારેખ નામની વ્યક્તિને ધાકધમકી અાપી મૂકેશ ભરવાડ નામના શખસે સોનાના દોરા અને રોકડ રકમની લૂંટ ચલાવતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૫૫ લિટર દેશી દારૂ, ૧૦૧૦ વિદેશી દારૂ, ૬૦ બિટરનાં ટીન, બે કાર, એક રિક્ષા, એક સ્કૂટર, રૂ. ૩૦ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૬૩ ઈસમની ધરપકડ કરી છે.

અગમચેતીરૂપે ૩૬૮ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે અગમચેતીનાં પગલાંરૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૩૬૮ ઈસમની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. અા ઉપરાંત નશાબંધીના ભંગ બદલ ૨૧ શખસની અને પાસા હેઠળ બે શખસની ધરપકડ કરી હતી.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ મણિનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. મણિનગરમાં જવાહરચોક રોડ નજીક બીઅારટીએસ બસસ્ટેન્ડ પાસેથી પસાર થઈ રહેલ રમેશભાઈ કેવલાણીના ગળામાંથી રૂ. ૩૦ હજારનો સોનાનો દોરો તોડી ગઠિયા ફરાર થઈ ગયા હતા.

ટેમ્પો-રિક્ષા અને બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ નારોલ અને રામોલ વિસ્તારમાંથી ટેમ્પા-રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી ટેમ્પાની, જશોદાનગર ચોકડી પાસેથી રિક્ષાની અને સીટીએમ ચાર રસ્તા પાસેથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

બાઈક સ્લિપ થતાં કાકા-ભત્રીજાનાં મોત
અમદાવાદઃ ડીસા હાઈવે પર ખિમાણા ગામ નજીક બાઈક સ્લિપ થઈ જતાં કાકા-ભત્રીજાનાં મોત થતાં અા ઘટનાએ અરેરાટી ફેલાવી છે. ડીસા-ભીલડી રોડ પર ખિમાણા ગામ નજીકથી સાંજના સુમારે લોકાચાર પતાવી ભરતજી વાઘાજી ઠાકોર અને તેમના કાકા પરબતજી બબાજી ઠાકોર બાઈક પર પરત ફરી રહ્યા હતા ત્યારે અચાનક જ બાઈક સ્લિપ થતાં બન્ને કાકા-ભત્રીજા રોડ પર પટકાયા હતા અને માથાના ભાગે ગંભીર ઈજાઓ થતાં બન્નેના ઘટનાસ્થળે મોત થયાં હતાં. પોલીસે અા અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like