ક્રાઇંમ બ્રિફઃ શહેરના ક્રાઇમ ન્યુઝ વાંચો એક ક્લિક પર

યુવક અને યુવતીએ ગળાફાંસો ખાધો  એકનો એસિડ પી લઈ અાપઘાત
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અાત્મહત્યાના ત્રણ બનાવ બન્યા છે. જેમાં બે વ્યક્તિએ ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી જ્યારે એક યુવતીએ એસિડ પી લઈ જીવન ટૂંકાવ્યું હતું. અા અંગેની વિગત એવી છે કે બાપુનગરમાં સ્ટેડિયમ પાસે અાવેલ અાનંદ ફ્લેટ ખાતે રહેતા કમલેશ પરષોત્તમભાઈ પરમાર નામના યુવાને અગમ્ય કારણસર સાંજના સુમારે પોતાના ઘરમાં જ છતના હુકમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. જ્યારે નિકોલમાં ગંગોત્રી સર્કલ પાસે અાવેલ દેવનંદન રેસીડેન્સી ખાતે રહેતી હિરલ હરેશભાઈ ચૌહાણ નામની ૨૨ વર્ષની યુવતીએ પણ રાતના ૯ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં જ પંખા સાથે સાડી બાંધી ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોચી જઈ બંને લાશને પીએમ માટે સરકારી હોસ્પિટલ ખાતે મોકલી અાપી સઘન તપાસ શરૂ કરી છે. અાપઘાત કરવા પાછળનું ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. અા ઉપરાંત ચાંદખેડા વિસ્તારમાં તેજેન્દ્રનગર વિભાગ-૭ ખાતે રહેતી સંગીતા નિલેષભાઈ ચાવડા નામની ૨૫ વર્ષીય યુવતીએ અંગત કારણસર બપોરના સુમારે પોતાના ઘરમાં જ એસિડ પી લેતા તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં અાવી હતી. જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસને થાપ અાપી બે કેદી જેલમાંથી ફરાર
અમદાવાદઃ મહેસાણા જેલમાં સજા ભોગવતા બે કાચા કામના કેદી પોલીસને થાપ અાપી ફરાર થઈ જતાં ભારે દોડધામ મચી ગઈ હતી. અા અંગેની વિગત એવી છે કે બળાત્કારના કેસમાં સંડોવાયેલા કાચા કામના બે કેદી મહેશજી ઠાકોર અને સોનાજી ઠાકોરને મહેસાણાની જિલ્લા જેલમાં કાચા કામના કેદી તરીકે રાખવામાં અાવ્યા હતા. રવિવારે સાંજના છ વાગ્યાના સુમારે કેદીઓને જમવાનું અાપવાનું શરૂ હતું ત્યારે ફરજ પરના જેલકર્મચારીઓની અાંખમા ધૂળ નાખી અા બંને કેદી જેલના દરવાજાથી બહાર નીકળી પળવારમાં ફરાર થઈ ગયા હતા. બે કેદી જેલમાંથી નાસી છુટવાની જાણ થતાં ઉચ્ચ અધિકારીઓ પણ અાવી પહોંચ્યા હતા અને ચોતરફ નાકાબંધી કરી વાહન ચેકિંગ શરૂ કરી દીધું હતું. જો કે ફરાર કેદીઓનો કોઈ પત્તો લાગ્યો ન હતો. અા બંને કેદી એક સગીરાને ભગાડી જઈ તેના પર બળાત્કાર અાચરવાનો ગુનામાં સંડોવાયેલા હતા. લાંગણજ પોલીસે બંનેની ધરપકડ કરી જેલભેગા કર્યા હતા. અા કેસનો ચુકાદો અાવે તે પહેલાં જ બંને પોલીસને થાપ અાપી નાસી છુટ્યા છે.

બાપુનગરમાં દાઝી જતાં મહિલાનું મોત
અમદાવાદઃ બાપુનગર વિસ્તારમાં દાઝી જતાં એક મહિલાનું મોત થયું હતું. બાપુનગરમાં અાવેલી ચાંદાભાઈની ચાલીમાં રહેતી સવિતાબહેન રમણભાઈ પટણી નામની મહિલા રસોઈ બનાવતી વખતે ગંભીરપણે દાઝી જતાં તેનું મોત થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ વાડજ વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. વાડજમાં કેશવબાગ પાર્ટી પ્લોટ નજીકથી પસાર થઈ રહેલ વિદ્યાબહેન સોનીના ગળામાંથી સોનાનો દોરો તોડી ગઠિયો ફરાર થઈ ગયો હતો.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૦૮ લિટર દેશી દારૂ, ૪૧૬ બોટલ વિદેશી દારૂ, ૧૨૮ બિયરનાં ટીન, બે સ્કૂટર એક રિક્ષા, રૂ. ૯૧ હજારની રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૯૫ શખસની ધરપકડ કરી હતી. અા ઉપરાંત તકેદારીરૂપે ૧૪૧ ઈસમની અટકાયત કરી જેલભેગા કરી દીધા છે.

રિક્ષા પલટી ખાઈ જતાં મહિલાનું મોત
અમદાવાદઃ જેતલપુર રોડ પર રિક્ષા પલટી ખાઈ જતાં એક મહિલાનું મોત થયું હતું. જેતલપુર ગામના રોડ પર પાણીની કેનાલ પાસેથી પસાર થઈ રહેલ રિક્ષા પલટી ખાઈ જતાં રિક્ષામાં બેઠેલ શોભનાબહેન ચુનારા નામની મહિલાનું ગંભીર ઈજાઓ થવાથી મોત થયું હતું.

અાઈશર ટ્રક અને બોલેરોની ઉઠાંતરી
અમદાવાદઃ જુહાપુરા અને પાલડીમાંથી અાઈશર અને બોલેરો જીપની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. જુહાપુરામાં એસઓજી કચેરી પાસેથી અાઈશર ટ્રકની અને પાલડીમાં કૃપાસાગર સોસાયટી નજીકથી એક બોલેરો જીપની ઉઠાંતરી થઈ હતી.

બેગ ઝૂંટવી ગઠિયા પલાયન
અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાં ગઠિયાઓ એક યુવાનના હાથમાંથી રૂ. ૬૦ હજારની રકમ સાથેની બેગ ઝૂંટવી ફરાર થઈ ગયા હતા. સુરેશ કોડવાણી નામનો યુવાન કુબેરનગર નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે બાઈક પર અાવેલા બે ગઠિયાઓ તેના હાથમાં રકમ અને મહત્વના દસ્તાવેજો સાથેની બેગ ઝુટવી ફરાર થઈ ગયા હતા.

તસ્કરોનો તરખાટ ઘરેણા-રોકડની ચોરી
અમદાવાદઃ વટવા અને અમરાઈવાડી વિસ્તારમાં તસ્કરો ત્રાટકી રૂ. બે લાખની મતાની ચોરી કરતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. અમરાઈવાડીમાં નાગરવલ હનુમાન નજીક શ્રમજીવી વસાહત ખાતે અાવેલી એક દુકાનનું તાળું તોડી તસ્કરોએ ડીવીઅાર, ૧૩ કેમેરા, એલઈડી ટીવી અને રોકડ રકમની ચોરી કરી હતી. જ્યારે વટવામાં જૂની કોર્ટ પાસે અાવેલ તિર્થ ભુમી સોસાયટીના એક મકાનમાં તસ્કરોએ ત્રાટકી સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ રકમ મળી અાશરે રૂ. ૧.૬૦ લાખની મતાની ચોરી કરી હતી. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

http://sambhaavnews.com/

You might also like