ક્રાઇમ બ્રિફઃ જાણો માત્ર એક જ ક્લિક પર

ગોમતીપુર-બાપુનગરમાં બે યુવતીની આત્મહત્યા
અમદાવાદઃ ગોમતીપુર અને બાપુનગર વિસ્તારમાં બે યુવતીઓએ આત્મહત્યા કરતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે ગોમતીપુર વિસ્તારમાં આવેલી પઠાણની ચાલીમાં રહેતી જાનકીબહેન રામવીર પ્રજાપતિ નામની ૩પ વર્ષની યુવતીએ સાંજના સુમારે પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પી.એમ. માટે મોકલી આપી સઘન તપાસ શરૂ કરી હતી. પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. આ ઉપરાંત બાપુનગરમાં હીરાવાડી નજીક આવેલ હરિઓમ સોસાયટીમાં રહેતી અનિતા નામની યુવતીએ પ્રેમસંબંધમાં નિષ્ફળ જતાં મનમાં લાગી આવતા આત્મહત્યા કરી હતી. પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

નજર ચૂકવી રકમની તફડંચી કરનાર બે મહિલાની ધરપકડ
અમદાવાદઃ એકલ દોકલ મહિલાની નજર ચૂકવી કિંમતી માલસામાનની તફડંચી કરતી બે મહિલાની પોલીસે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગાંધીનગરના પેથાપુર ખાતે થોડા દિવસ અગાઉ એક મહિલાની નજર ચૂકવી બે મહિલાઓએ રૂ.રપ૦૦૦ની રોકડની તફડંચી કરી હતી. અમદાવાદના રહીશ જયાબા અજિતસિંહ જાડેજા ખરીદી કરવા ગયાં ત્યારે સાડીની દુકાનમાં જ બે મહિલાઓએ તેમનું પર્સ તફડાવી લીધું હતું. પોલીસે સીસીટીવી કેમેરાના ફૂટેજ લઇ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમ્યાન તફડંચી કરનાર મહિલા અમદાવાદના નરોડા વિસ્તારની કોકિલા છારા અને સૈજપુર બોઘામાં રહેતી મૃદુલા છારા હોવાનું જણાતા પોલીસે બંનેની ધરપકડ કરી રિમાન્ડ પર મેળવી છે. આ મહિલાઓની ઊલટ તપાસ દરમ્યાન તફડંચીના અનેક ગુનાના ભેદ ઉકેલાવાની શક્યતા છે.

દાઝી જતાં યુવતીનું મોત
અમદાવાદઃસાબરમતી વિસ્તારમાં દાઝી જતાં એક યુવતીનું મોત થયું હતું. સાબરમતીમાં રામનગર ખાતે આવેલ સંજીવ કૃપા એપાર્ટમેન્ટમાં રહેતી વૈશાલીબહેન કેતનભાઇ શાહનું ગેસ પર પાણી ગરમ કરતી વખતે અકસ્માતે ભડકો થતાં દાઝી જવાથી સારવાર દરમ્યાન મોત થયું હતું. પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

મણિનગરમાં ચેઇન સ્નેચિંગ
અમદાવાદઃમણિનગર વિસ્તારમાં સોનાના દોરાની ચીલ ઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. મણિનગરમાં રામકૃષ્ણ હોલ પાસેથી પસાર થઇ રહેલ ભારતીબહેન સુરેશભાઇ પટેલના ગળામાંથી રૂ.૪૦,૦૦૦નો સોનાનો દોરો તોડી ગઠિયાઓ બાઇક પર ફરાર થઇ જતા પોલીસે તપાસ હાથ ધરી છે.

રામોલમાં ઘરેણાં અને રોકડની ચોરી
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં સુરેલિયા રોડ પર આવેલ ગોકુલનગરમાં એક મકાનના તસ્કરોએ તાળાં તોડી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમની ચોરી કરતા પોલીસે તપાસ હાથ ધરી છે.

કેમેરા ઝૂંટવી લઇ બે શખસ ફરાર
અમદાવાદઃ  જૂના વાડજ ખાતે રહેતા માલવભાઇ વિપુલભાઇ મોદી જૂના વાડજ, સિંધી હાઇસ્કૂલ ચાર રસ્તા પાસેથી બાઇક પર પસાર થતા હતા ત્યારે પાછળથી બાઇક પર આવેલા બે શખસે તેમને રોકી તેમના થેલામાંથી રૂ.૯પ,૦૦૦નો કેમેરા ઝૂંટવી લઇ બંને શખસો ફરાર થઈ ગયા હતા.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃદારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૧૦ લિટર દેશી દારૂ, ૧પ૦૦ બોટલ વિદેશી દારૂ, ૧૪ર બિયરનાં ટીન, બે બાઇક, બે કાર રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૧૩ર શખસની ધરપકડ કરી હતી.

home

You might also like