ક્રાઇમ બ્રિફ, જાણો એક ક્લિક પર

બે બાઈક અથડાતાં યુવાનનું મોત, ત્રણને ગંભીર ઈજા
અમદાવાદઃ બાવળા-બગોદરા હાઈવે પર રાણેશર ગામના પાટિયા પાસે બે બાઈક જોરદાર ધડાકા સાથે સામસામે અથડાતાં એકનું મોત થયું હતું જ્યારે ત્રણ વ્યક્તિને ગંભીર ઈજાઓ પહોંચતા બાવળાની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.
અા અંગેની વિગત એવી છે કે રાણેશર ગામના રહીશ રમેશભાઈ પટેલ તેમના એક સંબંધીને લઈ બાઈક પર બાવળા જવા નીકળ્યા હતા. અા જ વખતે અા જ ગામના ભાઈલાલ સોલંકી તેમનાં પત્ની સાથે બાઈક પર પસાર થઈ રહ્યા હતા ત્યારે હાઈવે પર રાણેશર ગામના પાટિયા પાસે બંને બાઈક જોરદાર ધડાકા સાથે સામસામે અથડાતાં અા અકસ્માત સર્જાયો હતો, જેમાં રમેશભાઈનું ગંભીર ઈજા થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું જ્યારે અન્ય ત્રણને ગંભીર ઈજાઓ પહોંચી હતી. જેમાં ભાઈલાલભાઈને અમદાવાદની વીએસ હોસ્પિટલમાં ખસેડવામાં અાવ્યા છે. પોલીસે અા અંગે અકસ્માતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં તસ્કરોનો તરખાટઃ અાઠ મકાનનાં તાળાં તૂટ્યાં
અમદાવાદઃ ગાંધીનગરની જુદી જુદી સોસાયટીમાં તસ્કરોએ તરખાટ મચાવી એક જ રાતમાં અાઠ મકાનનાં તાળાં તોડતાં રહીશોમાં ગભરાટની લાગણી જન્મી છે. પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ શરૂ કરી છે. ગાંધીનગરમાં કુડાસણ અને રાદેસણ વિસ્તારમાં અાવેલી ત્રણ સોસાયટીને તસ્કરોએ ટાર્ગેટ બનાવી હતી. શિયાળાની ઠંડીના કારણે લોકો ઘરમાં ભરાઈ મીઠી ઊંઘ માણી રહ્યા હતા ત્યારે તસ્કરોએ અા તકનો લાભ લઈ સનરાઈઝ બંગલોઝ, સુયશ સ્ટેટસ અને પ્રમુખપાર્ક સોસાયટીના અાઠ જેટલા મકાનોના તાળા તોડી ઘરેણાં, રોકડ રકમ અને અન્ય માલમતાની ચોરી કરી હતી. સનરાઈઝ બંગલોઝમાં સીસીટીવી કેમેરા લાગેલા હોય અા તસ્કર ટોળકી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પોલીસે સીસીટીવીના ફૂટેજના અાધારે ગુનેગારોની સઘન શોધખોળ શરૂ કરી છે. અા ઉપરાંત પોલીસે ડોગ સ્ક્વોડની મદદથી પણ તપાસ અાદરી છે. એક સાથે અાઠ મકાનના તાળાં તૂટતાં લોકોમાં ભયની લાગણી પ્રસરી છે. ગાંધીનગરમાં તસ્કરોને મોકળું મેદાન ન મળે તે માટે પોલીસે સઘન પેટ્રોલિંગ શરૂ કર્યું છે.

રકમ અને ઘરેણાં ભરેલો થેલો ઝૂંટવી બે ગઠિયા ફરાર
અમદાવાદઃ નરોડા વિસ્તારમાં એક રાહદારીના હાથમાંથી રોકડ રકમ-ઘરેણાં ભરેલો થેલો ઝૂંટવી બે ગઠિયા ફરાર થઈ જતાં પોલીસે અા અંગે ગુનો દાખલ કર્યો છે. નરોડા વિસ્તારમાં અાવેલી પલ્લવ સોસાયટીમાં રહેતા શામળજી ચેલાજી સોની રાત્રીના સમયે પોતાની સોસાયટીના પાર્કિંગમાં વાહન પાર્ક કરતા હતા ત્યારે અચાનક જ અાવેલા બે ગઠિયા તેમના હાથમાંથી રોકડ રકમ અને ઘરેણાં ભરેલા અાશરે રૂ. ૭૦ હજારની મતા સાથેનો થેલો ઝુટવી ફરાર થઈ ગયા હતા. પોલીસે અા અંગે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧૦૦૦ લીટર દેશી દારૂ, ૪૦ બોટલ વિદેશી દારૂ, ૮૦ બિયરના ટીન, બે રિક્ષા, એક બાઈક, રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૪૦ શખસની ધરપકડ કરી હતી.

ગઠિયાે સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ કાળીગામ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. કાળીગામમાં રેલવે સ્ટેશન રહેતી ૧૪ વર્ષની એક સગીરાને મંગાજી નામનો શખસ લલચાવી-ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

નિકોલમાં તસ્કરો ત્રાટક્યા
અમદાવાદઃ નિકોલ વિસ્તારમાં તસ્કરોએ એક મકાનને ટાર્ગેટ બનાવી રૂ. ૬૫ હજારની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે. નિકોલમાં અાવેલ દેવનંદન પાર્ક સોસાયટીના એક મકાનના તાળા તોડી તસ્કરોએ રૂ. ૬૫ હજારની માલમતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

અગમચેતીરૂપે ૧૮૯ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિના જાળવવાના હેતુથી પોલીસે અગમચેતીના પગલારૂપે જુદા જુદા વિસ્તારમાંથી ૧૮૯ ઈસમોની અટકાયત કરી હતી. જ્યારે દારૂબંધીના ભંગ બદલ ૨૨ દારૂડીયાને ઝડપી લઈ લોકઅપ ભેગી કરી દઈ અા અંગે ગુના દાખલ કર્યા છે.

રિક્ષા અને બે બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાંથી રિક્ષા અને બે બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી એક રિક્ષાની, જશોદાનગર ચોકડી પાસેથી એક બાઈકની અને રામોલ બીઅારટીએસ બસસ્ટેન્ડ પાસેથી એક બાઈકની વાહનચોરોએ ઉઠાંતરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like