ક્રાઇમ બ્રિફ, જાણો માત્ર એક ક્લિક પર

યુવતીનો એસિડ પી લઈ અાપઘાત
અમદાવાદઃ કૃષણનગર વિસ્તારમાં રહેતી એક યુવતીએ એસિડ પી લઈ અાત્મહત્યા કરતા પોલીસે અા અંગે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. કૃષ્ણનગરમાં અાવેલ ભૂમિપાર્ક સોસાયટી ખાતે રહેતી સીમાદેવી રાજવીરસિંહ પરિહાર નામની ૨૬ વર્ષીય યુવતીએ અગમ્ય કારણસર પોતાના ઘરમાં જ એસિડ પી લેતાં તેને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં અાવી હતી જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. અાપઘાત કરવા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી.

રિક્ષા પલટી ખાઈ જતાં સાત મજૂરોને ગંભીર ઈજા
અમદાવાદઃ પોરબંદર-સોમનાથ હાઈવે પર મજૂરોને લઈ જતી એક રિક્ષા પલટી ખાઈ જતાં સાત મજૂરોને ગંભીર ઈજા થઈ હોવાનું જાણવા મળે છે. અા અંગેની વિગત એવી છે કે પોરબંદર-સોમનાથ હાઈવે પર અાંતરોલી નજીકથી પસાર થઈ રહેલ એક રિક્ષાની અાડે બાઈક અાવી જતાં બાઈકચાલકને બચાવવા માટે રિક્ષાચાલકે રિક્ષાને રોડની એક તરફ કરવાનું પ્રયાસ કરતાં રિક્ષા પલટી ખાઈ ગઈ હતી. રિક્ષા પલટી ખાતાં જ મજૂરોએ રડારોડ કરી મૂકી હતી. અા ઘટનામાં સાત મજૂરોને ગંભીર ઈજાઓ પહોંચતાં તમામને સોમનાથની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં અાવ્યા છે.

ઈસનપુરમાં રૂ. એક લાખની ઘરફોડ
અમદાવાદઃ ઈસનપુર વિસ્તારમાં રૂ. એક લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. ઈસનપુરમાં અાવેલી શક્તિનગર સોસાયટીમાં અાવેલાં એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ. એક લાખની કિંમતનાં સોનાનાં ઘરેણાંની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ચાંદખેડામાં પરિણીતા પર બળાત્કાર
અમદાવાદઃ ચાંદખેડાની એક પરિણીતા પર બળાત્કાર ગુજારવામાં અાવતા પોલીસે ગુનો દાખલ કર્યો છે. ચાંદખેડામાં રહેતી ૨૯ વર્ષીય એક પરિણીતા પર માધુ પ્રજાપતિ નામના એક શખસે મારી નાખવાની ધમકી અાપી બળાત્કાર ગુજારતા પોલીસે તપાસ હાથ ધરી છે.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૨૯૩ લિટર દેશી દારૂ, ૧૨૬૦ બોટલ વિદેશી દારૂ, બે કાર, એક સ્કૂટર, એક બાઈક, રૂ. ૨૦ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ગુના દાખલ કર્યા છે.

તકેદારીરૂપે ૩૬ શખસની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુસર પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી સાવચેતીના પગલાંરૂપે ૩૬ શખસની અટકાયત કરી છે. જ્યારે નશાબંધીના ભંગ બદલ ૧૪ દારૂડિયાને ઝડપી લઈ લોકઅપ ભેગી કરી દઈ અા અંગે ગુના દાખલ કર્યા છે.

રિક્ષા અને બે બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના નારોલ અને ઘોડાસર વિસ્તારમાંથી રિક્ષા અને બે બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. નારોલ સર્કલ પાસેથી એક રિક્ષાની, ઘોડાસર નિગમ બસસ્ટેન્ડ પાસેથી એક બાઈકની અને સ્મૃતિ મંદિર નજીકથી એક બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

You might also like