ક્રાઇમ બ્રિફ, જાણો લોકલ ક્રામઇ ન્યૂઝ એક ક્લિક પર

યુવાને ઝેર ગટગટાવ્યુંઃ બીજા માળેથી પટકાતાં યુવતીનું મોત
અમદાવાદઃશહેરના વિંઝોલ અને અસારવામાં અપમૃત્યુના બે બનાવ બનવા પામ્યા હતા, જેમાં એક યુવાને ઝેરી દવા પી જિંદગીનો અંત આણ્યો હતો. જ્યારે મકાનના બીજા માળેથી પટકાતાં એક યુવતીનું મોત થયું હતું. પોલીસે આ અંગે ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે વિંઝોલમાં વિનોબાભાવેનગર ખાતે રહેતા રાજેશ પરમશિવમ મુદ‌િલયાર નામના ર૬ વર્ષીય યુવાને સાંજના ૭-૦૦ વાગ્યાના સુમારે પોતાના ઘરમાં ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં એલજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જ્યાં સારવાર દરમિયાન તેનું મોત થયું હતું. પોલીસે તાત્કાલિક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી સઘન તપાસ શરૂ કરી છે, પરંતુ આપઘાત કરવા પાછળનું કોઇ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. મળતી માહિતી પ્રમાણે આત્મહત્યા કરનાર યુવાન છેલ્લા કેટલાક વખતથી ડિપ્રેશનમાં હતો અને કોઈ સાથે વાતચીત કરતો ન હતો. ડિપ્રેશનના કારણે તેને આ પગલું ભર્યું હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે.
અસારવામાં સિવિલ ગવર્નમેન્ટ બી કોલોની ખાતે રહેતી નીલમબહેન જિતેન્દ્રભાઇ ચૌહાણ નામની ર૭ વર્ષીય યુવતીનું પોતાના મકાનના બીજા માળેથી અકસ્માતે નીચે પટકાતાં ગંભીર ઇજાઓ થવાના કારણે તેનું મોત થયું હતું. પોલીસે લાશની પીએમ માટે મોકલી આપી હતી.

નોબલનગર, બાપુનગર અને ઘોડાસરમાં ચેઇન સ્નેચિંગ
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપના ત્રણ બનાવ બનતાં પોલીસે ગુના દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે નોબલનગરમાં રહેતી રાજેશ્વરીબહેન જયેન્દ્રસિંહ રાઠોડ નામની યુવતી આ વિસ્તારમાં ઘનશ્યામનગર બસસ્ટેન્ડ પાસેથી રાતના ૮-૦૦ વાગ્યાના સુમારે પસાર થઇ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઇક પર આવેલા ગઠિયા તેના ગળામાંથી રૂ.૪૦,૦૦૦ની કિંમતનો સોનાનો દોરો તોડી ફરાર થઇ ગયા હતા.

બાપુનગરમાં પ્રભુવીર સોસાયટી પાસેથી પસાર થઇ રહેલ મનીષાબહેન નીમેેષભાઇ ખંડેલવાલના ગળામાંથી પણ સોનાના દોરાની ચીલઝડપ થઇ હતી. ઘોડાસરમાં કે‌િડલાબ્રિજ નજીક આવેલ રાધિકા બંગલોઝ નજીકથી પસાર થઇ રહેલ વિનોદભાઇ ગજ્જરની પત્નીને પણ ચેઇન સ્નેચરોએ ટાર્ગેટ બનાવી રૂ.૪પ,૦૦૦ની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી હતી.
આ ઉપરાંત કાળી ગામ રેલવે સ્ટેશન પાસેથી પસાર થયેલ સવિતાબહેન ઠાકોરના ગળામાંથી પણ સોનાનો દોરો તોડી બે ગઠિયા ગાંધીનગર તરફ ફરાર થઈ ગયા હતા.

દરબારો અને ભરવાડો વચ્ચે જોરદાર ધીંગાણુંઃ અનેકને ઈજાઃ બે ગંભીર
અમદાવાદઃ સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીના મેઇન બજારમાં ભરબપોરે દરબારો અને ભરવાડો વચ્ચે જોરદાર ધીંગાણું થતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. બંને જૂથોએ આમનેસામને આવી જઇ હુમલા કરતાં અનેકને નાની-મોટી ઇજા થવા પામી હતી, જેમાંથી બેની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળે છે.
લીંબડી ટાઉનમાં છેલ્લાં કેટલાંક વર્ષથી દરબારો અને ભરવાડો વચ્ચે અદાવત ચાલી રહી છે અને અવારનવાર ઝઘડા પણ થાય છે. લીંબડીના મેઇન બજાર એ.ડી. જાની રોડ પર આવેલી એક ગાયનેક હોસ્પિટલમાં નોકરી કરતા વીરાભાઇ જોગરાણા તેની શેરીના નાકે પાણીની મોટર ચાલુ કરી પાણી ભરતા હતા ત્યારે કેટલાક દરબારોએ આવી મોટર ચાલુ કેમ કરી છે તેવુંં કહેતાં ઉગ્ર બોલાચાલી થઇ હતી. દરમિયાનમાં જોતજોતામાં જ બંને કોમનાં ટોળાંઓએ આમનેસામને આવી જઇ એકબીજા પર લાકડીઓ, ધોકાથી હુમલો કરી પથ્થરમારો કરતાં ભારે નાસભાગ મચી ગઇ હતી અને લીંબડીમાં સોપો પડી ગયો હતો. આ બનાવમાં વિનુભાઇ ભરવાડ અને વીરાભાઇ જોગરાણાને ગંભીર ઇજાઓ પહોંચતાં બંનેને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસે તાત્કાલિક પહોંચી જઇ બળનો ઉપયોગ કરી ટોળાને વિખેરી નાખી મામલો કાબૂમાં લીધો હતો.

વાહન અકસ્માતોમાં એક મહિલા સહિત ચારનાં મોતઃ ત્રણ ગંભીર
અમદાવાદઃ રાજ્યના જુદા જુદા હાઇવે પર બનેલા માર્ગ અકસ્માતના બનાવોમાં એક મહિલા સહિત ચાર વ્યકિતનાં મોત થયાં હતાં. જ્યારે ત્રણને ગંભીર ઇજાઓ પહોંચી હતી. પોલીસે આ અંગે અકસ્માતે મોતના ગુના દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે અબડાસા તાલુકાના તલાટી દશરથભાઇ મારવાડા કારમાં તેમના પરિવાર સાથે સફેદ રણ જોવા જઇ રહ્યા હતા ત્યારે કાર પલટી ખાઇ જતાં સર્જાયેલા અકસ્માતમાં તલાટીનાં પત્ની મીનાબહેનનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતંુ. જ્યારે ત્રણ વ્યકિતને ઇજા પહોંચી હતી. જ્યારે અમરેલી-‌િલ‌િલયા રોડ પરથી પુરઝડપે પસાર થઇ રહેલી એક કારની અડફેટે આવી જતાં જનક કાનજી મોરવાડિયા નામના યુવાનનું ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે મોત થયું હતું.
આ ઉપરાંત લીંબડી-ચોટીલા રોડ પરથી પગપાળા ચોટીલા માતાજીનાં દર્શને જઇ રહેલા પદયાત્રી શાંતિલાલ પરસોત્તમભાઇ રાજપૂત નામના આધેડ ટ્રકની અડફેટે આવી જતાં તેમનું મોત થયું હતું તેમજ જામનગર-ખંભાળિયા રોડ પર ચાર રસ્તા પાસે દ્વારકા પગપાળા જઇ રહેલા શાંતિલાલ કેશવજી વાઘેલા નામના આધેેડ કારની અડફેટે આવી જતાં તેમનું પણ ગંભીર ઇજાઓ થવાના કારણે ઘટનાસ્થળે જ મોત થયું હતું.

તસ્કરોનો તરખાટઃ રૂ.૧૦ લાખની માલમતા ચોરાઇ
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં તસ્કરોએ તરખાટ મચાવી આશરે રૂ.૧૦ લાખની કિંમતની માલમતાની ચોરી કરતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. મકરબા વિસ્તારમાં હૈદરી ફલેટની બાજુમાં આવેલ અલ અસબાબ પાર્કના એક મકાનનાં દરવાજાનાં તાળાં તોડી તસ્કરોએ મકાનમાં ઘૂસી સોના ચાંદીના ઘરેણાં, મોબાઇલ ફોન અને રોકડ રકમ મળી આશરે રૂ.બે લાખની મતાની ચોરી કરી હતી. જ્યારે કુબેરનગરમાં આવેલ જી વોર્ડના એક મકાનનાં તાળાં તોડી તસ્કરોએ રૂ.પોણા લાખની કિંમતનાં સોનાનાં ઘરેણાંની ચોરી કરી હતી. આ ઉપરાંત ઓઢવમાં રિંગરોડ પર તક્ષશીલા મોલ સામે આવેલ અમરનાથ વિલાના એક મકાનને તસ્કરોએ ટાર્ગેટ બનાવી મકાનના દરવાજાના નકૂચા તોડી રોકડ રકમ અને ચાંદીની ચીજ વસ્તુઓ મળી આશરે રૂ. સાત લાખની મતાની ચોરી કરતાં પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

You might also like