ક્રાઇમ બ્રીફ, જાણો માત્ર એક ક્લિક પર

વધુ ત્રણ મહિલાઓએ સોનાના દોરા ગુમાવ્યા
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં છેલ્લા કેટલાક વખતથી ચેઈન સ્નેચરોએ ભારે ત્રાસ વર્તાવ્યો છે. શહેરના વસ્ત્રાપુર, મણિનગર અને ઘોડાસરમાં વધુ ત્રણ મહિલાઓ ચેઈન સ્નેચિંગનો ભોગ બનતાં મહિલાઓમાં ફફડાટની લાગણી જન્મી છે.
ઘાટલોડિયામાં ચાણક્યપુરી સાયોનાસિટી વિભાગ-૩માં રહેતી કવિતાબહેન રજનીકાંત મેર નામની મહિલા સુરધારા સર્કલ નજીકથી એક્ટિવા પર પસાર થઈ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઈક પર અાવેલા ગઠિયા અા મહિલાના ગળામાંથી સોનાનું મંગળસૂત્ર તફડાવી ફરાર થઈ ગયા હતા. જ્યારે વટવામાં ઘોડાસર કેનાલ પાસેથી પસાર થયેલ અમીબહેન પટેલના ગળામાંથી પણ રૂ. ૨૦ હજારની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ થઈ હતી. અા ઉપરાંત મણિનગરમાં અાવેલ ચંદ્રમ‌િણ એપાર્ટમેન્ટમાં રહેતી દીપાલી મનીષભાઈ જૈન નામની યુવતી એલજી ગ્રાઉન્ડ સામેથી પસાર થઈ રહી હતી ત્યારે બાઈક પર અાવેલો ગઠિયો અા યુવતીના ગળામાંથી સોનાનો દોરો તોડી ફરાર થઈ જતાં પોલીસે અા અંગે ગુના દાખલ કર્યા છે.

કામ ધંધો ન મળતાં બેકાર યુવાનની અાત્મહત્યા
અમદાવાદઃ શહેરકોટડા વિસ્તારના પ્રેમનગરમાં રહેતા એક યુવાને બેકારીથી કંટાળી જઈ ઝેરી દવા પી લઈ જીવન ટૂંકાવી નાખતાં પોલીસે અાપઘાતનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. અા અંગેની વિગત એ‍વી છે કે શહેરકોટડામાં અાંબેડકરનગરના પ્રેમનગર લાઈન નં.૧ની સામે ૧૦ નંબરની ગલીમાં રહેતા ભરત પરષોત્તમભાઈ વાઘેલા નામના ૨૯ વર્ષના યુવાને પોતાના ઘરમાં જ મોડી રાતે ઝેરી દવા પી લઈ અાત્મહત્યા કરી હતી. બનાવની જાણ થતાં પોલીસે તાત્કા‌લિક પહોંચી જઈ લાશને પીએમ માટે મોકલી અાપી અાત્મહત્યા કરનાર યુવાનના ઘરના સભ્યો તેમજ અાજુબાજુના લોકોના નિવેદનો લઈ પૂછપરછ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન અા યુવાન છેલ્લા ઘણા સમયથી કામધંધો ન મળતાં બેકારી અનુભવી રહ્યો હતો. જેથી હતાશ થઈ તેને અા અંતિમ પગલું ભર્યું હોવાનું જાણવા મળે છે.

કોલેજિયન યુવાનનો ઝેરી દવા પી અાપઘાત
અમદાવાદઃ પા‌િલતાણા નજીક અાવેલા કુંભર ગામે રહેતા એક કોલેજિયન યુવાને અગમ્ય કારણસર ઝેરી દવા પી લઈ અાપઘાત કર્યો હતો. અા અંગેની વિગત એવી છે કે પા‌િલતાણા નજીક અાવેલા કુંભર ગામે રહેતો પાર્થ મકવાણા ઉં.વ.૨૦ કોલેજના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો હતો. દરમિયાનમાં કોઈ અકળ કારણસર પાર્થ મકવાણાએ પોતાના ઘરમાં જ મોડી રાતે ઝેરી દવા પી લેતાં તેને ગંભીર હાલતમાં સિહોરની હોસ્પિટલ ખાતે લઈ જવાયો હતો, પરંતુ સારવાર મળતાં પહેલાં જ તેનું મોત થયું હતું. પોલીસે અા અંગે અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

વિદેશી દારૂ-બિયરનો જથ્થો ઝડપાયો
અમદાવાદઃ શહેરમાં ચાલતા દારૂના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૪૫૦ વિદેશી દારૂની બોટલ, ૧૨૦ બિયરનાં ટીન, ૧૧૨ ‌િલટર દેશી દારૂ, એક કાર એક બાઈક, રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૨૯ શખસની ધરપકડ કરી છે.

રામોલમાંથી સગીરાનું અપહરણ
અમદાવાદઃ રામોલ વિસ્તારમાં રહેતી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. રામોલમાં જામફળવાળી નજીક અાવેલી વૃંદાવન સોસાયટીમાં રહેતી એક સગીરાને સરજુ યાદવ નામનો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે શોધખોળ શરૂ કરી છે.

અગમચેતીરૂપે ૧૧૦ ઈસમની અટકાયત
અમદાવાદઃ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જાળવવાના હેતુથી પોલીસે જુદા જુદા વિસ્તારમાંથી અગમચેતીના પગલારૂપે ૧૧૦ ઈસમોની અટકાયત કરી હતી. અા ઉપરાંત દારૂ અને જુગારની ગેરકાનૂની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખસોને પાસા હેઠળ પકડી જેલભેગા કરી દેવાયા છે.

બે રિક્ષા-બે બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના કાલુપુર અને સારંગપુર વિસ્તારમાંથી બે રિક્ષા અને બે બાઈકની ઉઠાંતરી થતાં પોલીસે ગુના દાખલ કર્યા છે. કાલુપુર અાશીર્વાદ માર્કેટ પાસેથી એક રિક્ષાની, મ્યુનિ. બસસ્ટેન્ડ પાસેથી એક રિક્ષાની, ન્યુ ક્લોથ માર્કેટ પાસેથી એક બાઈકની અને ગીતામંદિર નજીકથી એક બાઈકની ઉઠાંતરી થઈ હતી.

નાસતો-ફરતો ગુનેગાર ઝડપાયો
અમદાવાદઃ ઘરફોડ અને વાહનચોરીના ગુનામાં સંડોવાયેલા અને છેલ્લા કેટલાક વખતથી નાસતા ફરતા રીઢા ગુનેગાર સંદીપ મરાઠીને પોલીસે ધોળકા રોડ પરથી ઝડપી લીધો હતો. અા શખસે શહેરના જુદા જુદા વિસ્તારમાં વાહનચોરી અને ઘરફોડ ચોરી પાંચ જેટલા ગુના અાચર્યા હોવાનું જાણવા મળે છે.

You might also like