ક્રાઇમ બ્રિફ જાણો બસ એક ક્લિક પર

વીજ કરંટ લાગતાં અને વાહનની અડફેટે આવી જતાં બેનાં મોત
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં અપમૃત્યુના બે બનાવ બન્યા છે. જેમાં એકનું વીજ કરંટ લાગતાં જ્યારે એકનું અજાણ્યા વાહનની અડફેટે આવી જતાં મોત થતાં પોલીસે આ અંગે ગુના દાખલ કરી તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે નરોડા રોડ પર ઓમનગર ક્રોસિંગ પાસે આવેલ વિજય મિલ કવાર્ટર્સમાં રહેતા ગોવિંદભાઇ સુખાભાઇ વાઘેલાનું પરિમલ ગાર્ડન પાસે આવેલ એક બિલ્ડિંગમાં વીજ કરંટ લાગતાં ઘટનાસ્થળે મોત થયું હતું. આ ઉપરાંત નારણપુરા વિસ્તારમાં શાસ્ત્રીનગર નજીક રહેતા કનુભાઇ સેંધાભાઇ લીંબાચિયા સાંજના પ-૦૦ વાગ્યાના સુમારે સૌરભ ચાર રસ્તા અમૂલ ડેરી નજીકથી સ્કૂટી પર પસાર થઇ રહ્યા હતા ત્યારે પાછળના ભાગેથી પૂરઝડપે આવી રહેલા કોઇ અજાણ્યા વાહનચાલકે સ્કૂટીને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતાં કનુભાઇને ગંભીર ઇજાઅો પહોંચી હતી. કનુભાઇને તાત્કાલિક સારવાર માટે વીએસ હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત થયું હતું. પોલીસે વાહનચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.

બે યુવાનને માર મારી લૂંટી લેનાર ચાર શખસ ઝડપાયા
અમદાવાદઃ સરદારનગર વિસ્તારમાં નાના ચિલોડા નજીક રિક્ષામાં બેઠેલ એક યુવાનને રિક્ષા ચાલક અને તેના મળતિયાઓએ ઢોર માર મારી લૂંટી લેતાં પોલીસે લૂંટનો ગુનો દાખલ કરી ત્વરિત તપાસ શરૂ કરી ચાર આરોપીઓને ઝડપી લીધા હતા. થલતેજમાં ગુરુદ્વારા નજીક આવેલ વેસ્ટર્ન પાર્ક એપાર્ટમેન્ટમાં રહેતો ગૌરવ વિનોદભાઇ ભારદ્વાજ નામનો યુવાન તેના મિત્ર અમિત સાથે ‌નરોડા પાટિયાથી શટલ રિક્ષામાં બેસી નાના ચિલોડા તરફ જઇ રહ્યો હતો ત્યારે રિક્ષા ચાલક અને રિક્ષામાં અગાઉથી બેઠેલ તેના મળતિયાઓ રિક્ષા કુબેરનગર રેલવે ક્રોસિંગ પાસેથી અંધારી ગલીમાં હંકારી ગયા હતા અને ગૌરવ અને અમિતને ઢોર માર મારી રૂ.૭૬,૦૦૦નાં ઘરેણાં, મોબાઇલ ફોન અને ઘડિયાળ લૂંટી લઇ આ શખસો ફરાર થઇ ગયા હતા. પોલીસને જાણ થતાં ત્વરિત તપાસ કરી રિતેશ ગારંગે, સની રાઠોડ, રવિ બજરંગે અને બોબી નામના ચાર શખસને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રૂ.૧.૭પ લાખનાં ઘરેણાંની ચોરી
અમદાવાદઃ સોલા વિસ્તારમાં ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોલા વિસ્તારમાં હાઇકોર્ટ પાછળ આવેલ રત્નસાગર વિભાગ-રના એક બંગલામાં તસ્કરોએ ઘૂસી સોના-ચાંદીનાં ઘરેણાં અને રોકડ મળી રૂ.૧.૭પ લાખની મતાની ચોરી કરી હતી.

સોનાના દોરાની ચીલઝડપ
અમદાવાદઃ  આંબલી વિસ્તારમાં સોનાના દોરાની ચીલઝડપનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. આંબલીથી ઇસ્કોન જવાના રસ્તા પરથી પસાર થઇ રહેલ મહેન્દ્રભાઇ પરિહરની પત્ની એક્ટિવા પર પસાર થઇ રહી હતી ત્યારે પાછળના ભાગેથી બાઇક પર આવેલા બે ગઠિયા રૂ.૮૦,૦૦૦ની કિંમતના સોનાના દોરાની ચીલઝડપ કરી ભાગી ગયા હતા.

દેશી-વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં દારૂ-જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૧પપ લિટર દેશી દારૂ, ૬૦ બોટલ વિદેશી દારૂ, ૩૦૩ બિયરનાં ટીન, બે કાર, એક બાઇક, રૂ.૪૦,૦૦૦ની રોકડ રકમ અને જુગારનાં સાધનો કબજે કરી ૬૪ શખ્સની ધરપકડ કરી છે.

તકેદારીરૂપે ર૧પની અટકાયત
અમદાવાદઃ કાયદો અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે શહેર પોલીસે શહેરના જુદા જુદા વિસ્તારમાં તકેદારીનાં પગલાંરૂપે ર૧પ શખ્સની અટકાયત કરી લોકઅપ ભેગા કરી દીધા છે. આ ઉપરાંત પોલીસે દારૂ-જુગાર સહિતની પ્રવૃત્તિમાં સંડોવાયેલા બે શખ્સની પાસા હેઠળ ધરપકડ કરી જેલમાં મોકલી આપ્યા છે.

સિવિલ નજીકથી વૃદ્ધની લાશ મળી
અમદાવાદ ઃ સિવિલ હોસ્પિટલ નજીકથી એક વૃદ્ધની લાશ મળી આવતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સિવિલ હોસ્પિટલ નજીકની ફૂટપાથ પર એક વૃદ્ધની લાશ પડી હોવાની જાણ થતાં પોલીસે તાત્કાલિક પહોંચી જઇ જરૂરી કાર્યવાહી શરૂ કરી હતી.

You might also like