ક્રાઇમ બ્રિફ: એક જ CLICKમાં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

બીમારીથી કંટાળેલા અાધેડે મકાનના ચોથા માળેથી ઝંપલાવ્યું
અમદાવાદ: વસ્ત્રાલ વિસ્તારમાં રહેતા એક અાધેડે બીમારીથી કંટાળી જઈ ચોથા માળેથી પડતું મૂકી અાત્મહત્યા કરી હતી.
અા અંગેની વિગત એવી છે કે વસ્ત્રાલમાં કેશવ હાઈટ્સ ખાતે રહેતા અરવિંદભાઈ કાંતિભાઈ પટેલ નામના અાધેડે બીમારીથી કંટાળી જઈ પોતાના મકાનના ચોથા માળેથી પડતું મૂકતાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. જ્યારે સાબરમતીમાં ડી-કેબિન ખાતે અાવેલ કાલિંદી એપાર્ટમેન્ટમાં રહેતા દિવ્યેશ ગિરિશભાઈ સોલંકી નામના ૨૩ વર્ષના યુવાને અગમ્ય કારણોસર પોતાના ઘરમાં જ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી નાખ્યું હતું. અા ઉપરાંત વાસણામાં બેરેજ રોડ પર અાવેલા શ્રીરામ પાર્ક ખાતે રહેતા સુનીલભાઈ મહેન્દ્રભાઈ પાઠક નામના અાધેડે પણ અંગત કારણોસર ગળાફાંસો ખાઈ અાત્મહત્યા કરી હતી. પોલીસે અા અંગે ગુના દાખલ કરી અાગળની કાર્યવાહી હાથ ધરી છે.

ટેમ્પો પાછળ કાર ઘૂસી જતાં બેનાં મોતઃ બેને ગંભીર ઈજા
અમદાવાદ: ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે બંધ પડેલ ટેમ્પા પાછળ કાર ઘૂસી જતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

આ અંગેની વિગત એવી છે કે, ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામના રહીશ મુસ્તુફા નિઝામખા પઠાણ, અમીન કાસમ રાજ અને વિજય વાસાવા નામનો મજૂર ટેમ્પોમાં ભરૂચથી ટાઇલ્સ ભરીને નીકળ્યા હતા. દરમ્યાનમાં લુવારા ગામ પાસે ટેમ્પોના ટાયરમાં પંકચર પડતાં ટેમ્પોને રોડની અેક તરફ ઊભો રાખી મુસ્તુફા અને અમીન ટાયર બદલતા હતા ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે આવેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ટેમ્પોની પાછળ ઘૂૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીન અને મુસ્તુફાનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બેને ઇજા થઇ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

વટવામાં બે મકાનોનાં તાળાં તૂટ્યાં
અમદાવાદઃ વટવા વિસ્તારમાં તસ્કરોએ બે મકાનનાં તાળાં તોડી અાશરે રૂપિયા એક લાખની મતાની ચોરી કરી હતી. વટવામાં અાવેલ વાટિકા ફ્લેટનાં બે મકાનમાં તસ્કરોએ ઘૂસી ઘરેણાં અને રોકડ રકમ મળી રૂપિયા એક લાખની મતાની ચોરી કરતાં પોલીસે તપાસ હાથ ધરી છે.

કારની અડફેટે બાળકનું મોત
અમદાવાદઃ જુહાપુરા વિસ્તારમાં અંબર ટાવર નજીક કારની અડફેટે અાવી જતાં એક બાળકનું મોત થયું હતું. અંબર ટાવર પાસે અાવેલ અલ-શફા ડુપ્લેક્સમાં રહેતા મોહમ્મદ અારિસ ચેવાનનો દોઢ વર્ષનો પુત્ર ઘર પાસે રમી રહ્યો હતો ત્યારે એક કારની અડફેટે અાવી જતાં તેનું મોત થયું હતું.

દેશી અને વિદેશી દારૂનો જથ્થો કબજે
અમદાવાદઃ શહેરના જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ અને જુગારના અડ્ડા પર પોલીસે દરોડા પાડી ૩૪૦ લિટર દેશી દારૂ, ૧૫૭ બોટલ વિદેશી દારૂ, ૪૭ બિયરનાં ટીન, એક એક્ટિવા, એક બાઈક, રૂપિયા ૨૦ હજારની રોકડ રકમ અને જુગારના સાધનો કબજે કરી ૮૧ શખસની ધરપકડ કરી છે.

ઓઢવની સગીરાનું અપહરણ
અમદાવાદઃ ઓઢવ વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. ઓઢવમાં કઠવાડા રોડ પર બસસ્ટેન્ડ નજીક રહેતી ૧૫ વર્ષની એક સગીરાને કોઈ અજાણ્યો શખસ લલચાવી ફોસલાવી ઉઠાવી જતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે.

બે રિક્ષા અને એક બાઈકની ઉઠાંતરી
અમદાવાદઃ શાહીબાગ અને સરદારનગર વિસ્તારમાંથી બે રિક્ષા અને બાઈકની ઉઠાંતરી થઈ હતી. શાહીબાગમાં સિવિલ હોસ્પિટલ નજીકથી એક રિક્ષાની, અસારવા ચકલા પાસેથી એક રિક્ષાની અને સરદારનગરમાં કુબેરનગર ફાટક પાસેથી એક બાઈકની ઉઠાંતરી થતાં તપાસ હાથ ધરવામાં અાવી છે.

 

You might also like