ક્રાઇમ બ્રિફ: એક જ CLICKમાં વાંચો શહેરના ક્રાઇમ ન્યૂઝ

બે યુવાનો અને એક યુવતીનો ગળેફાંસો ખાઇ આપઘાત
અમદાવાદ: શહેરના જુદા જુદા વિસ્તારમાં બે યુવાનો અને એક યુવતીએ ગળાફાંસો ખાઇ આત્મહત્યા કરતા પોલીસે આ અંગે ગુના દાખલ કરી સઘન તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ચાંદખેડા વિસ્તારમાં જનતાનગર ગેઇટની સામે આવેલ કલ્પનાનગર ખાતે રહેતા નાગેન્દ્ર પ્રતાપસિંહ ચૌહાણ નામના ૩૬ વર્ષના યુવાને અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઇ જીવન ટૂંકાવી નાખ્યું હતું. જ્યારે નિકોલમાં મંગલ પાંડે હોલની સામે આવેલ ઇન્દિરાનગર ખાતે રહેતા બળદેવ રમણભાઇ પટ્ટણી નામના યુવાને અંગત કારણોસર પોતાના ઘરમાં સાંજના સુમારે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ ઉપરાંત ખોખરામાં આવેલી કૃષ્ણની ચાલીમાં રહેતી દીપાબહેન ખુશીકાંતભાઇ દેશભતાર નામની ર૭ વર્ષની યુવતીએ મોડીરાત્રે અગમ્યકારણોસર ગળેફાંસો ખાઇ આત્મહત્યા કરી હતી. પોલીસે ત્રણેય લાશને પીએમ માટે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

સિવિલ હોસ્પિટલ નજીક હિટ એન્ડ રનઃ આધેડનું મોત
અમદાવાદ: શાહીબાગ વિસ્તારમાં સિવિલ હોસ્પિટલ નજીક બનેલા હિટ એન્ડ રનના બનાવમાં એક આધેડનું મોત થયું હતું. પોલીસે આ અંગે ગુનો દાખલ કરી અકસ્માત સર્જી નાસી છૂટેલ કારચાલકની સઘન શોધખોળ શરૂ કરી છે.
શાહીબાગમાં અસારવા ખાતે મોહન સિનેમા સામે આવેલ પારસીની ચાલી ખાતે રહેતા લાધુભાઇ વર્મા નામના ૬૦ વર્ષના આધેડ વહેલી સવારે સિવિલ હોસ્પિટલ સામે આવેલ રાધે ડેરી નજીકથી રોડ ક્રોસ કરતા હતા ત્યારે આ રોડ પરથી પુરઝડપે પસાર થઇ રહેલી કારે લાધુભાઇને અડફેટે લઇ જોરદાર ટક્કર મારતા ગંભીર ઇજા થવાના કારણે લાધુભાઇનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જી કારચાલક નાસી છૂટ્યો હતો. બનાવની જાણ થતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ લાશને પીએમ માટે મોકલી આપી હતી. અકસ્માત સર્જી નાસી છૂટેલા કારચાલક વિરુદ્ધ પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

ટેમ્પો પાછળ કાર ઘૂસી જતાં બેનાં મોતઃ બેને ગંભીર ઇજા
અમદાવાદ: ભરૂચ નેશનલ હાઇવે પર લુવારા ગામ પાસે બંધ પડેલ ટેમ્પા પાછળ કાર ઘૂસી જતાં બે વ્યક્તિના ઘટનાસ્થળે જ મોત થયાં હતાં. જ્યારે બેને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે ખસેડાયા હતા. પોલીસે આ અંગે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ભરૂચના આમોદ તાલુકાના ઇખર ગામના રહીશ મુસ્તુફા નિઝામખા પઠાણ, અમીન કાસમ રાજ અને વિજય વાસાવા નામનો મજૂર ટેમ્પોમાં ભરૂચથી ટાઇલ્સ ભરીને નીકળ્યા હતા. દરમ્યાનમાં લુવારા ગામ પાસે ટેમ્પોના ટાયરમાં પંકચર પડતા ટેમ્પોને રોડની અેક તરફ ઊભો રાખી મુસ્તુફા અને અમીન ટાયર બદલતા હતા ત્યારે પાછળના ભાગેથી પુરઝડપે આવેલી કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવ્યો હતો અને કાર ટેમ્પોની પાછળ ઘૂૂસી જતા અકસ્માત સર્જાયો હતો. જેમાં અમીન અને મુસ્તુફાનું ગંભીર ઇજા થવાથી ઘટનાસ્થળે જ મોત થયું હતું જ્યારે અન્ય બેને ઇજા થઇ હતી. પોલીસે આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.

પત્ની સાથે આડા સંબંધની શંકાએ યુવકની હત્યા
અમદાવાદ: ગાંધીનગર નજીક આવેલા શાહપુરમાં પત્ની સાથેના આડાસંબંધના કારણે યુવકને ઘરે બોલાવી મોતને ઘાટ ઉતારવામાં આવતા પોલીસે ખુનનો ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.
આ અંગેની વિગત એવી છે કે, ગાંધીનગર નજીક આવેલા શાહપુર ગામના પરાવાસ નજીક એક યુવાનની લોહીલુહાણ હાલતમાં લાશ મળી આવતા પોલીસે તાત્કાલીક પહોંચી જઇ તપાસ શરૂ કરી હતી. તપાસ દરમ્યાન આ લાશ ગોવિંદજી વિષ્ણુજી ઠાકોરની હોવાનું જાણવા મળ્યું હતું. ગોવિંદજીના માથા અને ગળાના ભાગે તિક્ષ્ણ હથીયારથી હુમલો કરી તેને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો હતો. તપાસમાં એવું પણ જાણવા મળ્યું હતું કે પત્ની સાથેના આ યુવકના આડા સંબંધના કારણે ઉશ્કેરાયેલા પતિએ તથા તેના મોટાભાઇએ વાતચીત કરવા ગોવિંદજીને ઘેર બોલાવી તેના પર હુમલો કરી હત્યા કરી નાખી હતી. પોલીસે અમરાજી ઠાકોર અને તેના ભાઇ દશરથ ઠાકોર સામે ખુનનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

બે રિક્ષા, ટેમ્પો-બાઇકની ઉઠાંતરી
અમદાવાદઃ શહેરના જુદા જુદાં વિસ્તારમાંથી બે રિક્ષા, ટેમ્પો અને બાઇકની ઉઠાંતરી થઇ હતી. સીટીએમ ચાર રસ્તા પાસેથી રિક્ષાની, હરદાસનગર બસસ્ટેન્ડ પાસેથી રિક્ષાની, નારોલ સર્કલ પાસેથી ટેમ્પોની અને જશોદાનગર ચોકડી પાસેથી બાઇકની ઉઠાંતરી થતા પોલીસે તપાસ હાથ ધરી છે.

ગઠિયો સગીરાને ઉઠાવી ગયો
અમદાવાદઃ શહેરના વટવા વિસ્તારમાંથી એક સગીરાનું અપહરણ થતાં તપાસ હાથ ધરવામાં આવી છે. વટવામાં સૈયદ વાડી નજીકથી ૧૪ વર્ષની એક સગીરાનું કોઇ અજાણ્યો શખસ લલચાવી, ફોસલાવી ઉઠાવી જતા પોલીસે શોધખોળ શરૂ કરી છે.

સોલામાં રૂ.૩ લાખની ઘરફોડ ચોરી
અમદાવાદઃ સોલા વિસ્તારમાં રૂ.૩ લાખની ઘરફોડ ચોરીનો બનાવ બનતાં પોલીસે ગુનો દાખલ કર્યો છે. સોલામાં સાયન્સ સિટી રોડ પર આવેલ જય દ્વારકેશ રેસિડેન્સીના એક મકાનનાં તસ્કરોએ તાળાં તોડી સોના-ચાંદીના ઘરેણાં અને રોકડ રકમ મળી આશરે રૂ.૩ લાખની મતાની ચોરી કરતા પોલીસે ગુનો દાખલ કર્યો છે.

દારૂ-જુગારના અડ્ડા પર દરોડા
અમદાવાદઃ જુદા જુદા વિસ્તારમાં ચાલતા દારૂ-જુગારના અડ્ડા પર દરોડા પાડી રરપ લિ. દેશી દારૂ, ર૮ બોટલ વિદેશી દારૂ, ૩ર બિયરનાં ટીન, બે એક્ટિવા રૂ.૭પ હજારની રકમ અને જુગારના સાધનો કબજે કરી ૧ર૭ ઇસમોની ધરપકડ
કરી હતી.

બિન વારસી હાલતમાં લાશ મળી
અમદાવાદઃ કાલુપુર રેલવે સ્ટેશન નજીક ફૂટપાથ પરથી બિનવારસી હાલતમાં એક વૃદ્ધની લાશ મળી આવી હતી. આ વૃદ્ધનું મોત બીમારીના કારણે થયું હોવાનું જાણવા મળે છે. મરનારનું નામ, સરનામું કે અન્ય કોઇ વિગત જાણવા
મળ્યા નથી.

You might also like