હાર્દિક પટેલના જામીનનો ક્રાઈમ બ્રાન્ચ વિરોધ કરશે

અમદાવાદ: પાટીદાર અનામત આંદોલનમાં રાજદ્રોહના ગુનામાં ધરપકડ કરાયેલા હાર્દિક પટેલ અને તેના સાથીઓ સામે પૂરતા પુરાવા હોવાથી જામીન નહીં આપવા માટે ક્રાઈમ બ્રાન્ચે આજે સેશન્સ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરી છે. જેમાં આરોપીઓ તરફથી જવાબ રજૂ કરશે.

ક્રાઈમ બ્રાન્ચને હાર્કિદ પટેલ અને તેના ચાર સાથીઓ સામે રાજદ્રોહ સહિતના ગુના હેઠળ ધરપકડ કર્યા બાદ ચાર્જશીટ કરવાની ગૃહ વિભાગે મંજૂરી મેળવીને મેટ્રો.કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.ત્યારબાદ આરોપીઓ દ્વારા સેશન્સ કોર્ટમાં જામીન મેળવા માટે અરજી કરવામાં આવી હતી.જેમાં ક્રાઈમ બ્રાન્ચ છેલ્લી ચાર મુદતથી સેશન્સ કોર્ટમાં એફિડેવિટ રજૂ કરતી નહોતી. તાજતેરમાં સરકાર દ્વારા ખાસ સરકારી વકીલ તરીકે એચ.એમ.ધ્રુવ, સુધીર બ્રહ્મભટ્ટ અને અમીત પટેલની નિમણૂંક કરી હતી.ત્યારે કોર્ટે સરકારી વકીલોને એફિડેવિટ રજૂ કરવા માટે મૌખિક સૂચના આપી હતી.

જેના પગલે ક્રાઈમ બ્રાન્ચ હાર્દિક પટેલને જામીન કેમ નહીં આપવા તે અંગે વિસ્તૃતમાં એફિડેવિટ રજૂ કરી છે. જેમાં પૂરતા પુરાવા હોય અને જો હાર્દિકને જામીન આપવામાં આવશે તો પુરાવા સાથે ચેડાં થવાની શકયતા નકારી શકાય તેમ નથી. હાર્દિક પટેલ પાટીદારોને ઉશ્કેરતો હોવાના પુરાવા છે. 2700 પાનાની ચાર્જશીટ રજૂ કરી છે.જેમાં 502 સાક્ષીઓ છે. સાક્ષીઓનાં નિવેદનોમાં હાર્દિક સહિત ચારેય પાટીદારોનાં નામો છે.ત્યારે રાજદ્રોહના ગુનામાં સમાજનાં વિશાળ હિતને ધ્યાનમાં રાખીને જામીન આપવા જોઈએ નહીં.

હાર્દિક પટેલે સેશન્સ કોર્ટમાં કરેલી રેગ્યુલર જામીન અરજીમાં એવો ઉલ્લેખ કર્યો છે કે, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ખોટી,સત્યથી વિહોણી અને માત્ર હેરાનગતિ કરવા માટે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.તપાસ પૂરી થયા બાદ ચાર્જશીટ રજૂ થઈ ગઇ છે. હાર્દિક પાસેથી પોલીસને કશું મળી આવ્યું નથી.

જીએમડીસી ગ્રાઉન્ડ પર મહા ક્રાન્તિ રેલીના બે માસ કાયદાકીય નિષ્ણાતોની સલાહથી ફરિયાદ ડ્રાફટ કરવામાં આવી છે. ફરિયાદ રાજકીય પ્રેરિત પાટીદારોનો અવાજ દબાવવા માટે કરવામાં આવી છે. અરજદાર હાર્દિક પટેલ પાટીદારને અનામત આપવાની માગણી કરવાની સમિતિના સભ્ય છે જે દર્શાવે છે કે આરોપીનો ઈરાદો ભારતની એકતા અને અખંડિતતા તોડવાનો નહીં તેમજ લોકોની લાગણી ભડકાવવાનો ન હતો.

You might also like